
મધ્યપ્રદેશના ખંડવામાં 2 ઓક્ટોબરના રોજ મૂર્તિ વિસર્જન દરમિયાન થયેલા અકસ્માતમાં 11 લોકોએ જીવ ગુમાવ્યો હતો. CM મોહન યાદવથી લઈને PM નરેન્દ્ર મોદી સુધી બધાએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. વળતરની જાહેરાત પણ કરવામાં આવી. રાજ્યના CM મોહન યાદવ પોતે જાતે વળતરનો ચેક ધરાવતું કવર લઈને વ્યક્તિગત રીતે મૃતકોના પરિવારોની મુલાકાત લીધી. તેમણે કવર આપ્યું અને ફોટો પડાવ્યો. જોકે, જ્યારે મૃતકોના પરિવારોએ કવર ખોલી ને જોયું તો તેઓ ચોંકી ગયા.
મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, CM મોહન યાદવ મૃતકોના પરિવારોને સાંત્વના આપવા માટે પડલ ફાટા ગયા હતા. તેમણે તેમની સાથે મુલાકાત કરી અને તેમને એક કવર આપ્યું. બધાને લાગ્યું કે તેમાં વળતર તરીકે આપવાના 4 લાખ રૂપિયાના ચેક હશે. પરંતુ જ્યારે પરિવારો ઘરે પાછા ફર્યા અને કવર ખોલીને જોયું, ત્યારે તેમને ખબર પડી કે તેમાં ચેક નહીં પણ SDM પંઢણાનો ‘સ્વીકૃતિ પત્ર’ હતો.

મામલો આટલેથી જ નથી અટકી જતો. એવો દાવો કરવામાં આવે છે કે, રાજ્યમંત્રી વિજય શાહે પણ આ જ પ્રકારનું કામ કર્યું હતું. તેમણે શનિવારે પડલ ફાટાના ઘાયલોને મળવા માટે ખંડવાની જિલ્લા હોસ્પિટલના ICUની મુલાકાત લીધી હતી. અહીં, મંત્રી શાહે પણ ઘાયલોને એક ‘કવર’ આપ્યું હતું અને ફોટો પડાવ્યો હતો. એવું લાગતું હતું કે તેઓ ઇજાગ્રસ્તને દોઢ લાખના વળતરનો ચેક આપવા આવ્યા હશે.
પરંતુ જ્યારે ઘાયલોએ પરબિડીયું ખોલ્યું ત્યારે તેમાં ફક્ત 5,000 રૂપિયાનો ચેક હતો, જે કોઈપણ પ્રકારની જાહેરાતનો ભાગ નહોતો. વધુમાં, મંત્રી શાહની મુલાકાત અંગે એક પ્રેસ નોટ પણ બહાર પાડવામાં આવી હતી. તેમાં સહાયનો ઉલ્લેખ તો કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારે રકમ વિશે કોઈ માહિતી શેર કરવામાં આવી ન હતી.

સૂત્રોનો ઉલ્લેખ કરીને અહેવાલમાં જણાવવામાં આવ્યું કે, મંત્રી વિજય શાહે ઘાયલોને આપેલા ચેક તાત્કાલિક સહાય પૂરી પાડવાના નામે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની ખંડવા શાખા દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા. જો કે, અહીં પણ ગડબડ ઉભી થઈ. છ ઘાયલ દર્દીને દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ફક્ત ચાર દર્દીને જ ચેક મળ્યા હતા.
ઘાયલ દર્દી, દુર્ગા અને લક્ષ્મીને આ ચેક આપવામાં આવ્યા ન હતા. જેમને ચેક મળ્યા હતા તેમને કહેવામાં આવ્યું હતું કે, આ ચેક ફક્ત જરૂરી ખર્ચને પહોંચી વળવા માટે તાત્કાલિક સહાય માટે હતા. બાકીની મોટી રકમ સીધી તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

2 ઓક્ટોબરના રોજ બનેલી ઘટના પછી, CM મોહન યાદવે મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઘાયલોને રૂ. 1 લાખની નાણાકીય સહાયની જાહેરાત કરી હતી. આ દરમિયાન, PM નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કરતા, મૃતકોના પરિવારજનોને રૂ. 2 લાખ અને ઘાયલોને રૂ. 50,000ની સહાયની જાહેરાત કરી. તે મુજબ, મૃતકોના પરિવારોને કુલ રૂ. 6 લાખ અને ઘાયલોને રૂ. દોઢ લાખ મળવાના હતા. જોકે, તેમને મળેલા પરબિડીયાઓમાં આમાંથી કોઈ પણ રકમ નહોતી. આ ઘટનાથી ઘાયલો અને મૃતકોના પરિવારજનો ગુસ્સે ભરાયા છે.

