

વર્ષ 2025ની સૌથી મોટી ફિલ્મ ‘વૉર 2’ 14 ઑગસ્ટના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થઈ હતી, જેને વિવેચકો અને ફેન્સ તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલાક લોકોને આ ફિલ્મ પસંદ આવી, જ્યારે કેટલાક લોકોને બિલકુલ પસંદ નથી આવી. હવે સ્પાય યુનિવર્સ ફિલ્મ ‘પઠાણ’ના આસિસ્ટન્ટ ડિરેક્ટરની ‘વૉર 2’ અંગે પ્રતિક્રિયા સામે આવી છે, જે ખૂબ વાયરલ થઈ રહી છે.
યશ રાજ ફિલ્મ્સની સ્પાય યુનિવર્સ આ દિવસોમાં ટ્રોલિંગનો સામનો કરી રહી છે. ઘણા લોકોએ તેમની ફિલ્મોમાં ઓરિજિનલ એક્શનનો અભાવ બતાવ્યો છે. સાથે જ એમ પણ કહેવામાં આવ્યું છે કે સ્પાય યુનિવર્સની ફિલ્મ તેમને 2019ની ‘વૉર’ જેટલી મજા આપી રહી નથી, જ્યારે ‘સ્પાય યુનિવર્સ’ સત્તાવાર રીતે શરૂ થયું નહોતું. તાજેતરમાં ઇન્ટરનેટ પર આવેલી રિતિક રોશન અને જુનિયર NTR અભિનીત ‘વૉર 2’ને લઈને પણ આજ કહેવું છે. ઘણા લોકો આ ફિલ્મથી નિરાશ થયા છે.

હવે આ જ યુનિવર્સની ફિલ્મ ‘પઠાણ’ ના આસિસ્ટન્ટ ડિરેક્ટર રહી ચૂકેલા રાજવીર આશેરે ‘વૉર 2’ને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે પોતાના ખાનગી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘વૉર 2’ને એક મોટી નિરાશા ગણાવી છે. તેમણે એમ પણ કહ્યું છે કે, આ ફિલ્મ ‘સ્પાય યુનિવર્સ’ની સૌથી નબળી ફિલ્મોમાંથી એક છે. રાજવીરે લખ્યું કે, ‘આ મારા માટે એકદમ દિલ તોડનારો અનુભવ હતો. મને આ ફિલ્મ માટે ઘણી આશાઓ હતી, પરંતુ તેણે મને પૂરી રીતે નિરાશ જ કર્યો.’
રાજવીરે આગળ લખ્યું કે, ‘ફિલ્મનો પહેલો ભાગ અમુક અંશે ઠીક હતો, પરંતુ બીજો ભાગ એકદમ વાહિયાત અને લાંબો ખેંચાયેલો લાગ્યો. ન તો તેમાં કોઈ દમદાર ઉતાર-ચઢાવ હતા, ન તો તે મારી લાગણીઓને સ્પર્શી શક્યો. જે દિવસની હું સૌથી વધુ રાહ જોઈ રહ્યો હતો, તે જ દિવસ ભયાનક વિશ્વાસઘાત સાબિત થયો. આ સ્પાય યુનિવર્સની સૌથી નબળી ફિલ્મ છે.’

‘વૉર 2’ ભલે ઘણા લોકોના નિશાના પર છે, પરંતુ તેનું બોક્સ ઓફિસ કલેક્શન કંઈક અલગ જ કહાની બતાવી રહ્યું છે. ફિલ્મે રીલિઝના માત્ર 3 દિવસમાં 150 કરોડનો આંકડો પાર કરી દીધો છે. તેલુગુ અને બોલિવૂડ સુપરસ્ટાર્સથી સજેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. પરંતુ ફિલ્મની ટીકાઓ આગામી બે દિવસમાં તેની ગતિ ધીમી પાડી શકે છે.
ફિલ્મનું બજેટ લગભગ 400 કરોડ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જે તેને સ્પાય યુનિવર્સની મેગા બજેટ ફિલ્મોમાંથી એક બનાવે છે. જો ફિલ્મને બોક્સ ઓફિસ પર હિટનો ટેગ મેળવવો હોય, તો તેણે 500 કરોડથી વધુ કમાણી કરવી પડશે. હવે જોવાનું એ છે કે ‘વૉર 2’ ટ્રોલિંગ છતા મોટી ફિલ્મ બની શકશે કે નહીં. તમને જણાવી દઈએ કે આ ફિલ્મને અયાન મુખર્જીએ ડિરેક્ટ કરી છે.
