
આઉટલેટ ઓનરને ફ્રી પિત્ઝાની ઓફર આપવાની મોંઘી પડી ગઈ છે. ફ્રી પિત્ઝા આપવા દરમિયાન જાહેરમાં કચરો ફેંકવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે. પ્રહલાદનગર વિસ્તારમાં મફતમાં પિત્ઝા ઓફર કરનારી આઉટલેટને અમદાવાદ મહાનગરપાલિકા (AMC)એ સીલ કર્યું છે. આ આઉટલેટે ફ્રી પિત્ઝાની જાહેરાત કરતા લાંબી લાઇન લાગી હતી.

ગઇકાલે પિત્ઝા આઉટલેટના માલિકે ફ્રીની ઓફર આપી હતી. જેના કારણે લોકોની લાંબી લાઇન જોવા મળી હતી. આ કારણે જે કચરો થયો હતો તે બહાર જ ફેંકી દેવામાં આવ્યો હતો. આ સિવાય ફ્રી પિત્ઝાની ઓફરને કારણે એટલી ભીડ ભેગી થઈ ગઈ હતી કે પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.
આજ બાબતને ધ્યાનમાં લઈને આજે જ્યારે કોર્પોરેશનની ટીમ આવી ત્યારે ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં કચરો જોવા મળ્યો હતો. આ બાબતને લઈને અને ગઇકાલે દુકાન ખોલવામાં આવી હતી ત્યારે પણ વિવાદ થયો હતો અને બીજા જ દિવસે દુકાન સીલ પણ કરી દેવામાં આવી. ઉલ્લેખનીય છે કે કોઈ દુકાનદાર પોતાની દુકાન સામે કચરો ફેંકે છે ત્યારે પાલિકાની ટીમ કાર્યવાહી કરે છે, જેથી દુકાનદારો બહાર કચરો ફેંકી શકતા નથી. ગઇકાલે વિવાદ થયા બાદ જ્યારે કચરો બહાર ફેંકી દેવામાં આવ્યો હતો. આ બાબતને ધ્યાનમાં લઈને મહાનગરપાલિકાએ દુકાનદારને દંડ પણ ફટકાર્યો છે અને સાથે જ દુકાન પણ સીલ કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે અવાર-નવાર દુકાનદારો પોતાની બ્રાન્ડિંગ માટે જાતજાતની જાહેરાત અને સ્કીમ બહાર પાડે છે. જેને કારણે ભારે ભીડ જોવા મળે છે. આવી જ એક ઘટના ફરી એકવાર સામે આવી હતી. જ્યાં એક પિત્ઝા આઉટલેટે પ્રહલાદનગરમાં પોતાની નવી બ્રાન્ચ ખોલતા પહેલાં 1500 ફ્રી પિત્ઝા આપવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ લોકો આ સ્કીમનો લાભ લેવા માટે ઉમટી પડ્યા હતા. જોકે, અહીં એટલી ભીડ થઈ ગઈ હતી કે, લોકોના વાહન પાર્કિંગની પણ વ્યવસ્થા થઈ શકી નહોતી, જેને લઈને ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી. આ અવ્યવસ્થાની જાણ થતા ટ્રાફિક પોલીસની ટોઈંગ વેન ત્યાં આવી પહોંચી હતી અને આડેધડ પાર્ક કરેલા વાહનોને ટૉ કરવામાં આવ્યા હતા. જેથી કેટલાક લોકોને ટ્રાફિકના ભારે દંડ સાથે ફ્રી પિત્ઝા મોંઘા પડ્યા હોય તેવો ઘાટ સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ, એક પિત્ઝા આઉટલેટે પ્રહલાદનગરમાં પોતાની દુકાનના ઓપનિંગ વખતે ઓફર જાહેર કરી હતી કે, તેઓ પહેલાં 1500 પિત્ઝા ફ્રીમાં આપશે. ઓફરની જાણ થતા અનેક લોકો સ્કીમનો લાભ લેવા ઉમટ્યા હતા. એક વ્યક્તિને એક બોક્સ આપવાની સ્કીમ હોવાથી અનેક લોકોની દુકાનની બહાર મેળા જેવી ભીડ જામી હતી. આ સિવાય સ્કીમનો લાભ લેવા આવેલા લોકો માટે પાર્કિંગ પણ ખૂટી પડ્યું હતું, જેના કારણે લોકો નો પાર્કિંગમાં વાહન પાર્ક કરીને ફ્રી પિત્ઝા લેવા ઊભા રહી ગયા હતા.
આડેધડ પાર્કિંગ દૂર કરવા અમદાવાદ ટ્રાફિક પોલીસની ટીમ પણ સક્રિય થઈ ગઈ હતી. ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે આડેધડ પાર્ક કરેલા વાહનો ટોઈંગ ટીમ ઉપાડી ગઈ હતી. જેના કારણે અનેક લોકોએ ફ્રી પિત્ઝાની સામે નો-પાર્કિંગનો ભારે દંડ ચૂકવવો પડ્યો હતો. આમ, અનેક અમદાવાદીઓને પિત્ઝા તો મફત મળ્યા પરંતુ, પિત્ઝાની લાલચમાં ટ્રાફિક નિયમ તોડવાના કારણે એક પિત્ઝા પર સારો એવો દંડ ભોગવવો પડ્યો હતો. જો કે, 2 વાગ્યા સુધી જ ફ્રીમાં પિત્ઝા આપવાની જાહેરાત કરી હોવાથી 2 વાગ્યા બાદ ફ્રીમાં પિત્ઝા આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. જે બાદ પણ મોટી સંખ્યામાં લોકોને ફ્રીમાં પિત્ઝા ખાવાના બાકી હોવાથી નિરાશ થઈને ઘરે પરત જવું પડ્યું હતું.

