
ઓસ્ટ્રેલિયામાં એક મોટો ખતરો ઉભો થયો છે. દેશના સુપરમાર્કેટમાં વેચાતા આયાતી ડાયપરમાં ખાપરા નામના જંતુના લાર્વા મળી આવ્યા છે. આ જંતુ અનાજના સંગ્રહનો નાશ કરી શકે છે અને ઓસ્ટ્રેલિયાના 18 બિલિયન ડૉલર (આશરે રૂ. 1.58 લાખ કરોડ)ના અનાજ ઉદ્યોગને ભારે નુકસાન પહોંચાડી શકે છે. ઓસ્ટ્રેલિયાના કૃષિ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ જંતુ શિપિંગ કન્ટેનરમાં આવ્યો હતો.
ખાપરા બીટલ એક નાનો ભૂરા રંગનો જંતુ છે, જે 0.7 મિલીમીટર લાંબો અને 0.25 મિલીમીટર પહોળો છે. તેના કીડા જેવા લાર્વા 4.5 મિલીમીટર લાંબા, સોનેરી-ભૂરા રંગના અને રુવાંટીવાળા હોય છે. આ જંતુ સંગ્રહિત અનાજ, ચોખા, તેલીબિયાં અને સૂકા ખોરાક પર હુમલો કરે છે, જેના કારણે તે ખરાબ થઇ જાય છે અને ખાવા માટે અથવા પ્રાણીઓ માટે અયોગ્ય બની જાય છે.

જો કે આ જંતુ હજુ સુધી ઓસ્ટ્રેલિયામાં ફેલાયો નથી, પરંતુ જો તે ફેલાઈ જાય, તો વેપારી દેશો ઓસ્ટ્રેલિયન અનાજને નકારી કાઢશે. ઓસ્ટ્રેલિયા ઘઉં, જવ અને જુવારનો વિશ્વનો સૌથી મોટો નિકાસકાર છે. કૃષિ મંત્રાલય તેને અનાજ ઉદ્યોગ માટે સૌથી મોટો ખતરો માને છે.
NSW ફાર્મર્સના પ્રમુખ ઝેવિયર માર્ટિને જણાવ્યું હતું કે, આ જીવાત પગ અને મોંના રોગ જેટલું જ નુકસાન પહોંચાડી શકે છે. સરકારે તેને રોકવા માટે શક્ય તેટલું બધું કરવું જોઈએ, નહીં તો નુકસાનનો અંદાજો રહેશે નહીં.
આ જીવાત મૂળ તો ભારતની છે, પરંતુ એશિયા, આફ્રિકા અને યુરોપના ઘણા દેશોમાં ફેલાઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ તેને રોકવા માટે 14.5 મિલિયન ડૉલરનો એક્શન પ્લાન શરૂ કર્યો છે.

7 સપ્ટેમ્બરના રોજ, ન્યૂ સાઉથ વેલ્સમાં ડાયપરમાં લાર્વા માલ્યાની સૂચના મળી હતી. આ ડાયપર અલ્ટ્રા ડ્રાય નેપી પેન્ટ્સ વોકર સાઇઝ 5 (42 પેક) ડાયપર બ્રાન્ડ ‘લિટલ વન્સ’ના હતા, જે વૂલવર્થ્સ (ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી સુપરમાર્કેટ ચેઇન) ખાતે વેચાતા હતા. આ ડાયપર બેલ્જિયન કંપની ઓન્ટેક્સ પાસેથી આયાત કરવામાં આવ્યા હતા.
કૃષિ પ્રધાન જુલી કોલિન્સે જણાવ્યું હતું કે, આ જીવાત શિપિંગ કન્ટેનરમાં આવી હતી. ‘અમે 2,000 કાર્ટન્સમાંથી 1,500ને ટ્રેક કર્યા છે, પરંતુ કેટલાક હજુ પણ બજારમાં છે. અમે ઇચ્છીએ છીએ કે, તેનો ફેલાવો બંધ થાય. ઓન્ટેક્સે કહ્યું કે, તેમને ખબર નથી કે લાર્વા ક્યાંથી આવ્યા છે, પરંતુ તે ઉત્પાદન દરમિયાન આવ્યા નથી. કંપનીએ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સિડનીમાં તેની ઇસ્ટર્ન ક્રીક ફેક્ટરી અને વેરહાઉસ બંધ કરી દીધી છે.

સરકાર અને કોર્પોરેટ કાર્યવાહી: કૃષિ મંત્રાલયે આયાતકારો અને છૂટક વેપારીઓ સાથે મળીને ડાયપર ટ્રેસ અને ટ્રીટમેન્ટ પ્રોગ્રામ શરૂ કર્યો. વૂલવર્થ્સે બધા ન વેચાયેલા ડાયપરને છાજલીઓમાંથી કાઢી નાખ્યા અને તેમને ક્વોરેન્ટાઇન કર્યા. મંત્રાલયે લોકોને વિનંતી કરી છે કે, જો તેઓએ આ ડાયપર ખરીદ્યા હોય તો તેનો ઉપયોગ ન કરો. તેમને બેગમાં સીલ કરો અને અધિકારીઓને કૉલ કરો અથવા DAFF વેબસાઇટ પર તેની જાણ કરો. મેલબોર્ન યુનિવર્સિટીના પ્રોફેસર એન્ડ્રુ રોબિન્સને કહ્યું કે, ડાયપરમાં આ જંતુ મળવું આશ્ચર્યજનક છે, પરંતુ તે દર્શાવે છે કે ઓસ્ટ્રેલિયાની જૈવ સુરક્ષા સિસ્ટમ કાર્યરત છે.
ઓસ્ટ્રેલિયાનો અનાજ ઉદ્યોગ 18 બિલિયન ડૉલરનો છે. ખાપરા બીટલ અનાજને 75 ટકા સુધી નુકસાન પહોંચાડી શકે છે, ફક્ત તેના ખાવાથી જ નહીં પરંતુ તેની ત્વચા અને જંતુના અવશેષો દ્વારા પણ. તેના કારણે નિકાસને અસર થઇ શકે છે. કૃષિ વિશ્લેષક એન્ડ્રુ વ્હાઇટલોએ કહ્યું કે, આ ચિંતાજનક છે. જો તે ફેલાય તો અર્થતંત્રને મોટો ફટકો પડશે.

