
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બીજી યુથ ટેસ્ટ મેચમાં વૈભવ સૂર્યવંશીએ 142ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. જો કે ભારતની અંડર-19 ટીમની પહેલી ઇનિંગમાં ભલે તે મોટો સ્કોર ન બનાવી શક્યો, પરંતુ તેણે ફરી એકવાર પોતાની બેટિંગથી ઓસ્ટ્રેલિયન બોલરોને ધોઈ નાખ્યા. ભારતની ઇનિંગમાં વૈભવે 14 બોલમાં 20 રન બનાવ્યા, જેમાં બે ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયાએ બીજી યુથ ટેસ્ટ મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમે 135 રન બનાવ્યા. ભારત તરફથી હેનિલ પટેલ અને ખિલન પટેલે 3-3 વિકેટ લીધી, જ્યારે ઉદ્ધવ મોહને 2 વિકેટ લીધી. ઓસ્ટ્રેલિયા તરફથી પ્રથમ ઇનિંગમાં એલેક્સ લી યંગે સૌથી વધુ સ્કોર બનાવ્યો. એલેક્સ લી યંગે 66 રનની ઇનિંગ રમી, જેથી ઓસ્ટ્રેલિયન અંડર-19 ટીમને પ્રથમ ઇનિંગમાં 135 રન સુધી પહોંચવામાં મદદ મળી. એલેક્સ લી યંગે 108 બોલનો સામનો કર્યો અને નવ ચોગ્ગા ફટકાર્યા. તમને જણાવી દઈએ કે બંને ટીમો વચ્ચે આ બીજી યુવા ટેસ્ટ મેચ ક્વીન્સલેન્ડના મકાયમાં રમાઈ રહી છે.

વૈભવ સૂર્યવંશી આઉટ થયા બાદ ખૂબ જ નિરાશ હતો. અમ્પાયરે તેને કેચ આઉટ આપ્યો, ત્યારબાદ ભારતીય બેટ્સમેન થોડીવાર ક્રીઝ પર ઊભો રહ્યો અને અમ્પાયર તરફ જોતો રહ્યો. પેવેલિયન પરત ફરતી વખતે વૈભવ અમ્પાયર સાથે વાત કરતો જોવા મળ્યો; આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વૈભવનો કેચ વિકેટકીપર એલેક્સ લી યંગે લીધો હતો. હકીકતમાં વૈભવને પૂરો ભરોસો હતો તેની બેટ સાથે બોલ લાગ્યો નહોતો. તેનું માનવું હતું કે બોલ તેના થાઇપેડ પર વાગ્યો હતો. જોકે, અમ્પાયરે વૈભવને પહેલા જ આઉટ આપી દીધો હતો.
ભારતનો દાવ પણ ડગમગી ગયો છે. પહેલા દિવસના સ્ટંપ્સ સુધી ભારતીય અંડર-19 ટીમે પ્રથમ ઇનિંગમાં 7 વિકેટ ગુમાવીને 144 રન બનાવી લીધા હતા. વૈભવ 20 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે વેદાંત ત્રિવેદી 25 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન આયુષ મ્હાત્રે કંઈ ખાસ કરી શક્યો નહોતો, તે માત્ર 4 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે ભારતીય અંડર-19 ટીમે પહેલી યુથ ટેસ્ટ મેચ એક ઇનિંગ અને 58 રનથી જીતી હતી. પહેલી યુથ ટેસ્ટ મેચમાં વૈભવે 86 બોલમાં 113 રન બનાવ્યા હતા. તેણે 9 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા.

