
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાંથી સાસુ-વહુના પ્રેમનો અનોખો દાખલો સામે આવ્યો છે. એટાની રહેવાસી એક મહિલાએ તેની વહુને કિડની આપીને વહુની જિંદગી બચાવી છે. આ ભાવુક ઘટના અલીગંજ વિસ્તારના રામનગરની છે. સાસુ બીનમ દેવીનું કહેવું છે કે, “પૂજા મારી વહુ નહીં, પરંતુ દીકરી છે.”

ફર્રુખાબાદની રહેવાસી પૂજાના લગ્ન એટાના અશ્વિની પ્રતાપ સિંહ સાથે નવેમ્બર 2023માં થયા હતા. લગ્ન પછી તેણે ફેબ્રુઆરીમાં દીકરીને જન્મ આપ્યો. પરંતુ ડિલિવરી દરમિયાન ગંભીર સંક્રમણ થતાં પૂજાની બંને કિડનીઓ 75 ટકા સુધી ખરાબ થઈ ગઈ.
પરિવારે કાનપુર સહિત અનેક હોસ્પિટલોનો સહારો લીધો, પણ પૂજાની તબિયતમાં સુધારો થયો નહીં. અંતે તેને લખનઉની ડૉ. રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં રેફર કરવામાં આવી. અહીંના ડૉક્ટરોએ સ્પષ્ટ કર્યું કે પૂજાના જીવન માટે કિડની ટ્રાન્સપ્લાન્ટ જ એકમાત્ર વિકલ્પ છે.
આ કઠિન ઘડીએ, જ્યારે પૂજાની માતાએ કિડની આપવાનો ઇનકાર કર્યો, ત્યારે સાસુ બીનમ દેવી આગળ આવ્યા. તેમનું બ્લડ ગ્રુપ મેચ થતા તેમણે પોતાની કિડની વહુને દાન કરી. 13 સપ્ટેમ્બરના રોજ આરએમએલ હોસ્પિટલમાં સફળ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. હાલ પૂજા ડૉક્ટરોની દેખરેખ હેઠળ છે અને એક વર્ષ સુધી ખાસ કાળજી લેવાની રહેશે.
ઘટના બાદ પૂજાએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, “મારી સાસુના કારણે મારો જીવ બચ્યો છે. હવે હું મારી દીકરીને ખોળામાં લઈને રમાડી શકીશ. ઈશ્વર આવી સાસુ બધાને આપે.” બીજી તરફ સાસુએ ગૌરવ અનુભવી જણાવ્યું કે, “જ્યારે કોઈ મદદે આવ્યું નહીં ત્યારે મેં મારી વહુને કિડની આપી. આજે તે સ્વસ્થ છે એ જ મારા માટે સૌથી મોટી ખુશી છે.”
આ ઘટનાએ સાસુ-વહુના સંબંધ પરનો સમાજનો દ્રષ્ટિકોણ બદલ્યો છે. તમારું શું કહેવું થાય છે તે અચુક કોમેન્ટમાં જણાવશો.

