
રાજકોટના કાલાવડ રોડ પર કટારીયા ચોકડી ખાતે ગુજરાતનો પહેલો થ્રી-લેયર આઇકોનિક ફ્લાયઓવર બ્રિજ ઝડપી ગતિએ નિર્માણ પામી રહ્યો છે. આ પ્રોજેક્ટ શહેરના ટ્રાફિકને સુગમ બનાવવા, પરિવહન નેટવર્કને મજબૂત કરવા અને રાજકોટના વિકાસને નવી ઊંચાઈ આપવાનો છે. આ આધુનિક ફ્લાયઓવર શહેરની નવી ઓળખ બનશે.

આ પ્રોજેક્ટ માટે અંદાજે ₹167.25 કરોડનો ખર્ચ થશે. આ રકમ શહેરની ટ્રાફિક વ્યવસ્થા સુધારવા, અવરજવર સરળ બનાવવા અને આધુનિક સુવિધાઓ ઉમેરવા માટે ઉપયોગમાં લેવાશે. ફ્લાયઓવરમાં BRTS માટે ગ્રાઉન્ડ કોરિડોર, સોલર પાવર સિસ્ટમ, 24 મીટર પહોળો ફૂટપાથ, હોકર્સ સ્ટેન્ડ, ગેમ ઝોન અને પાર્કિંગ માટે વિશેષ જગ્યા જેવી સુવિધાઓ હશે, જે નાગરિકોને વધુ આરામદાયક અને સુવિધાસભર અનુભવ આપશે.
આ ફ્લાયઓવરનું સૌથી મોટું આકર્ષણ તેની ત્રિ-સ્તરીય ડિઝાઇન (થ્રી-લેયર ડિઝાઇન) છે, જે ગુજરાતમાં પ્રથમવાર અમલમાં આવી રહી છે. 744 મીટર લાંબો અને 23.10 મીટર પહોળો આ બ્રિજ 7.50 મીટરના સર્વિસ રોડ અને BRTS કોરિડોર સાથે બનાવવામાં આવી રહ્યો છે. તેમાં 160 મીટરનો મિડ-સ્પેન રહેશે, જે તેને આઇકોનિક બનાવશે. ત્રણ લેનના બંને તરફના માર્ગો (3×3 લેન) ટ્રાફિકની ગતિ અને સુરક્ષાને વધુ અસરકારક બનાવશે.

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું કે, કટારીયા ચોકડી ફ્લાયઓવરનું નિર્માણ મહાનગરપાલિકાના માટે પડકારરૂપ પરંતુ ગૌરવપૂર્ણ પ્રોજેક્ટ છે. વર્ક ઓર્ડર 26 માર્ચ 2025ના રોજ જારી થયો હતો અને કામ 30 મહિનામાં, એટલે કે 2027ના અંત સુધીમાં પૂર્ણ કરવાની યોજના છે. હાલ ડ્રેનેજ પાઇપલાઇન અને અન્ડરગ્રાઉન્ડ યુટિલિટી લાઇનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. કાલાવડ રોડ અને રીંગરોડ-2 પર 45 મીટરનો સર્વિસ રોડનું 90% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, જે ટૂંક સમયમાં ટ્રાફિક માટે ખુલ્લું મુકાશે.
નિર્માણ દરમ્યાન ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વૈકલ્પિક ડાયવર્ઝન રૂટ તૈયાર કરવામાં આવ્યા છે. હાલ કટારીયા ચોકડીના તમામ માર્ગો બંધ છે અને ટ્રાફિકને અન્ય માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. ડાયવર્ઝન માટે 96,800 ક્યુબિક મીટર ખોદકામ, 44,900 ક્યુબિક મીટર સબબેઝ અને 4,200 ટન ડામરનો ઉપયોગ થયો છે.
આ પ્રોજેક્ટથી રાજકોટના એક લાખથી વધુ નાગરિકોને સીધો લાભ થશે. પેડેસ્ટ્રિયન ફૂટપાથ, પર્યાવરણ-મૈત્રી ડિઝાઇન, ટ્રાફિક દબાણમાં ઘટાડો અને આધુનિક પરિવહન સુવિધાઓ આ ફ્લાયઓવરને શહેરનું ગૌરવ બનાવશે. કટારીયા ચોકડી થ્રી-લેયર ફ્લાયઓવર રાજકોટના પરિવહનને વધુ ઝડપી, સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવી શહેરના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

