
ભારતીય ક્રિકેટ ટીમ 19 ઓક્ટોબરથી શરૂ થનારા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ત્રણ ODI અને પાંચ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. આ પ્રવાસમાં ભારતની ODI ટીમમાં સંપૂર્ણપણે અલગ લાઇનઅપ હશે. રોહિત શર્માના સ્થાને શુભમન ગિલને નવા ODI કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, પસંદગીકારોએ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતીય ટીમનો ભાગ રહેલા ડાબોડી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને પણ ODI ટીમમાંથી બાકાત રાખ્યો છે.

રોહિત શર્મા અને વિરાટ કોહલીને ODI ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે, પરંતુ રવિન્દ્ર જાડેજા જેવા અનુભવી ઓલરાઉન્ડરની ગેરહાજરી આશ્ચર્યજનક છે. જાડેજા ફેબ્રુઆરી 2009થી ભારત માટે ODI ક્રિકેટ રમી રહ્યો છે અને તેને વર્તમાન યુગના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંનો એક માનવામાં આવે છે. ODI ટીમમાંથી બાકાત રાખવામાં આવ્યા પછી રવિન્દ્ર જાડેજાએ પહેલીવાર પ્રતિક્રિયા આપી છે. જાડેજાએ સ્પષ્ટપણે કહ્યું કે, 2027 વર્લ્ડ કપમાં રમવું એ તેનું લક્ષ્ય છે અને તે સખત મહેનત કરવાનું ચાલુ રાખશે.

રવીન્દ્ર જાડેજાએ પત્રકાર પરિષદમાં કહ્યું, “હું ચોક્કસપણે રમવા માંગુ છું. દરેક ખેલાડી વર્લ્ડ કપ જીતવાનું સપનું જુએ છે. અમે 2023માં ખૂબ નજીક હતા, પરંતુ કપ જીતવાથી વંચિત રહી ગયા. ટીમ મેનેજમેન્ટે મને અગાઉથી જ જાણ કરી હતી કે મને આ શ્રેણી માટે પસંદ કરવામાં આવી રહ્યો નથી. કેપ્ટન શુભમન ગિલ, કોચ અને પસંદગીકારોએ મારી સાથે વાત કરી હતી અને કારણો સમજાવ્યા હતા. મને ટીમની જાહેરાત પહેલા જ આ વિશે ખબર પડી ગઈ હતી.’
રવીન્દ્ર જાડેજાએ વધુમાં કહ્યું, ‘જ્યારે પણ મને તક મળશે, ત્યારે હું મારો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. હજુ ઘણી ODI મેચ બાકી છે. મને આશા છે કે મને તક મળશે અને હું મારી રમતથી ટીમમાં યોગદાન આપી શકીશ, જેમ હું અત્યાર સુધી કરી રહ્યો છું.’ જાડેજા વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. અમદાવાદ ટેસ્ટમાં, જાડેજાએ સદી ફટકારી અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.

ભારતીય ટીમના મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે રવિન્દ્ર જાડેજાને બહાર રાખવા અંગે કહ્યું હતું કે, ‘અત્યારે અમે ફક્ત એક ડાબોડી સ્પિનર (અક્ષર પટેલ)નો સમાવેશ કરી શકીએ છીએ. બે સ્પિનરોને ટીમમાં રાખવાનું શક્ય નહોતું. જાડેજા અમારી યોજનામાં છે; બધા જાણે છે કે તે કેટલો તેજસ્વી ખેલાડી છે. પરંતુ અમે અક્ષર, વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવની પસંદગી કરીને આ ટૂંકી શ્રેણી માટે સંતુલન બનાવી રાખવા માંગતા હતા.’
ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણી માટે ભારતીય ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), શ્રેયસ ઐયર (ઉપ-કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, અક્ષર પટેલ, KL રાહુલ (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા અને યશસ્વી જયસ્વાલ.

