
નેપાળના વચગાળાના વડાપ્રધાન સુશીલા કાર્કીએ રાષ્ટ્રના નામે સંબોધનમાં યુવાનોને લઇને એક મોટી જાહેરાત કરી હતી. વડાપ્રધાને જણાવ્યું હતું કે મતદાનની લઘુત્તમ ઉંમર 18 વર્ષથી ઘટાડીને 16 વર્ષ કરી દેવામાં આવી છે. આ નિર્ણય ખાસ કરીને Gen-Z આંદોલન બાદ લેવામાં આવ્યો છે, જેથી વધુમાં વધુ યુવાનો ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈ શકે. સુશીલાએ જણાવ્યું હતું કે આ નિર્ણયથી યુવાનોની રાજકીય ભાગીદારી વધશે.

મતદાર યાદીમાં નામ સામેલ કરવા માટેની સમયમર્યાદા એક મહિનો લંબાવવામાં આવી છે. વિદેશમાં રહેતા નેપાળી નાગરિકોને મતદાનનો અધિકાર આપવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. તેના માટે કાયદામાં સંશોધન કરવામાં આવશે. અમારું લક્ષ્ય 5 માર્ચ સુધીમાં શાંતિપૂર્ણ, ન્યાયી અને ભયમુક્ત ચૂંટણીઓ કરાવવા છે. વડાપ્રધાનની જાહેરાત બાદ તરત જ નેપાળના ચૂંટણી પંચે એક સત્તાવાર નોટિફિકેશન પણ જાહેર કરી, જેમાં કહેવામાં આવ્યું હતું કે 16 વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ નેપાળી નાગરિકો હવે સવારે 8:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી વોટર રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
વડાપ્રધાને તમામ નેપાળી નાગરિકોને ચૂંટણીમાં સક્રિયપણે ભાગ લેવા અને યુવાનોની આકાંક્ષાઓ પૂર્ણ કરી શકે તેવા નેતાઓને ચૂંટવા વિનંતી કરી. તેમણે તમામ રાજકીય પક્ષો, મીડિયા અને નાગરિકોને સફળ અને શાંતિપૂર્ણ ચૂંટણી સુનિશ્ચિત કરવામાં મદદ કરવા અપીલ કરી. વડાપ્રધાન સુશીલા કાર્કીએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચના સહયોગથી ચૂંટણી માટે જરૂરી સ્ટાફ, બજેટ, સામગ્રી, સુરક્ષા અને કાયદા સાથે જોડાયેલી વાતો નક્કી કરી લેવામાં આવી છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે GEN-Z આંદોલન દરમિયાન રાજકારણીઓના ઘરોમાં મળેલી રકમની તપાસ કરવામાં આવશે. તેના માટે તેમણે મની લોન્ડરિંગ વિભાગને નિર્દેશ આપ્યો છે. આ પગલાને ભ્રષ્ટાચાર સામે મજબૂત કાર્યવાહી તરીકે જોવામાં આવી રહ્યું છે.

