
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બનેલા જગદીશ પંચાલને પ્રમુખ બનતાની સાથે જ મોટા પડકારનો સામનો કરવો પડી શકે છે. રાજકોટમાં એક સમાજે સંકેત આપ્યા છે કે સમાજના લોકો મોટી સંખ્યામાં કોંગ્રેસમાં જઇ શકે છે.
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ તાજેતરમા રાજકોટના ચુવાળીયા કોળી સમાજ સાથે બેઠક કરી હતી અને ખાત્રી આપી હતી કે વસ્તીને આધારે કોંગ્રેસ ટિકીટ આપશે. ભરતસિંહ સોલંકી સાથેની બેઠક પછી રાજકોટમાં રણછોડ ઉધરેજાના ઘરે બેઠક મળી હતી, જેમાં સમાજ માટે રણનીતી નક્કી કરવામાં આવી હતી.
ઉધરેજાએ મીડિયાને કહ્યુ કે, 40 વર્ષથી અમારો સમાજ ભાજપને મત આપે છે, પરંતુ આજ સુધી ભાજપે અમને કઇ આપ્યું નથી. આગામી દિવસોમાં ગામડે ગામડે ફરીને સમાજનો મત લેવાશે અને દોઢ લાખ લોકોનું એક મહા સંમેલન બોલાવવામાં આવશે. જે પાર્ટી અમારા સમાજને પ્રતિનિધિમાં પ્રભુત્વ આપશે તેની સાથે સમાજ રહેશે.
