

જો કોઈ પતિ અચાનક તેની પત્નીને ફિટ રહેવા અને બોલિવુડની પ્રખ્યાત એક્ટ્રેસ જેવું ફિગર બનાવવા માટે દબાણ કરવા લાગે તો શું થાય? તેના માટે તે પત્નીને દરરોજ 3 કલાક કસરત કરવાનું કહે અને આમ ન કરવા પર ખાવાનું પણ ન આપે તો? તમે વિચારી રહ્યા હશો કે પત્ની આવી જિદ શા માટે માને અને આવા પતિ સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવવી જોઈએ. તમે બરાબર વિચારી રહ્યા છો. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી આવેલા એક કેસમાં પીડિત પત્નીએ પણ આવું જ કર્યું. તેણે પોતાના પાગલ પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. હવે પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
પીડિતાએ પોતાની ફરિયાદમાં પોલીસને જણાવ્યું છે કે, તેનો પતિ ઈચ્છતો હતો કે તે બોલિવુડની એક્ટ્રેસ અભિનેત્રી નોરા ફતેહી જેવી દેખાય. તેના માટે તે પત્ની પર દરરોજ 3 કલાક કસરત કરવાનું દબાણ પણ કરી રહ્યો હતો. જ્યારે પત્ની પતિના આ પ્રકારના આગ્રહથી તંગ આવી ગઈ, ત્યારે તેણે પોલીસ સ્ટેશનમાં તેની વિશે જાણ કરી.

મહિલાના મતે તેની ઊંચાઈ સામાન્ય અને ગોરી છે, છતા તેને તેના શારીરિક બનાવટને લઈને ટોણાં મારવામાં આવે છે. મહિલાનો આરોપ છે કે, તેના પતિને બીજી છોકરીઓમાં ખૂબ રસ છે અને તે સોશિયલ મીડિયા પર છોકરીઓની આપત્તિજનક તસવીરો અને વીડિયો જુએ છે. ફરિયાદ મુજબ, મહિલાનો પતિ અને સાસરિયાના લોકો તેને દરરોજ 3 કલાક કસરત કરાવે છે. જો તે કોઈ દિવસે 3 કલાક કસરત ન કરી શકે તો તેને ખાવાનું પણ આપવામાં આવતું નથી. તેના પતિ અને સાસરિયાના લોકો ઇચ્છે છે કે તેનું ફિગર નોરા ફતેહી જેવું બની જાય. પોલીસે આ મામલે મહિલાના પતિ, સાસુ, સસરા અને નણંદ વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને વધુ તપાસ કરી રહી છે.
પીડિતાએ પોલીસને આપેલી ફરિયાદમાં પોતાના પતિ અને સાસરિયાના લોકો વિરુદ્ધ ગંભીર આરોપો લગાવ્યા છે. ગાઝિયાબાદના મહિલા પોલીસ સ્ટેશનમાં મહિલા દ્વારા નોંધાવાયેલા કેસ મુજબ, તેના લગ્ન 6 માર્ચ 2025ના રોજ મેરઠના એક યુવક સાથે થયા હતા. તેના આ લગ્ન અરેન્જ મેરેજ હતા. લગ્નમાં છોકરીના પરિવારે સાસરિયાના લોકોને 16 લાખના ઘરેણાં, 24 લાખની મહિન્દ્રા સ્કોર્પિયો અને 10 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. મહિલાની ફરિયાદ મુજબ, લગ્નમાં લગભગ 76 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.

મહિલાનો આરોપ છે કે, લગ્ન બાદ તેના સાસરિયાના લોકો તેને અને તેના પતિને ક્યાંય સાથે જવા દેતા નહોતા. ઘરકામને કારણે તેની સાસુ તેને બિનજરૂરી રીતે હેરાન કરતી હતી. એક રાત્રે જ્યારે તેનો પતિ આવ્યો અને રૂમમાં મચ્છરદાની ન મળી, ત્યારે તે એ વાતને લઈને પણ ગુસ્સે થઈ ગયો અને તેની સાથે પતિએ મારમારી કરી હતી.
