

‘પિંક’, ‘સરદાર ઉધમ’, ‘વિકી ડોનર’ અને ‘પિકુ’ જેવી ફિલ્મો બનાવી ચૂકેલા શૂજીત સરકાર આ દિવસોમાં નવી ભૂમિકાઓ ભજવવામાં ખૂબ જ વ્યસ્ત છે. તેઓ સતત બીજા વર્ષે ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્નના જ્યૂરી મેમ્બરમાં સામેલ થયા છે. અહીં તેમને શ્રેષ્ઠ શૉર્ટ ફિલ્મો સિલેક્ટ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. આ દરમિયાન તેમણે પોતાના જ્યુરી અનુભવ અને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પર ખૂલીને વાત કરી છે.
ફિલ્મ નિર્માતા શૂજીતે સ્વીકાર્યું કે તેઓ સામાન્ય રીતે જ્યૂરીમાં ભાગ લેવાનું ટાળે છે, પરંતુ IFFM તેમના માટે એક સ્પેશિયલ જગ્યા રાખે છે. તેમણે કહ્યું કે, ‘IFFM મારા માટે ખૂબ જ ખાસ છે. આયોજકો મારા મિત્રો છે અને આ ખાસ ઉત્સવ લગભગ એક પારિવારિક સમારોહ જેવો છે. હું સામાન્ય રીતે જ્યૂરીમાં કે ન્યાયાધીશ તરીકે ભાગ લેતો નથી, પરંતુ આ વખતે મેં અપવાદ રાખ્યો છે.’

હિન્દુસ્તાન ટાઇમ્સ સાથે વાત કરતા શૂજીતે કહ્યું કે, ‘ફિલ્મોનું રિવ્યૂ કરવાનું કોઈ સરળ કાર્ય નથી. આ શરૂ કરતા પહેલા, અમે બધાને કહીએ છીએ કે કેટલાક પાસાઓ છે જેના પર આપણે ધ્યાન આપવું જોઈએ. કેટલાક ટેક્નિકલ પાસાઓ હોય છે જેના દ્વારા તમે ખરેખર આર્ટનું રિવ્યૂ કરી શકો છો. પછી, તમારે તે ફિલ્મનું સેલિબ્રેશન મનાવવું જોઈએ જે હકીકતમાં બદલાવ લાવે છે. ત્યારબાદ ડિરેક્ટરકનો અવાજ અને દૃષ્ટિ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે.
તમે એવી ફિલ્મો જુઓ છો જે એક વિશાળ સામાજિક બદલાવ લાવે છે અને જેની અસર લાંબા સમય સુધી રહે છે. તેમાં કોઈ શંકા નથી કે સિનેમેટોગ્રાફી, એડિટિંગ, ડિરેક્શન, એક્ટર્સ દરેક બાબતના સંદર્ભમાં ટેક્નિકલ પાસાઓ પર ધ્યાન આપવું મહત્ત્વપૂર્ણ છે.’ તો શૂજિત સરકારને તાજેતરમાં જ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોને લઈને થયેલી ચર્ચા બાબતે પણ પૂછવામાં આવ્યું હતું. જ્યાં શાહરૂખ ખાનને બેસ્ટ એક્ટરનો પુરસ્કાર મળ્યો અને ધ કેરળ સ્ટોરીને બેસ્ટ સિનેમેટોગ્રાફી પુરસ્કાર મળ્યો. ઘણા લોકોએ તેના પર સવાલ ઉઠાવ્યો.

તેના પર શૂજિતે કહ્યું કે, મને લાગે છે કે તેના પર ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. તમે તેને જ્યૂરી પર છોડી દો. આપણે ઘણી બાબતો પર અસહમત હોઈ શકીએ છીએ, પરંતુ આખરે જે મહત્ત્વ ધરાવે છે તે એ છે કે જ્યૂરી કોણ છે? કારણ કે તે જ્યૂરીનો અંતિમ નિર્ણય હોય છે. તમે તેના પર સવાલ નહીં ઉઠાવી શકો કે તેમણે શું પુરસ્કાર આપ્યો છે. મને લાગે છે કે, આપણે તેઓ શરૂ કરે તે અગાઉ સવાલ ઉઠાવી લઈશું કે જ્યૂરી કોણ છે, તેઓ કેટલા સેન્સેટિવ છે? તે વધુ સારું રહેશે.

