
ફાર્મા ક્ષેત્રે 100 ટકા ટેરિફ લગાવ્યા પછી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ હવે નવી ટેરિફ યોજના પર વિચાર કરી રહ્યા છે. એક સમાચાર એજન્સીના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, US રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઇલેક્ટ્રિકલ માલ પર નવી ટેરિફ યોજના પર વિચાર કરી રહ્યા છે, જે તેમાં લાગેલી ચિપ્સની સંખ્યાના આધારે છે. જોકે, હજુ સુધી કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી, જેના કારણે આ યોજનામાં બદલાવ પણ દેખાઈ શકે છે.
કહેવામાં આવે છે કે, જો આ ટેરિફ લાદવામાં આવે તો, લેપટોપથી લઈને ટૂથબ્રશ સુધીના તમામ ઇલેક્ટ્રિકલ માલ પર તેની અસર પડશે, જેના કારણે વૈશ્વિક ફુગાવો વધી શકે છે. અને સાથે જ સેમિકન્ડક્ટર કંપનીઓની આવક પણ પ્રભાવિત થશે. અમેરિકન એન્ટરપ્રાઇઝ ઇન્સ્ટિટ્યૂટના અર્થશાસ્ત્રી માઇકલ સ્ટ્રેને જણાવ્યું હતું કે, આ યોજના કોમોડિટીના ભાવમાં વધારો કરી શકે છે, ખાસ કરીને એવા સમયે જ્યારે US મોંઘવારીની સમસ્યાથી ઝઝૂમી રહ્યું છે, મોંઘવારી હાલમાં ફેડરલ રિઝર્વના લક્ષ્ય કરતાં ઉપર છે અને તે સતત વધી રહી છે.

અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે, ટેરિફ વધવાથી સ્થાનિક રીતે ઉત્પાદિત થતો માલ પણ મોંઘો થઇ જશે, કારણ કે ઇનપુટ ખર્ચ વધશે. આનાથી સામાન્ય લોકો માટે મોંઘવારી વધી શકે છે.
એક સમાચાર એજન્સીએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે, વ્હાઇટ હાઉસના પ્રવક્તા કુશ દેસાઇએ જણાવ્યું હતું કે, અમેરિકા તેની રાષ્ટ્રીય અને આર્થિક સુરક્ષા માટે જરૂરી સેમિકન્ડક્ટર ઉત્પાદનો માટે વિદેશી આયાત પર આધાર રાખી શકે નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ટ્રમ્પ વહીવટીતંત્ર ઉત્પાદન કંપનીઓને USમાં પાછા આકર્ષવા માટે એક વ્યાપક, બહુપક્ષીય અભિગમ અપનાવી રહ્યું છે, જેમાં ટેરિફ, કર કાપ, નિયમન નિયંત્રણ અને ઊર્જા પ્રોત્સાહનોનો સમાવેશ થાય છે.

કયા ચિપ-આધારિત ઉત્પાદનો ટેરિફને આધીન રહેશે, ચોક્કસ દરો અને સંભવિત છૂટ કેટલી હશે? આ હજુ નક્કી કરવામાં આવ્યું નથી. ટ્રમ્પે પહેલાથી જ સેમિકન્ડક્ટર આયાત પર 100 ટકા ટેરિફ લગાવવાનું વચન આપ્યું છે, જ્યારે USમાં ઉત્પાદન કરતી અથવા USમાં ઉત્પાદન કરવા માંગતી કંપનીઓને તેમાંથી છૂટ આપી છે. તાઇવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની અને સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ સૌથી મોટા વિદેશી સપ્લાયર્સમાંના એક છે.

સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, અન્ય એક સૂત્રએ જણાવ્યું હતું કે વાણિજ્ય વિભાગ આયાતી સાધનોમાં ચિપ-સંબંધિત સામગ્રી પર 25 ટકા કર અને જાપાન અને યુરોપિયન યુનિયનમાંથી આયાત કરાયેલ ઇલેક્ટ્રોનિક્સ પર 15 ટકા કર લાદવાનું વિચારી રહ્યું છે. જો કે, આ આંકડા હજુ પ્રારંભિક તબક્કામાં છે. અધિકારીઓએ એ પણ વિચાર્યું છે કે, જો કોઈ કંપની તેનો ઉત્પાદન આધાર USમાં ખસેડે છે, તો અમેરિકન પ્લાન્ટ્સમાં રોકાણ પર પ્રતિ ડૉલરના હિસાબે છૂટછાટ આપવાનું પણ વિચાર્યું છે

સૂત્રોના જણાવ્યા અનુસાર, વાણિજ્ય વિભાગે શરૂઆતમાં US સેમિકન્ડક્ટર ઉત્પાદનને નુકસાનથી બચાવવા માટે ચિપ ઉત્પાદન ઉપકરણોને છૂટ આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ વ્હાઇટ હાઉસે રાષ્ટ્રપતિ ટ્રમ્પના છૂટછાટોના પ્રતિકારનો ઉલ્લેખ કરીને આ પ્રસ્તાવ પાછો ખેંચી લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિચાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના US વેપાર નીતિને કડક બનાવવાના વ્યાપક પ્રયાસો વચ્ચે આવ્યો છે. ગુરુવારે, તેમણે નવા આયાત ટેરિફની જાહેરાત કરી, જેમાં બ્રાન્ડેડ દવાઓ પર 100 ટકા ટેરિફ અને હેવી-ડ્યુટી ટ્રક પર 25 ટકા ટેરિફનો સમાવેશ થાય છે, જે 1 ઓક્ટોબરથી અમલમાં આવશે.

