
આગામી દિવસોમાં જો તમે શેર બજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોય તો આ ખાસ ન્યૂઝ તમારા માટે છે. આમ શેર બજારમાં ખૂબ મોટું રિસ્ક હોય છે, પરંતુ શેર બજાર લોકોને માલામાલ પણ કરી શકે છે અને કંગાળ પણ. આગામી દિવસોમાં ભારતીય શેર બજારમાં શું પરિસ્થિતિ કેવી રહેશે તેને લઈને દુનિયાના દિગ્ગજ રોકાણકાર માર્ક મોબિયસે મોટો દાવો કર્યો છે.
મોબિયસના મતે, ગ્લોબલ માર્કેટમાં અનિશ્ચિતતાનું વાતાવરણ વધુ વધી શકે છે, કારણ કે ઘણા દેશો હાલ યુદ્ધમાં અટવાયા છે અને હવે ટેરિફ વધુ એક નવો પડકાર લાવ્યો છે. આ બધા પરિબળોને જોતા તેમને ભારતીય માર્કેટમાં વધારે વિશ્વાસ છે, જે લાંબા ગાળે ગ્રોથની ઘણી શક્યતાઓ દર્શાવે છે. ભારતીય ઇકોનોમીની ઝડપી ગતિ, સ્થિર વિકાસ અને મોટું ડોમેસ્ટિક માર્કેટ તેને દુનિયાના અન્ય કોઈપણ દેશ કરતા વધુ આકર્ષક બનાવે છે.

માર્ક મોબિયસે કહ્યું કે અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા ટેરિફની અસર થોડા સમય સુધી દેખાઈ શકે છે. ભલે ટેરિફનું પ્રેશર હોય, પરંતુ આખી દુનિયા માટે ભારતનું માર્કેટ એક હોટ ડેસ્ટિનેશન બની રહેશે. વિદેશી રોકાણકારોમાં પણ તેને લઈને વિશ્વાસ વધી રહ્યો છે અને ટૂંક સમયમાં રોકાણકારોના પૈસા આવવાની શરૂઆત થઈ જશે.
તેમણે કહ્યું કે, અમેરિકન ટેરિફને કારણે ભારતના કેટલાક સેક્ટર્સ જરૂર પ્રભાવિત થશે, જેમાં ફાર્મા, ડાયમંડ, જેમ્સ અને કાપડ સેક્ટર સામેલ છે. છતા ભારત પાસે આ પડકારોનો સામનો કરવા માટે પૂરતા સંસાધનો છે અને તે ટૂંક સમયમાં તેમાંથી બહાર આવી જશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારતીય બિઝનેસમેનોને અમેરિકન ટેરિફથી રાહત અપાવવા માટે સરકારી સ્તર પર અસરકારક પગલાં ઉઠાવવામાં આવશે, જેનો સીધો ફાયદો શેરબજાર અને તેના રોકાણકારોને થશે.
ભારતીય માર્કેટથી વિદેશી રોકાણકારોના વેચાણ પર તેમણે કહ્યું કે ગ્લોબલ માર્કેટને જોતા વિદેશી રોકાણકારો સાવધાની દર્શાવી રહ્યા છે, પરંતુ ટૂંક સમયમાં જ માર્કેટમાં તેમની વાપસી થશે. ચીન જેવા મોટા માર્કેટ આઉટ પરફોર્મ કરી રહ્યા છે, તો ભારતમાં જ વાપસીના સંકેત છે. આ ટ્રેન્ડ આગામી 3-4 મહિનામાં બદલાઈ શકે છે. ભલે અત્યારે ટ્રેન્ડને લઈને તેમનું સેન્ટિમેન્ટ નેગેટિવ છે, પરંતુ તેને બદલાવામાં વધુ સમય નહીં લાગે.

મોબિયસે કહ્યું કે, દુનિયાની બધી જ મોટી કંપનીઓના ભારતમાં મેન્યુફેક્ચરિંગ વધારવાથી કોમ્પિટિશન વધે છે અને ભારતને તેનો લાભ મળી રહ્યો છે. ભલે ગ્લોબલ માર્કેટમાં અત્યારે પણ પ્રેશર છે, પરંતુ ભારતીય ગ્રોથને આગળ વધારવામાં 2 ફેક્ટર્સ મોટો ભાગ ભજવી શકે છે. એક તો અહીંના બજારની સ્થિરતા, જે ગ્લોબલ અનિશ્ચિતતાઓથી આટલી સ્થિરતા સાથે આગળ વધી રહ્યું છે અને બીજું કે ભારતનું વિશાળ ડોમેસ્ટિક માર્કેટ અને તેના ગ્રાહકો.
તેમણે વધુમાં કહ્યું હતું કે ભારત સરકાર પોતાની પોલિસીઓને ગ્રોથને અનુકૂળ બનાવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે સ્થાનિક ઉત્પાદન વધારવા માટે પ્રતિબંધો અને નિયમો હળવા કર્યા છે, જે લાંબા ગાળાના વિકાસ માટે સૌથી મહત્ત્વપૂર્ણ પગલું છે. ગ્લોબલ માર્કેટમાં પણ ડોલરને લઈને ધારણા બદલાઈ રહી છે અને રોકાણકારો હવે ઇક્વિટી તરફ પરત ફરી રહ્યા છે, જેનો ફાયદો ભારત જેવા ઝડપથી વિકસતા માર્કેટ્સને મળશે. અમેરિકન રોકાણકારો પણ પોતાના પોર્ટફોલિયોને ડાઇવર્સીફાઈ કરવા માગે છે, જેના માટે તેમણે ભારતના માર્કેટમાં પરત ફરવું પડશે.
