
દેશભરની પરિણીત મહિલાઓ કરવા ચોથની રાત્રે પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત કરી રહી હતી, ત્યારે અલીગઢમાં એક એવી ઘટના બની જેણે વિશ્વાસ અને સંબંધોના પાયા હચમચાવી નાખ્યા. અહી 12 ઘરોમાં એક સાથે શોકનું મૂજી ફરી વળ્યું કેમ કે આ પરિવારોની નવપરિણીત દુલ્હનો કરવા ચોથનું વ્રત રાખ્યા બાદ, ચાળણીમાંથી ચંદ્ર બતાવ્યા બાદ, પતિની આરતી ઉતારીને અને પોતાના પરિવારને નશીલા ખોરાક ખવડાવ્યા બાદ લાખોની રોકડ અને દાગીના લઈને ભાગી ગઈ.
આ મામલો સાસની ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે, જ્યાં અત્યાર સુધીમાં 4 FIR નોંધાઈ ચૂકી છે અને પોલીસે તેને એક સંગઠિત ગેંગનું કામ ગણાવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બધી ‘દુલ્હનો’ બિહાર અને ઝારખંડથી લાવવામાં આવી હતી અને દલાલો દ્વારા તેમના લગ્ન એવા પરિવારોમાં કરાવવામાં આવ્યા હતા, જેઓ છોકરીઓની અછતનો સામનો કરી રહ્યા હતા. આ દલાલોને લગ્ન માટે 80,000 થી 150,000 રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.

કેસની તપાસમાં જાણવા મળ્યું કે, લગ્ન બાદ બધી 12 દુલ્હનોએ ખૂબ જ પ્રેમથી પોતાના સાસરિયાઓના દિલ જીતી લીધા હતા. કેટલાકે પોતાની સાસુ-સસરા સાથે મંદિર જવાની આદત બનાવી લીધી હતી, જ્યારે અન્યએ પોતાના પતિઓ સાથે ખેતરોમાં જવાની આદત બનાવી હતી. તે તમામે કરવા ચોથનું વ્રત રાખ્યું હતું, પોતાના ઘરો શણગાર્યા હતા, મહેંદી લગાવી હતી અને રાત્રે વ્રત તોડવાનો સમય થયો હતો, ત્યારે તેમણે એક એવો ખેલ ખેલ્યો, જેની કોઈને શંકા પણ નહોતી. પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ, બધી દુલ્હનોએ જાતે રાત્રિભોજનની વાનગીઓ બનાવી હતી અને તેમાં નશીલા પદાર્થો ભેળવી દીધા હતા. પરિવારના સભ્યો બેભાન થતા જ, તેમણે પોતાના બેગ પેક કર્યા અને ભાગી ગઈ. સવારે જ્યારે તેઓ ભાનમાં આવ્યા, ત્યારે કબાટ ખુલ્લા હતા, લોકર ખાલી હતા અને દુલ્હનો ગાયબ હતી.
દલાલોએ આ લગ્નોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. મોટાભાગના લગ્ન 3-4 દલાલોના નેટવર્ક દ્વારા ગોઠવવામાં આવ્યા હતા. આ દલાલોએ દાવો કર્યો હતો કે તેઓ બિહાર અથવા ઝારખંડની ગરીબ પરંતુ સંસ્કારી છોકરીઓને સારા પરિવારોમાં સેટલ કરવા માગે છે. જ્યારે છોકરીઓ ભાગી ગઈ, ત્યારે પહેલો ફોન દલાલોના નંબર પર કરવામાં આવ્યો હતો, પરંતુ બધા નંબર અથવા તો બંધ હતા અથવા તે નંબર પર હવે કોઈ બીજું બોલી રહ્યું છે. ધીમે-ધીમે સત્ય બહાર આવ્યું કે, આ કોઈ સંયોગ નહોતો, પણ એક સુનિયોજિત છટકું હતું. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આ 12 દુલ્હન લૂંટારુઓએ 30 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી છે. તેમાં સોના-ચાંદીના દાગીના, રોકડ અને મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે. કેટલાકના ઘરોમાંથી કરિયાવરમાં મળેલી રકમ પણ સાફ થઈ ગઈ.

એક પીડિતે કહ્યું કે, લગ્નને માત્ર 10 દિવસ થયા હતા અને તેણે ખૂબ જ પ્રેમથી કરવા ચોથ પૂજા કરી હતી. અમે બધા ભાવુક થઇ ગયા હતા. અમને લાગ્યું કે અમારું નસીબ બદલાઈ ગયું છે, પરંતુ જ્યારે અમે સવારે જોયું ત્યારે બધું જ ગાયબ થઈ ગયું હતું. બીજા પરિવારે કહ્યું કે લગ્ન અગાઉ છોકરીઓ શંકા ન જાય તે માટે એક સામાન્ય પરિવારની હોવાનો ડોળ કર્યો હતો. ઘણા ઘરોમાં પડોશીઓ જાનૈયાઓ બનીને ગયા હતા, એટલે કે બધું પૂરી તૈયારીથી થયું.
સાસની ગેટ પોલીસ સ્ટેશનમાં પહેલા પરિવારે રિપોર્ટ નોંધાવ્યો તો, અન્ય પીડિતો પણ પહોંચી ગયા. ધીમે-ધીમે ખબર પડી કે આ એક સંગઠિત છેતરપિંડી રેકેટ છે. ASP મયંક પાઠકે જણાવ્યું હતું કે આ બિહાર, ઝારખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં કાર્યરત એક સુનિયોજિત ગેંગ હતી. 4 કેસ નોંધાયા છે. આરોપીઓને શોધવા માટે ઘણી ટીમો બનાવવામાં આવી છે અને ટૂંક સમયમાં બધાની ધરપકડ કરવામાં આવશે. પોલીસે હવે આ મહિલાઓની સાચી ઓળખ શોધવા માટે બિહાર અને ઝારખંડના ઘણા જિલ્લાઓનો સંપર્ક કર્યો છે. આ લગ્નો ગોઠવનારા એજન્ટોની તસવીરો અને દસ્તાવેજો પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે.

તપાસ એજન્સીઓ અનુસાર, આ કોઈ નવો ફોર્મ્યૂલા નથી. ઘણીવાર, આવી ગેંગ ગરીબ વિસ્તારોની યુવતીઓને લલચાવીને લગ્નોમાં મોકલે છે. લગ્ન બાદ તેઓ થોડા દિવસો માટે તેમના સાસરિયાના ઘરે રહે છે, તેમનો વિશ્વાસ જીતે છે અને પછી એક દિવસ રોકડ અને દાગીના લઈને ફરાર થઈ જાય છે. આ રેકેટનો ફાયદો એવા વિસ્તારોમાં ઉઠાવવામાં આવે છે જ્યાં લિંગ ગુણોત્તર અસંતુલિત હોય છે, જેના કારણે ગરીબ અથવા વૃદ્ધ પુરુષો દુલ્હન શોધવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
12.jpg?w=1110&ssl=1)
અલીગઢ પોલીસને શંકા છે કે આ ગેંગે અગાઉ હાથરસ, બુલંદશહેર અને બદાયૂમાં આવી જ ઘટનાઓને અંજામ આપ્યો છે. હવે આ અલીગઢમાં અત્યાર સુધીની સૌથી મોટી છેતરપિંડી સાબિત થઈ રહી છે. કરવા ચોથ, જેને આ પરિવારો આનંદનો તહેવાર માનતા હતા, તે હવે તેમના માટે ઝેર બની ગયો છે. ગામડાની ગલીઓમાં અત્યારે પણ ચર્ચા છે કે બધું એટલું સરળતાથી થયું કે કોઈને ખબર પણ ન પડી. કોઈ ઝઘડો ન થયો, ન કોઈ ઈશારો; બસ અચાનક બધું ગાયબ થઈ ગયું.

