
તમિલનાડુના વંડલુર પ્રાણી સંગ્રહાલયમાંથી એક સિંહ ગુમ થઈ ગયા પછી શોધખોળ અભિયાન ચાલુ કરી દેવામાં આવ્યું હતું. હકીકતમાં, સિંહને સફારી વિસ્તારમાં ફરવા માટે આખા દિવસ માટે છોડી દેવામાં આવ્યો હતો, જે સાંજે તેના પાંજરામાં પાછો ફરવાનો હતો. જોકે, જ્યારે તે સાંજ સુધીમાં પણ પાછો ન ફર્યો, ત્યારે અધિકારીઓ ચિંતામાં મુકાઈ ગયા હતા. હવે જ્યારે શનિવારે સાંજ સુધી પણ તે પાછો ન ફર્યો ત્યાર પછી શોધખોળ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ સિંહને રાષ્ટ્રીય પ્રાણી વિનિમય કાર્યક્રમ હેઠળ ગુજરાતના ચક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ઉદ્યાનમાંથી લાવવામાં આવ્યો હતો.
આ અઠવાડિયાની શરૂઆતમાં, આ નવા સિંહને સિંહ સફારી વિસ્તારમાં છોડવામાં આવ્યો હતો. વંડલુર ઉદ્યાનમાં કુલ છ સિંહ છે, જેમાંથી એક જ સમયે બે સિંહોને મુલાકાતીઓ જોઈ શકે છે, જ્યારે બાકીના ચારને પાંજરામાં રાખી મુકવામાં આવે છે. અહીં તમને બતાવી દઈએ કે, આ ઘટના ચેન્નાઈની બહારના વિસ્તારમાં આવેલા ચેંગલપટ્ટુ જિલ્લાના વંડલુરના અરિગનરા અન્ના પ્રાણી સંગ્રહાલયમાં બની હતી.
અરિગનરા અન્ના પ્રાણી સંગ્રહાલય દક્ષિણ એશિયાનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય છે, જે આશરે 1,500 એકરમાં ફેલાયેલું છે. પ્રાણી સંગ્રહાલયમાં 2,400થી વધુ પ્રાણીઓ અને પક્ષીઓ રહે છે. વંડલુર પ્રાણી સંગ્રહાલયમાં વાઘ, સિંહ, રીંછ, હાથી, જિરાફ, હરણ, ભેંસ અને વિવિધ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે.
વિશાખાપટ્ટનમના ઇન્દિરા ગાંધી પ્રાણી સંગ્રહાલયમાં બે એશિયાઈ સિંહ બચ્ચાનો જન્મ થયો હતો. આ સંવર્ધન અને સંરક્ષણ કાર્યક્રમના ભાગ રૂપે કરવામાં આવ્યું હતું. ક્યુરેટર G. મંગમ્માએ જણાવ્યું હતું કે, માતા અને બચ્ચાની સંભાળ રાખવામાં આવી રહી છે, અને પશુચિકિત્સા ટીમ તેમનું નિરીક્ષણ કરી રહી છે. મંગમ્માએ એમ પણ કહ્યું હતું કે, ‘વિશાખાપટ્ટનમનું ઇન્દિરા ગાંધી પ્રાણી સંગ્રહાલય તેના પ્રજનન અને સંરક્ષણ પ્રયાસો ચાલુ રાખે છે અને બે સિંહ બચ્ચાના જન્મની જાહેરાત કરી છે.’
ક્યુરેટરે આ સિંહોના જન્મને ખાસ ગણાવ્યો છે, કારણ કે આ બચ્ચા એશિયાઈ સિંહ (પેન્થેરા લીઓ પર્સિકા) પ્રજાતિના છે, જે પ્રજાતિને ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર દ્વારા લુપ્તપ્રાય જાહેર કરવામાં આવી છે અને વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972ની શેડ્યૂલ 1માં શામેલ છે.
