
ભોપાલના 90 ડિગ્રીના રેલવે પુલ પછી, નાગપુરમાં એક ફ્લાયઓવર આ દિવસોમાં હેડલાઇન્સમાં છવાયેલો છે. શહેરના અશોકા ચોકમાં 998 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા દિઘોરીથી ઇન્દોરા જતા ફ્લાયઓવરનો એક ભાગ નજીકના એક ઘરની બાલ્કનીમાંથી પસાર થઈ રહ્યો છે. જો કે, જ્યારે તેના ફોટા વાયરલ થયા, ત્યારે અધિકારીઓએ કહ્યું કે, ભૂલ ઘરમાલિકની છે અને ઘર સામે કાર્યવાહી કરવામાં આવશે.
આવી જ એક પોસ્ટના જવાબમાં, ફ્લાયઓવર બનાવતી સંસ્થા નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)એ પોતાનો પક્ષ રજૂ કર્યો. તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘એ સ્પષ્ટ કરવામાં આવે છે કે બાંધકામ દરમિયાન, NHAIએ અતિક્રમણ ઓળખી કાઢ્યું હતું અને નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનને તેને દૂર કરવાની માંગ કરી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશને એ પણ ચકાસ્યું કે સંબંધિત ઘર કોઈપણ મંજૂર બિલ્ડિંગ પ્લાન વિના બનાવવામાં આવ્યું હતું.’

NHAIએ જણાવ્યું હતું કે, ફ્લાયઓવરના રોટરી બીમના છેલ્લા કિનારેથી સ્ટ્રક્ચરની ધાર સુધી 1.5 મીટરનું અંતર છે. જો કે, મિલકતના માલિકે પ્લોટની સીમાથી આગળ બાલ્કની લંબાવી છે. આ ભાગ ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જ્યારે, મંજૂર ડિઝાઇન મુજબ ફ્લાયઓવર બનાવવામાં આવ્યો છે. સલામતીના તમામ ધોરણોનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું છે.
મ્યુનિસિપલ અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે, આ ઘર નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન (NMC) તરફથી બિલ્ડિંગ મંજૂરી યોજના વિના ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યું હતું. હાલમાં, ઘરના અનધિકૃત બાંધકામ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હનુમાન નગર ઝોનના સહાયક મ્યુનિસિપલ કમિશનર નરેન્દ્ર બાવણકરે મીડિયા સૂત્રએ જણાવ્યું હતું કે, ‘NHAIએ આ મુદ્દા અંગે મ્યુનિસિપલ બોડીનો સંપર્ક કર્યો હતો. ઘરમાલિકે પણ સ્વીકાર્યું હતું કે તેમની પાસે કોઈ બિલ્ડિંગ મંજૂરી યોજના નથી.’

અહીં તમને જણાવી દઈએ કે, આ બાંધકામ હેઠળના એલિવેટેડ રોટરીનો બાહ્ય વર્તુળ પ્રવીણ પાત્રે નામના વ્યક્તિના ઘરની બાલ્કનીમાંથી પસાર થાય છે. મીડિયા સૂત્ર સાથે વાત કરતા, પ્રવીણ કહે છે કે, તેમનું ઘર 150 વર્ષથી વધુ જૂનું છે અને ઘરનું નવીનીકરણ વર્ષ 2000માં કરવામાં આવ્યું હતું. તેઓ કહે છે કે, તેમને કોઈ વાંધો નથી. બાંધકામ પહેલાં સંબંધિત વિભાગ દ્વારા તેમને જાણ કરવામાં આવી હતી. પરંતુ તેમને ત્યારે પણ કોઈ વાંધો નહોતો, અને હમણાં પણ તેમને કોઈ વાંધો નથી.
ઘરમાલિક પ્રવીણ પાત્રે પણ કહે છે કે, તે તેમનો ઉપયોગિતા વિસ્તાર નથી. તેથી, તેઓ સલામતીની ચિંતા કરતા નથી. તેમની પુત્રી સૃષ્ટિ કહે છે કે, જ્યારે ફ્લાયઓવર સંપૂર્ણપણે બંધાઈ જશે અને ટ્રાફિક શરૂ થશે, ત્યારે તેઓ તેમના ઘરમાં અવાજ ઘટાડવાનું કામ કરાવી લેશે.
