
-copy6.jpg?w=1110&ssl=1)
હાર્દિક પટેલ, વરુણ પટેલ, લલીત વસોયા, ગોપાલ ઈટાલિયા પાટીદાર સમાજથી ઉભરેલા યુવા નેતાઓ છે જે અલગ અલગ રાજકીય પક્ષો સાથે જોડાયા. પોતાના સમાજ માટે આગળ આવ્યા અને અનેક ગડમથલો પછી અંશતઃ સફળ પણ થયા અને આગળ વધી રાજનીતિમાં સક્રિય થયા. વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓ માટે રાજનીતિમાં ગયા કે ખરેખર રાજનીતિમાં જઈ કઈક સારું કરવા ગયા એ તો આવનારો સમય જ પુરવાર કરશે.

હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા અને યેનકેન પ્રકારે ધારાસભ્ય થવામાં સફળ રહ્યા અને આજે જનસ્વીકૃત થવા માટેની અને પાટીદાર સમાજ અને ભાજપમાં અસ્તિત્વ ટકાવી રાખવાની ગડમથલની સ્થિતિમાં છે. લલિત વસોયા પાટીદાર આંદોલન બાદ કોંગ્રેસમાં જોડાયા ધારાસભ્ય બન્યા અને આજે પણ કોંગ્રેસમાં સક્રિયતાથી કામ કરી રહ્યા છે.
વરુણ પટેલ પણ મજબૂત પાટીદાર યુવા નેતૃત્વ સાબિત થયા ભાજપમાં જોડાયા પણ ભાજપની શિસ્તની પ્રણાલીમાં બંધ બેસ્યા અને કશું જ માંગ્યા વિના પક્ષને અને સમાજને વફાદાર રહી હાલ પણ કોઇપણ પ્રકારના રાજકીય હોદ્દાની માંગણી વિના પક્ષ અને સમાજ માટે સક્રિય છે. અને ચર્ચામાં છે કે તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પોતાના આદર્શ માની પક્ષની મર્યાદામાં રહીને સક્રિય છે.

હવે વાત રહી ગોપાલ ઇટાલિયાની તો તેઓ પ્રજાસ્વીકૃત અને સમાજ સ્વીકૃત આંદોલનાત્મક શૈલીમાં બોલતા રહ્યા અને આમ આદમી પાર્ટીથી વિસાવદરથી ધારાસભ્ય ચૂંટાય આવ્યા. પોતાની નીડર શૈલી તેમણે સૌમાં અલગ તારવે છે અને લોક લાગણી જીતવામાં સફળ પણ રહ્યા.
આ બધા જ પાટીદાર યુવાનો એક જ સમાજના છે અને ભૂતકાળમાં સાથે હતા તેઓ આજે વિવિધ રાજકીય પક્ષોમાં પક્ષની રાજનીતિ મુજબ આગળ વધી રહ્યા છે અને ક્યાંક ક્યાંક એકબીજાની સામે થઈ ગયા છે. આખરે નુકશાન તો પાટીદાર સમાજની એકતાને જ થયું પરંતુ આ યુવાનો જ વિવિધ રાજકીય પક્ષોમાં રાજનીતિના કેન્દ્રમાં આવી રહ્યા છે એ પણ એક સફળતા જ કહી શકાય.

આવનારા સમયમાં ભલે આ યુવાનો એકબીજાની સામે હશે પરંતુ ગુજરાતની રાજનીતિમાં આજે કેન્દ્ર સ્થાને છે એ વાત અવગણી શકાય એમ નથી.
