
હવે તો રોજ એવા એવા સમાચારો અને ઘટનાઓ સામે આવે છે જેને જાણીને આપણે સ્વાભાવિકપણે કહી બેસીએ, ઘોર કળિયુગ આવી ગયો છે ભાઈ, શું કરીએ. આપણો સમાજ ક્યાં જવાનો છે ખબર નહીં. કંઈક આવી જ ઘટના ભૂજથી પણ સામે આવી છે. ભૂજના સામત્રામાં રૂપિયા અને સંપત્તિની લાલચમાં પત્નીએ ક્રૂરતાની તમામ હદો પાર કરી દીધી. પૈસા ન આપતા પત્નીએ પતિને જીવતો સળગાવી દીધો હતો.

માનકૂવા પોલીસને જી.કે. જનરલ હૉસ્પિટલમાં દાઝી ગયેલી હાલતમાં ચાલુ સારવાર દરમિયાન સામત્રાના 60 વર્ષીય ધનજીભાઈ ઉર્ફે ખીમજીભાઈ વિશ્રામભાઈ કેરાઈએ નિવેદન આપી આપ્યું હતું. તે મુજબ આજથી 4 વર્ષ અગાઉ તેની પહેલી પત્ની લક્ષ્મીબેનનું અવસાન થયું હતું અને દોઢેક વર્ષ અગાઉ મહેસાણાથી કૈલાસબેન કનુસિંહ ચૌહાણ સાથે લગ્ન કર્યા હતા. પ્રથમ પત્નીના ઘરેણાં તેણે લઈ લીધા હતા. ધનજીભાઈ વારંવાર તે ઘરેણાં માગતો હતો પરંતુ તે ન આપતી અને ઝઘડો કરતી હતી. ત્યારબાદ પત્ની કૈલાસે ભૂજમાં મકાન લીધું હતું, જેના રૂપિયા ભરવા માટે પણ વારંવાર ઝઘડો કરી મારી નાખવાની ધમકી આપીને માનસિક ત્રાસ ગુજરાતી હતી. પુત્ર અને સમાજના માણસોને પણ વાત કરી હતી.

તેણે કહ્યું કે, 11 ઓક્ટોબરના સાંજે પત્ની કૈલાસે ભૂજમાં લીધેલાં મકાનના રૂપિયા ભરવા માટે ફરિયાદી પાસે રૂપિયા માગ્યા હતા. પૈસા આપવાની ના પાડતા પત્નીએ ઘરના આંગણામાં આવેલા ગેરેજમાં હાથ પકડી લઈ ગઈ હતી અને કહ્યું કે, પૈસા નહીં આપે તો જીવતો નહીં મૂકું અને ગેરેજમાં રાખેલી એક બોટલ ઉપાડી, જેમાં કેરોસીન જેવું પ્રવાહી હતું, જે ધનજીભાઈ પર છાંટી દીવાસળી ચાંપી દીધી હતી અને ગેરેજના નાના દરવાજામાંથી બહાર નીકળી બહારથી દરવાજો બંધ કરી દીધો હતો. ધનજીભાઈએ બૂમાબૂમ કરતા ફરિયાદીનો દીકરો તથા પાડોશીઓ દોડી આવ્યા હતા અને દરવાજો ખોલી સળગતા ધનજીભાઈ પર કપડું નાખી સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ ગયા હતા.
માનકૂવા પોલીસે હત્યા પ્રયાસ સંબંધિતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ હારી હતી અને પોલીસે આરોપી પત્ની કૈલાસની અટકાયત કરી લીધી હતી. તો બીજી તરફ સારવાર દરમિયાન ધનજીભાઈનું હોસ્પિટલમાં મોત થઈ ગયું હતું . પહેલી પત્નીના મૃત્યુ બાદ ધનજીભાઈએ કૈલાસ સાથે બીજા લગ્ન કર્યા હતા. તો કૈલાસના પોતાના પહેલાં પતિ સાથે છૂટાછેડા થઈ ગયા હતા. ધનજીભાઈને 3 દીકરા છે. તેમાંથી 2 વિદેશમાં છે અને એક તે જ ગામમાં પોતાના પરિવાર સાથે રહે છે. ધનજી પટેલ અને કૈલાસ બંને એકલા રહેતા હતાં. આ દુઃખદ ઘટના બાદ મૃતકના પુત્રએ માનકુવા પોલીસ સ્ટેશનમાં કૈલાસ સામે ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી કૈલાસની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી રહી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પત્નીએ તેના પતિની પ્રથમ પત્નીના 18 તોલા સોનાના ઘરેણાં પણ પોતાની પાસે રાખી લીધા હતા, જેને લઈને પણ વિવાદ ચાલતો હતો. પૈસા અને ઘરેણાંના મુદ્દે ચાલી રહેલા ઝઘડામાં આ કરુણ અને ઘાતકી ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે આરોપી પત્ની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

