

શ્રીલંકાના એક સાંસદ હર્ષા ડી સિલ્વાએ સોમવારે (11 ઓગસ્ટ, 2025ના રોજ) શ્રીલંકાની સંસદમાં અમેરિકા અને ભારત વચ્ચે ચાલી રહેલા તણાવ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી ભારત પર લગાવવામાં આવેલા 50 ટકા ટેરિફને લઈને નિવેદન આપ્યું હતું. શ્રીલંકાના સાંસદે પોતાના દેશની સંસદને અમેરિકાના ટેરિફની ભારત પરની અસરને હળવાશથી ન લેવાનો આગ્રહ કર્યો છે અને તેમણે એ વાત પર ભાર મૂક્યો છે કે ભારત એકમાત્ર એવો દેશ છે જેણે સૌથી ખરાબ આર્થિક સંકટ દરમિયાન શ્રીલંકાને મહત્ત્વપૂર્ણ સહાયતા પ્રદાન કરી હતી.

સંસદમાં પોતાના વિચારો રજૂ કરતા હર્ષા ડી સિલ્વાએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અનુચિત અને પસંદગીયુક્ત વ્યાપાર ઉપાયો પ્રત્યે ભારતના વિરોધનો બચાવ કર્યો. ડેઇલી મિરરના અહેવાલ મુજબ, તેમણે કહ્યું કે, ‘ભારત પર ન હસો. જ્યારે તેઓ નીચે હોય ત્યારે તેમની મજાક ન ઉડાવો, કારણ કે જ્યારે આપણે નીચે હતા ત્યારે એકલા તેઓ જ હતા, જેમણે આપણી મદદ કરી હતી. રમત હજુ પૂરી થઈ નથી. અમે તમને હસતા જોયા. હસશો નહીં. ભારતને અપેક્ષા હતી કે, ડ્યુટી 15 ટકા સુધી ઓછી થશે અને આપણને પણ એવી જ અપેક્ષા હતી.’

