

BJP નેતા અને પૂર્વ BJP નેતા વચ્ચેના રસપ્રદ મુકાબલાનું પરિણામ આવી ગયું છે. BJPના સાંસદ રાજીવ પ્રતાપ રૂડી BJPના નેતા અને ભૂતપૂર્વ સાંસદ સંજીવ બાલિયાનને હરાવીને કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઈન્ડિયાના સચિવ (વહીવટ) પદ જાળવી રાખવામાં સફળ રહ્યા. રૂડી છેલ્લા 25 વર્ષથી આ પદ સંભાળી રહ્યા છે, પરંતુ આ વખતે બાલિયાને તેમને પડકાર આપ્યો. જોકે, રૂડી જીત્યા. રૂડીને 392 મત મળ્યા અને બાલિયાનને 290 મત મળ્યા. રસપ્રદ વાત એ છે કે, આમાં ભાજપના જ બંને નેતા એક બીજા સામે ઉભા હતા અને એક નેતાને કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓનું સમર્થન હતું,

આ માટે ચૂંટણી પ્રચાર લાંબા સમયથી ચાલી રહ્યો હતો. આ વખતે સ્પર્ધા વધુ રસપ્રદ હતી, કારણ કે તે બે વરિષ્ઠ BJPના નેતાઓ વચ્ચે હતી. આ પહેલા, અહીં ફક્ત ત્રણ વખત જ ચૂંટણી કરાવવામાં આવી છે અને આ ચૂંટણી ચોથી વખત યોજાઈ હતી. બિહારના સારણના સાંસદ રાજીવ પ્રતાપ રૂડી અને મુઝફ્ફરનગરના ભૂતપૂર્વ સાંસદ સંજીવ બાલિયાન વચ્ચે કડક મુકાબલો થયો હતો. 25 વર્ષમાં આ પહેલી વાર છે જ્યારે રૂડીને અહીં પડકાર મળ્યો હોય અને તે પણ તેમના જ પક્ષના નેતા તરફથી.
રાજકીય વર્તુળોમાં ચર્ચા હતી કે, રૂડીને કોંગ્રેસ અને અન્ય વિપક્ષી સાંસદોનો પણ ટેકો મળ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે, વિપક્ષી સાંસદો બાલિયાનને સરકારી ઉમેદવાર તરીકે જોઈ રહ્યા હતા. મંગળવારે મતદાન પહેલા ઘણા દિવસો સુધી ડિનર ડિપ્લોમસી પણ ચાલુ રહી. બે BJPના નેતાઓ વચ્ચેના મુકાબલાને કારણે, BJPના સાંસદો પણ મૂંઝવણમાં હતા. BJPના સાંસદ કંગના રણૌતે કહ્યું કે, પહેલીવાર BJP વિરુદ્ધ BJP છે, તેથી તે અમારા માટે, ખાસ કરીને નવા આવનારાઓ માટે ખૂબ મૂંઝવણભર્યું છે.

આ સાંસદોનું ક્લબ છે, તેથી ફક્ત સાંસદો અને ભૂતપૂર્વ સાંસદો જ અહીં સભ્ય બની શકે છે. આ ક્લબમાં કુલ 1295 મતદારો છે. ગૃહમંત્રી અમિત શાહ, BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા, કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, કિરેન રિજિજુ અને અન્ય ઘણા કેન્દ્રીય મંત્રીઓ મતદાન કરવા આવ્યા હતા. છેલ્લા ઘણા દિવસોથી આ અંગે સોશિયલ મીડિયા સહિત વન-ટુ-વન પ્રચાર ચાલી રહ્યો હતો. સંજીવ બાલિયાનને ટેકો આપી રહેલા BJPના સાંસદ નિશિકાંત દુબેએ પણ રાજીવ પ્રતાપ રૂડી પર આરોપ લગાવ્યો અને કહ્યું કે આ ક્લબ અધિકારીઓ અને દલાલોનો અડ્ડો બની ગઈ છે અને તેને તેમના ચુંગાલમાંથી મુક્ત કરાવવી પડશે.

રૂડીએ તેમના કાર્યકાળ દરમિયાન ક્લબમાં બનેલી નવી સુવિધાઓનો ઉલ્લેખ કર્યો અને બીજા કાર્યકાળ માટે અપીલ કરી. કોન્સ્ટિટ્યુશન ક્લબના ઇતિહાસમાં, આ પહેલા 2009, 2014 અને 2019માં ફક્ત ત્રણ વખત ચૂંટણીઓ યોજાઈ હતી. આ વખતે પણ, ખજાનચી, રમતગમત સચિવ અને સંસ્કૃતિ સચિવ માટે ચૂંટણીઓ યોજાઈ ન હતી. કોંગ્રેસના AP જિતેન્દ્ર રેડ્ડી ખજાનચી તરીકે અને રાજીવ શુક્લા સચિવ (રમતગમત) તરીકે અને DMKના તિરુચી શિવ સચિવ (સંસ્કૃતિ) તરીકે કોઈપણ ચૂંટણી વિના પસંદગી પામ્યા હતા.