fbpx

RSSના સરસંઘચાલક મોહન ભાગવત બોલ્યા- લોકોમાં અસંતોષ વધી રહ્યો છે, અસહિષ્ણુતા ખૂબ વધી ગઈ છે…

Spread the love
RSSના સરસંઘચાલક મોહન ભાગવત બોલ્યા- લોકોમાં અસંતોષ વધી રહ્યો છે, અસહિષ્ણુતા ખૂબ વધી ગઈ છે...

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતના દરેક નિવેદનને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવે છે. તેની ખૂબ ચર્ચા પણ થાય છે. મોહન ભાગવતે ફરી એક વખત મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અસહિષ્ણુતા ખૂબ વધી ગઈ છે. લોકોમાં અસંતોષ પણ વધી રહ્યો છે. RSSના પ્રમુખે ભગવાન પ્રત્યેની ભક્તિ અને દેશભક્તિ અંગે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે એમ પણ કહ્યું કે, ‘વિજ્ઞાન અને માનવ જ્ઞાનના વિકાસ છતા સંઘર્ષ અત્યારે પણ ચાલુ છે. તમને જણાવી દઈએ કે, મોહન ભાગવત ગુરુવાર 11 સપ્ટેમ્બર 2025ના રોજ પોતાનો 75મો જન્મદિવસ મનાવી રહ્યા છે. તેઓ 16 વર્ષ કરતા વધુ સમયથી RSSના પ્રમુખ છે.

નાગપુરમાં RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, ‘દેવ ભક્તિ અને દેશભક્તિ થોડા અલગ-અલગ દેખાય છે. એટલા માટે 2 શબ્દોનો ઉપયોગ થાય છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આપણા દેશ ભારતમાં આ બંને અલગ નથી, તે એક જ વાત છે. જે સાચી ભક્તિ કરશે, તે દેશ ભક્તિ પણ કરશે. જે પ્રમાણિકતાથી દેશભક્તિ કરશે, તેની પાસે ભગવાન ભક્તિ પણ કરાવી લેશે. આ તર્ક નથી, અનુભવ છે. આવું થાય છે.’

mohan-bhagwat

મોહન ભાગવતે વધુમાં કહ્યું કે, ‘જીવન પોતિકાપણાની ભાવના પર આધારિત છે અને આજે દુનિયા આ પોતિકાપણાના બંધન માટે તરસી રહી છે. છેલ્લા 2000 વર્ષથી દુનિયા એક અધૂરા વિચાર પર આગળ વધી છે. આપણે જોઈએ છીએ કે વિજ્ઞાન અને માનવ જ્ઞાનના વિકાસ છતા, અત્યારે પણ સંઘર્ષો ચાલુ છે. લોકોમાં અસંતોષ વધી રહ્યો છે અને અસહિષ્ણુતા પણ ખૂબ વધી ગઈ છે.’

RSSના પ્રમુખ મોહન ભાગવતે પણ ત્યાગ અને કર્તવ્ય પર પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે કહ્યું કે, ‘શિવ ત્યાગ અને સેવાના આદર્શ છે, પરંતુ ત્યાગનો અર્થ પોતાના કર્તવ્યોનો ત્યાગ કરી દેવાનું નથી. જ્યારે કર્તવ્ય સામે આવે છે, ત્યારે તે પૂરી નિષ્ઠા અને સમર્પણ સાથે નિભાવવામાં આવે છે. સંસારમાં ઘણી વસ્તુઓ થતી રહે છે, છતા તે ત્યાગી વ્યક્તિ સાથે જોડાયેલી રહેતી નથી. આપણે એવું કાર્ય નહીં કરીએ, જે માત્ર અહેસાન વ્યક્ત કરવા માટે હોય કે દુનિયા પર હાવી થવા માટે નવો માર્ગ બતાવે. દુનિયા આપણને શિક્ષક કહે, પરંતુ આપણે સંસારને મિત્ર કહીશું.’

mohan-bhagwat2

RSS સરસંઘચાલક મોહન ભાગવત ગુરુવારે 75 વર્ષના થયા. તેઓ 16 કરતા વર્ષથી વધુ સમયથી સંઘના પ્રમુખ છે. 11 સપ્ટેમ્બર, 1950ના રોજ મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં જન્મેલા ભાગવત RSS પ્રમુખના કાર્યકાળના સંદર્ભમાં એમ.એસ. ગોલવલકર અને મધુકર દત્તાત્રેય દેવરસ (બાળાસાહેબ) બાદ ત્રીજા નંબર પર છે. RSSના ત્રીજા પ્રમુખ રહેલા બાળાસાહેબે 20 વર્ષથી વધુ સમય સુધી આ ઉચ્ચ પદ સંભાળ્યું હતું, જ્યારે બીજા સરસંઘચાલક ગોલવલકર 32 વર્ષથી વધુ સમય સુધી સંગઠનનું નેતૃત્વ કર્યું હતું.

ભાગવતે લગભગ 50 વર્ષ અગાઉ RSS પ્રચારક તરીકે કામ કરવાનું ચાલુ કર્યું હતું અને માર્ચ 2009માં તેના સરસંઘચાલક (મુખ્ય) બન્યા હતા. તેમના પિતા મધુકરરાવ ભાગવત પણ પ્રચારક એટલે કે પૂર્ણકાલિન RSS કાર્યકર્તા હતા. ભાગવતે થોડા દિવસો અગાઉ કહ્યું હતું કે, ‘સંઘમાં સ્વયંસેવકોને કામ આપવામાં આવે છે, ભલે તેઓ ઇચ્છે કે ન ઇચ્છે. અમે એજ કરીએ છીએ, જે સંઘ અમને કહે છે. મોહન ભાગવતે કહ્યું હતું કે તેમણે નાગપુરમાં તાજેતરમાં એક કાર્યક્રમમાં સ્વર્ગસ્થ RSS નેતા પિંગલેની પ્રભાવશાળી ઢંગે બોલવાની ક્ષમતા બતાવવા તેમનો સંદર્ભ આપ્યો હતો.

error: Content is protected !!