
વીમો… એક એવી સિસ્ટમ જેમાં વીમાધારક વ્યક્તિ નિયમિતપણે પ્રીમિયમ રકમ વીમા કંપનીને ચૂકવે છે. બદલામાં, કંપની કટોકટીની સ્થિતિમાં તેને નાણાકીય મદદ કરવાની ગેરંટી આપે છે. તાજેતરમાં, જ્યારે GST કાઉન્સિલે વ્યક્તિગત વીમાને કરમુક્ત કર્યો, ત્યારે દેશના લોકો ખુશ થયા. પરંતુ હવે એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જે વીમા ખરીદનારાઓને ધ્યાન પર લેવા માટે મજબૂર કરશે. જ્યારે 1 કરોડ 20 લાખનો આરોગ્ય વીમો લેનાર વ્યક્તિ તેના બાળક સાથે હોસ્પિટલમાં પહોંચ્યો, ત્યારે તેને ત્યાં ખાનગી રૂમ આપવામાં આવ્યો ન હતો. આ વ્યક્તિએ હોસ્પિટલ તેમજ કંપની પર આરોપ લગાવ્યો છે.
પ્રેમ સોની વ્યવસાયે નાણાકીય નિષ્ણાત છે. તેણે X પોસ્ટમાં તેની સાથે બનેલી ઘટના શેર કરી છે. 9 સપ્ટેમ્બરના રોજ કરેલી પોસ્ટમાં પ્રેમ સોનીએ જણાવ્યું હતું કે, તેણે 1 કરોડ 20 લાખ રૂપિયાનો ACKO પ્લેટિનમ હેલ્થ પ્લાન લીધો છે. પરંતુ જ્યારે સમય આવ્યો, ત્યારે તેને ખ્યાલ આવ્યો કે વીમા કંપનીઓના મોટા વચનો ફક્ત કાગળો સુધી મર્યાદિત હોય છે.
પ્રેમે જણાવ્યું કે, તે તેના પુત્રને હોસ્પિટલમાં લઈ ગયો હતો. ACKO પ્લેટિનમ હેલ્થ પ્લાનમાં ‘કોઈ રૂમ ભાડાની મર્યાદા નહીં’નો દાવો હતો. મતલબ કે, સ્યુટ રૂમ હોય કે VIP વોર્ડ, બધું જ કવર છે! પ્રેમે વિચાર્યું કે હવે તે કોઈ પણ તણાવ વિના તેના પુત્રની સંભાળ રાખી શકશે. પરંતુ અહીંથી નાટક શરૂ થયું.
પ્રેમ હોસ્પિટલ પહોંચ્યો અને સ્યુટ રૂમ માંગ્યો. તેના કહેવા મુજબ, પહેલા તો સ્ટાફ સંમત થયો, ‘હા સાહેબ, તે ઉપલબ્ધ છે, અમે શિફ્ટ કરી દઈએ.’ પરંતુ પ્રેમે કેશલેસ ક્લેમ વિશે વાત કરતાની સાથે જ હોસ્પિટલના વલણે 360 ડિગ્રી વળાંક લઈ લીધો. હોસ્પિટલે કહ્યું, ‘સાહેબ, તમને સ્યુટ રૂમ નહીં મળે, અમારો ACKO સાથે MOU નથી!’

પ્રેમ આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. રૂમ ભાડાની મર્યાદા નહીં હોવાનો અર્થ શું હતો? ફક્ત કહેવા પૂરતું એક જાહેરાતનું વાક્ય? પ્રેમ ગુસ્સેથી લાલચોળ થઇ ગયો. અરે એ તો જવા દો, હોસ્પિટલના લોકોએ સાફ શબ્દોમાં કહ્યું કે જો પ્રેમ તેના ખિસ્સામાંથી પૈસા ચૂકવે છે, તો તેને તરત જ સ્યુટ રૂમ મળી જશે. પરંતુ કેશલેસ ક્લેમનો મામલો આવતાની સાથે જ તેઓએ કહ્યું કે ના! એટલે કે, વીમા કવરેજ માત્ર એક છેતરપિંડી હતી. તેનો વિશ્વાસ તૂટીને ભુક્કો થઇ ગયો.
પ્રેમે ACKOના કસ્ટમર કેર પર ફોન કર્યો. પરંતુ ત્યાં તો પરિસ્થિતિ વધુ ખરાબ હતી! સપોર્ટ ટીમે તેમને ક્લેમ ટીમ સાથે વાત કરવાનું કહ્યું, અને પછી 30 મિનિટનો હોલ્ડ શરૂ કર્યો. એક તરફ, તેનો દીકરો હોસ્પિટલમાં દાખલ હતો, અને પ્રેમ કંપની સાથે કોલ હોલ્ડ પર હતો. પ્રેમે પોસ્ટ કરી, ‘શું આ તમારું પ્લેટિનમ કવર છે, @ACKOIndia?’
પ્રેમની પોસ્ટ વાયરલ થઈ. લોકોએ પોતાની વાર્તાઓ શેર કરી. મધુસુદન નામના યુઝરે લખ્યું, ‘મારી સાથે પણ આવું થયું છે, વીમો એક મોટું કૌભાંડ છે!’
એડવોકેટ પ્રતીકે કહ્યું, ‘હવે સમય આવી ગયો છે કે, ભારત સરકાર કેટલાક નિયમો બનાવે, કારણ કે લોકો કેશલેસ દાવાઓ અંગે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. દરેક વ્યક્તિ માટે કેસ દાખલ કરવો શક્ય નથી.’
જયશ્રીએ લખ્યું, ‘સૌથી મોટા કૌભાંડીઓ તો વીમા કંપનીઓ જ છે! આશા છે કે તમારો દીકરો જલ્દી સ્વસ્થ થઈ જશે.’
અમને આ બાબતે કંપની તરફથી પ્રતિભાવ મળ્યો. પ્રેમ સોનીની પોસ્ટ પર ACKOએ પણ પોતાની સ્પષ્ટતા આપી. કંપનીના પ્રતિનિધિ કૃષ્ણપ્રસાદે મને મેઇલ કરીને જણાવ્યું કે, પ્રેમનો કેસ ઉકેલાઈ ગયો છે. હોસ્પિટલે સ્વીકાર્યું કે, આ સમસ્યા તેમના તરફથી ગેરસમજને કારણે થઈ હતી.
સોનીની પોસ્ટ પર, કંપની તરફથી રીના ઇવાન્સે લખ્યું, ‘અમે આ મુદ્દા પર હોસ્પિટલ સાથે પણ વાત કરી, તેમણે તેમના તરફથી ગેરસમજ સ્વીકારી. આજે સવારે હોસ્પિટલ દ્વારા સબમિટ કરાયેલ કેશલેસ ડિપોઝિટ અમારા દ્વારા પહેલાથી જ સ્વીકારવામાં આવી હતી. પોલિસી કવરેજ મુજબ ખાનગી રૂમ પણ ફાળવવામાં આવ્યો છે.’

આ બધું હોવા છતાં, પ્રેમની આ વાર્તા વીમા પરના વિશ્વાસને ડગમગાવી રહી છે. લોકો હવે વિચારી રહ્યા છે કે, શું આ યોજનાઓ ખરેખર શાંતિ આપે છે, કે માત્ર માથાનો દુખાવો? શું તમારી સાથે પણ આવું થયું છે? કોમેન્ટ કરીને અમને જણાવો.
