3.jpg?w=1110&ssl=1)
ટેક્નોલોજી દરરોજ નવી સીમાઓ બનાવી રહી છે. દરરોજ કંઈકને કંઇક નવું બનતું રહે છે જેને જાણીને તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. આવું જ કંઇક થઇ રહ્યું છે રશિયામાં, જ્યાં ગાયોના મગજમાં ચિપ ઇમ્પ્લાન્ટ કરવામાં આવી છે. આ પાછળનો હેતુ દૂધનું ઉત્પાદન વધારવાનો છે. તમને જાણીને આશ્ચર્ય તો થયું જ હશે કે આ કેવી રીતે શક્ય બન્યું, પરંતુ તે બિલકુલ સાચું છે. રશિયાએ આ કરીને બતાવ્યું છે. એક રશિયન ટેક્નોલોજી કંપની નીરી દ્વારા વિકસાવવામાં આવેલા આ પ્રયોગમાં ભૂખ, તણાવ અને પ્રજનન સાથે સંકળાયેલા ગાયોના મગજના ભાગોમાં ઇલેક્ટ્રોડ ઇમ્પ્લાન્ટ કરવાનો સમાવેશ થાય છે. આ ઇલેક્ટ્રોડ દ્વારા વિદ્યુત સંદેશાઓ મોકલીને, આ ભાગોને ઉત્તેજિત કરવામાં આવે છે, ગાયોનું માનસિક અને શારીરિક સંતુલન સુધારે છે અને દૂધ ઉત્પાદનમાં વધારો થાય છે.

ટેક્નોલોજી કંપની નીરીએ સૌપ્રથમ આ વર્ષના એપ્રિલમાં આ પ્રયોગની શરૂઆત કરી હતી, અને ગયા મહિને, પાંચ ગાયો પર સર્જરી કરવામાં આવી હતી. આ પ્રયોગમાં, ગાયોના પાછળના માથામાં એક ખાસ ઉત્તેજક ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યું હતું, અને તેમના મગજમાં ઇલેક્ટ્રોડ દાખલ કરવામાં આવ્યા હતા. આ ઉપકરણોએ ભૂખ, તણાવ અને પ્રજનનક્ષમતાને નિયંત્રિત કરતા વિસ્તારોને વિદ્યુત આવેગથી ઉત્તેજીત કર્યા, જેનાથી દૂધ ઉત્પાદનમાં વધારો થયો.
રશિયામાં થયેલા આ પ્રયોગના પ્રારંભિક પરિણામો સફળ થયા હોય તેવું લાગે છે. પહેલો પ્રયોગ સ્વેર્ડલોવસ્ક પ્રદેશમાં કરવામાં આવ્યો હતો, જ્યાં ‘નીરી’ કંપનીના નિષ્ણાતોએ પાંચ ગાયોમાં ન્યુરો-ઇમ્પ્લાન્ટ્સની સર્જરી કરી હતી. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આ પ્રક્રિયા દરમિયાન ગાયો સભાન અવસ્થામાં હતી ત્યારે કરવામાં આવી હતી. સર્જરી પછી ગાયોને કોઈ પણ પ્રકારની પરેશાનીનો અનુભવ થયો ન હતો અને તેઓ તરત જ દૂધ દોહવાના કામમાં પછી ફરી હતી. જોકે કંપનીએ હજુ સુધી દૂધ ઉત્પાદન પર તેની ચોક્કસ અસર વિશે કોઈ માહિતી આપી નથી, પરંતુ તેઓ માને છે કે ગાયના દૂધ ઉત્પાદનમાં પહેલા કરતા વધારો થયો છે.

ન્યુરો-ઇમ્પ્લાન્ટ્સની કામ કરવાની પદ્ધતિ હાલમાં વિવિધ ઉત્તેજના કાર્યક્રમોનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકો દ્વારા સંશોધન હેઠળ ચાલી રહ્યો છે. ઉદાહરણ તરીકે, જો કોઈ ગાયને ભૂખ ઓછી લાગે છે, તો સિસ્ટમ આપમેળે યોગ્ય ન્યુરો-મોડ્યુલેશન મોડને સક્રિય કરે છે, જેનાથી ભૂખ સામાન્ય થાય છે. કંપની કહે છે કે, આ ટેક્નોલોજીમાં હજુ વધારે સુધારાની જરૂર છે, જેથી ભવિષ્યમાં તેનો ઉપયોગ મોટા પાયે થઈ શકે.
‘નીરી’ના રોકાણકારો માને છે કે, ડેરી ફાર્મિંગમાં દૂધ ઉત્પાદન વધારવાની જૂની પદ્ધતિઓ હવે વધારે અસરકારક રહી નથી. વિદ્યુત સંદેશાઓ દ્વારા મગજને ઉત્તેજિત કરતી આ નવી ટેક્નોલોજી મોટો ફેરફાર લાવી શકે છે અને ડેરી વ્યવસાયને વેગ આપી શકે છે. જોકે, કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે, આ પદ્ધતિ ગાયો માટે જોખમ ઊભું કરી શકે છે.

