
જ્યારે અવકાશ યાત્રા સરળ બનશે, ત્યારે લોકો ચંદ્ર અને પૃથ્વી વચ્ચે વધુ સરળતાથી મુસાફરી કરી શકશે. પરંતુ હમણાં તો તમે ચંદ્ર પર જાઓ તે પહેલાં, ચંદ્ર જ આપણી પાસે આવી રહ્યો છે તે પણ આજે રાત્રે, આજે ચંદ્ર પૃથ્વી પર એક અનોખી રોશની ફેલાવશે.
આજે રાત્રે આકાશમાં એક દુર્લભ દૃશ્ય નજરે પડવાનું છે. આજનું આ ચંદ્ર દર્શન ખૂબ જ ખાસ થવાનું છે. આને સુપરમૂન તરીકે ઓળખવામાં આવશે. આખો ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય ત્યારે સુપરમૂન થાય છે. આના કારણે ચંદ્ર તેના સામાન્ય કદ કરતા મોટો અને પ્રકાશમાન દેખાય છે. સુપરમૂન, જેને હાર્વેસ્ટ મૂન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે આજે રાત્રે આકાશમાં એક અનોખી રોશની ફેલાવશે.

આ ચંદ્ર સામાન્ય પૂર્ણ ચંદ્ર કરતા 14 ટકા મોટો અને 30 ટકા વધુ પ્રકાશ ફેલાવતો દેખાશે, જે તેને આકાશ નિરીક્ષકો માટે એક યાદગાર દૃશ્ય બનાવશે. US સ્પેસ એજન્સી નાસાના વૈજ્ઞાનિકોએ તેને ‘કુદરતી ઉપગ્રહનો વાર્ષિક વૈશ્વિક ઉજવણી’ તરીકે વર્ણવ્યું છે, જે ચંદ્ર પ્રત્યે ઉત્સાહ ધરાવતા લોકોને એક કરે છે.
સુપરમૂન ત્યારે થાય છે જ્યારે પૂર્ણ ચંદ્ર તેની ભ્રમણકક્ષામાં પૃથ્વીની સૌથી નજીક હોય છે. નાસાના મતે, તેના કારણે ચંદ્ર વર્ષના સૌથી ઝાંખા ચંદ્ર કરતાં 14 ટકા મોટો અને 30 ટકા વધુ તેજસ્વી દેખાશે.

નાસાના મતે, જ્યારે પૂર્ણ ચંદ્ર પૃથ્વીની સૌથી નજીકના પોઇન્ટ પર (પેરિગી) પહોંચે છે ત્યારે સુપરમૂન થાય છે. ચંદ્ર પૃથ્વીથી માત્ર 224,600 માઇલ (361,459 કિલોમીટર) દૂર હશે, જે તેના સામાન્ય અંતર (238,900 માઇલ) કરતા લગભગ 10 ટકા ઓછો હશે.
ફિલાડેલ્ફિયામાં ફ્રેન્કલિન ઇન્સ્ટિટ્યૂટના મુખ્ય ખગોળશાસ્ત્રી ડેરિક પિટ્સે કહ્યું કે, આ ખરેખર ખૂબ અસામાન્ય નથી. જો આકાશ સ્વચ્છ હોય, તો વિશ્વના દરેક વ્યક્તિ ખાસ સાધનો વિના પોતાની આંખોથી આ સુપરમૂન જોઈ શકે છે. પરંતુ તેનો વિશિષ્ટ તફાવત પારખવો મુશ્કેલ હોઈ શકે છે.

પિટ્સે આગળ કહ્યું, ‘જો તમે બહાર જઈને આકાશમાં ખૂબ ઊંચાઈથી ચંદ્રને જુઓ, તો તમને તેની તુલનામાં કંઈપણ દેખાશે નહીં, જેનાથી તમને ખ્યાલ આવી શકે કે તે કેટલો મોટો દેખાય છે.’
તમે બાળપણમાં વાંચ્યું હશે કે, ચંદ્ર પૃથ્વીની પરિક્રમા કરે છે. આ સાચું છે, પણ તેમાં એક ટેકનિકલ યુક્તિ છે. તે પૃથ્વીને કેન્દ્રમાં રાખીને ભ્રમણ કરતું નથી. જેમ જેમ ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે, તેમ તેમ તેનું અંતર પણ બદલાય છે. પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું સૌથી નજીકનું અને સૌથી દૂરનું અંતર દર મહિને બદલાય છે. ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર 382,900 કિલોમીટર છે. વૈજ્ઞાનિકો માને છે કે, ગુરુત્વાકર્ષણ ચંદ્રના અંતરમાં ફેરફારનું કારણ છે. તેની નિકટતા અને અંતર જ દરિયામાં ભરતી-ઓટમાં ફેરફારનું કારણ બને છે.

