
11 ઓક્ટોબરના રોજ વિન્ડહોકમાં રમાયેલી પહેલી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં નામીબિયાએ દક્ષિણ આફ્રિકાની ટીમને 4 વિકેટથી હરાવ્યું. નામીબિયાની રાજધાની વિન્ડહોકમાં નવા ક્રિકેટ સ્ટેડિયમમાં આ પહેલી આંતરરાષ્ટ્રીય મેચ હતી. નામીબિયાએ 2024માં થયેલા T20 વર્લ્ડ કપની રનર્સ-અપ રહેલી દક્ષિણ આફ્રિકાની ટીમને છેલ્લા બૉલ સુધી ચાલેલી રોમાંચક મેચમાં હરાવી.

છેલ્લા બૉલ પર એક રનની જરૂર હતી, નામીબિયાના બેટ્સમેન ઝેન ગ્રીને શાનદાર શોટ મારીને બૉલને બાઉન્ડ્રીની પાર પહોંચાડ્યો, જેથી 4000 દર્શકોની ક્ષમતાવાળા નામીબિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર એકઠા થયેલા ક્રિકેટ પ્રેમી ખુશીથી ઝૂમી ઉઠ્યા. દક્ષિણ આફ્રિકાની ટીમના મોટાભાગના સિનિયર ખેલાડીઓ આગામી ટેસ્ટ સીરિઝ માટે પાકિસ્તાનમાં છે. આ મેચમાં ક્વિન્ટન ડી કોકની નિવૃત્તિમાંથી વાપસી થઈ, પરંતુ પરિણામ તેના માટે નિરાશાજનક હતું.
ઉલ્લેખનીય છે કે, T20 વર્લ્ડ કપ 2024માં ફાઇનલમાં ભારત સામે ટીમની હાર બાદ ક્વિન્ટન ડી કોકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, પરંતુ હવે તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો છે અને સીમિત ઓવરની ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરવા માટે તેની ઉપલબ્ધતા સુનિશ્ચિત છે. નામીબિયા વિરુદ્ધ પહેલી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ઇનિંગની શરૂઆત કરતા ડી કોક ક્રીઝ પર લાંબો સમય ટકી ન શક્યો. નામીબિયાના ફાસ્ટ બૉલર ગેરહાર્ડ ઇરાસ્મસે તેને પહેલી ઓવરમાં માત્ર એક રન પર આઉટ કરી દીધો. રીઝા હેન્ડ્રિક્સ પણ કોઈ ખાસ પ્રભાવ ન છોડી શક્યો, જેના કારણે દક્ષિણ આફ્રિકાનો સ્કોર પાંચમી ઓવર સુધીમાં 2 વિકેટે 25 રન થઈ ગયો.
રુબિન હરમન અને લુઆન-ડ્રે પ્રિટોરિયસે દક્ષિણ આફ્રિકાની ઇનિંગને સંભાળી. જોકે રૂબિન હરમન તેની આક્રમકત રહ્યો, પરંતુ રુબેન ટ્રમ્પેલમેને ભાગીદારી તોડી દીધી. પ્રિટોરિયસ પણ જલદી જ આઉટ થઇ ગયો, પરંતુ જેસન સ્મિથે 31 રનની ઇનિંગ રમીને પરિસ્થિતિને સંભાળી. તેને નીચલા ક્રમના બેટ્સમેનોનો સારો સાથ મળ્યો અને દક્ષિણ આફ્રિકાએ સીમિત 20 ઓવરમાં 8 વિકેટે 134 રન બનાવ્યા. ટ્રમ્પેલમેન નામીબિયા માટે સૌથી સફળ બૉલર રહ્યો, તેણે 28 રન આપીને 3 વિકેટ લીધી.

નામીબિયાની ટીમ ધીમી ગતિએ લક્ષ્યનો પીછો કરી રહી હતી, અને જાન ફ્રાયલિંક અને લૌરીઆન સ્ટીનકેમ્પ જલદી આઉટ થવાથી ટીમ બેકફૂટ પર આવી ગઈ હતી. કેપ્ટન ઇરાસ્મસે 21 રનની મજબૂત ઇનિંગ રમી, પરંતુ ફોર્ટૂઇને તેને આઉટ કર્યો. જેજે સ્મિત અને માલન ક્રુગર આઉટ થયા બાદ નામીબિયાના બેટ્સમેનો માટે બાઉન્ડ્રી મારવાનું મુશ્કેલ થઈ ગયું હતું. દક્ષિણ આફ્રિકાની ટીમ આ ઓછા સ્કોરવાળી મેચમાં જીત તરફ આગળ વધી રહી હતી, પરંતુ જાન ગ્રીને તેમની આશાઓ પર પાણી ફેરવી દીધું. તેણે શાનદાર ઇનિંગ રમતા 23 બૉલમાં અણનમ 30 રન બનાવીને પોતાની ટીમને જીત અપાવી.

