
ભારતીય શેરબજાર માટે આગામી અઠવાડિયું ખુબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે. એક તરફ કોર્પોરેટ્સ તેમના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ US સરકારના શટડાઉનની બજાર પર અસર, FOMC મિનિટ્સ અને અન્ય આર્થિક ડેટા થકી બજારની ગતિવિધિ નક્કી કરશે. આવતા અઠવાડિયાથી જુલાઈ-સપ્ટેમ્બર સમયગાળા માટે ત્રિમાસિક પરિણામો આવવાનું શરૂ થઇ જશે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) અને ટાટા એલેક્સી 9 ઓક્ટોબરે તેમના સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કરવાના છે.

આ ઉપરાંત, આ સમયગાળા દરમિયાન IPO બજાર પણ રોકાણકારોનું ધ્યાન આકર્ષિત કરશે. ટાટા કેપિટલનો IPO આવતા અઠવાડિયે ખુલવાનો છે. LG ઇલેક્ટ્રોનિક્સના IPO પર નવા અપડેટ્સ બજારની દિશા નક્કી કરશે. US ફેડરલ ઓપન માર્કેટ કમિટી (FOMC)ની મિનિટ્સ જાહેર કરવામાં આવશે, જેમાં વ્યાજ દર નક્કી કરવા માટે યોજાયેલી બેઠકની તમામ વિગતો આપવામાં આવશે. US ફેડની મિટિંગ 16-17 સપ્ટેમ્બર વચ્ચે મળી હતી.

વૈશ્વિક રોકાણકારો US સરકારના શટડાઉન પર નજીકથી નજર રાખી રહ્યા છે. ભંડોળ દરખાસ્તો પર ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન વચ્ચે થયેલા સંઘર્ષને કારણે, શટડાઉન આગામી અઠવાડિયા સુધી ચાલુ રહેવાની ધારણા છે. ભારતીય શેરબજાર માટે ગયું અઠવાડિયું ઘણું સારું રહ્યું. નિફ્ટી 239 પોઈન્ટ અથવા 0.97 ટકા વધીને 24,894 પર બંધ થયો હતો અને સેન્સેક્સ 780 પોઈન્ટ અથવા 0.97 ટકા વધીને 81,207 પર બંધ થયો હતો.

29 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધીના ટ્રેડિંગ સત્રમાં, નિફ્ટી PSU બેંક 4.43 ટકા વધીને ટોચ પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી મેટલ 3.93 ટકા, નિફ્ટી મીડિયા 1.87 ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેંક 2.53 ટકા અને નિફ્ટી PSE 2.77 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. લાર્જ-કેપ્સની સાથે, મિડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં પણ ખરીદીનું વલણ જોવા મળ્યું હતું. નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ 1,124 પોઈન્ટ અથવા 2.00 ટકા વધીને 57,503 પર અને નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સ 317 પોઈન્ટ અથવા 1.81 ટકા વધીને 17,787 પર બંધ થયો હતો.

