
TVનો સૌથી લોકપ્રિય શૉ ‘કૌન બનેગા કરોડપતિ’ હંમેશાં દર્શકોનો ફેવરિટ રહ્યો છે. આ શૉની 17મી સીઝન ચાલી રહી છે. ઘણા સ્પર્ધકો પહેલાથી જ કરોડપતિ બનીને જઇ ચૂક્યા છે. આ સીઝનને પણ ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે, કારણ કે તેના હોસ્ટ અને બોલિવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના અંદાજને ખૂબ પસંદ કરે. તાજેતરનો એક એપિસોડ ચર્ચામાં છે. શૉમાં એક બાળકની હરકતથી સોશિયલ મીડિયા યુઝર્સ નારાજ થઈ રહ્યા છે.

‘કૌન બનેગા કરોડપતિ 17’ના તાજેતરના એપિસોડમાં ગુજરાતનો વિદ્યાર્થી ઇશિત હૉટ સીટ પર બેઠો હતો. હૉટ સીટ પર પહોંચ્યા બાદ ઇશિત ખૂબ ઉત્સાહિત દેખાતો હતો. શરૂઆતમાં તેના ઉત્સાહને કારણે દર્શકોને લાગ્યું કે બાળક ખૂબ જ ટેલેન્ટ છે, પરંતુ ગેમ જેવી જ ચાલુ થઈ, બાળકની હરકતો વાયરલ થઈ ગઈ.
જ્યારે શૉના હોસ્ટ અમિતાભ બચ્ચને ઇશિતને પૂછ્યું કે તેને હોટ સીટ પર કેવું લાગી રહ્યું છે, ત્યારે ઇશિતે જવાબ આપ્યો, ‘હું ખૂબ જ ઉત્સાહિત છું, પરંતુ આપણે સીધા પોઈન્ટ પર આવીએ. તમે મને રમતના નિયમો સમજાવવા બેસી ન જતા, કારણ કે હું પહેલાથી જ શૉના નિયમો જાણું છું. આ સાંભળીને બિગ બી એક પણ શબ્દ બોલ્યા વિના હસી પડે છે.
ત્યારબાદ દરેક સવાલનો જવાબ આપ્યા બાદ, અમિતાભ બચ્ચન હસીને આગળ વધી જાય છે અને રમત ચાલુ રાખે છે. જ્યારે અમિતાભ બચ્ચન કોઈ પ્રશ્નનો જવાબ સારી રીતે સમજાવે છે, ત્યારે બાળક તેને પૂરું થાય તે પહેલાં જ વચ્ચે બોલવા લાગે છે. એવામાં ઘણી વખત બિગ બી આ વર્તનને અવગણે છે. અંતે બાળકને તેનો વધુ પડતો આત્મવિશ્વાસ લઈ ડૂબે છે. તે પાંચમા પ્રશ્ન પર જ આઉટ થઈ જાય છે.

તો સોશિયલ મીડિયા પર નેટીઝન્સ બાળકની હરકતથી ખૂબ નારાજ દેખાયા. દરેક બાળકના સંસ્કારને લઈને વાત કરવા લાગ્યા. એક યુઝરે લખ્યું કે, ‘તમારા બાળકોને શિક્ષિત કરો, પરંતુ સાથે સંસ્કાર પણ શીખવો.’ ઘણા યુઝર્સે અમિતાભ બચ્ચનની પ્રશંસા પણ કરી કારણ કે તેમણે ખૂબ સારી રીતે બાળકની વાતો અવગણી.
શૉના આ વાયરલ વીડિયો બાદ અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર એક લાઇન ટ્વીટ કરી. તે વાયરલ થઇ ગઇ, જાણે બિગ બી બાળકની હરકતો પર પ્રતિક્રિયા આપી રહ્યા હોય. અમિતાભ બચ્ચને લખ્યું- ‘મારી પાસે કહેવા માટે કંઈ નથી, માત્ર સ્તબ્ધ!!!’ શૉનો પાંચમો પ્રશ્ન હતો, ‘રામાયણનો પહેલો અધ્યાય કયો હતો? જેનો સાચો ઉત્તર હતો ‘બાલકંડ.’ જોકે, બાળકે જવાબ આપ્યો ‘અયોધ્યાકાંડ.’ આ જવાબ ખોટો હતો, અને તે શૉમાં જીતેલી રકમ ગુમાવી દે છે.

