
દુનિયાભરમાં ઇન્ફલુએન્ઝાના કેસમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જાપાનમાં આ બીમારીને મહામારી (Epidemic) જાહેર કરવામાં આવી છે, જ્યાં કેસોમાં રેકોર્ડબ્રેક વધારો થયો છે. ભારત સહિત સિંગાપુર અને થાઇલેન્ડ જેવા અનેક દેશોમાં પણ ફ્લૂના દર્દીઓની સંખ્યા વધી રહી છે.

ભારત અને અન્ય દેશોમાં સ્થિતિ
ભારતમાં પણ ઇન્ફલુએન્ઝાના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં H3N2 વાયરસનો પ્રસાર ચિંતાનો વિષય છે. H3N2 વાયરસને 1968માં હોંગકોંગ ફ્લૂ મહામારીનું કારણ બનેલા સ્ટ્રેનનો વંશજ માનવામાં આવે છે.
જર્મન વેબસાઇટની માહિતી મુજબ, જર્મનીની ફેડરલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એનિમલ હેલ્થ (ફેડરિક લોફલર ઇન્સ્ટિટ્યૂટ) માને છે કે આ વિશેષ સ્ટ્રેન માનવ અને એવિયન (પક્ષી) ઇન્ફલુએન્ઝા વાયરસનું મિશ્રણ છે.
ફ્લૂના દર્દીઓમાં નાની ઉંમરના લોકોનું પ્રમાણ વધારે છે. મુખ્ય લક્ષણોમાં તાવ, ખાંસી અને ગળામાં દુખાવો જોવા મળે છે. જાપાન, ભારત, સિંગાપુર અને થાઇલેન્ડ સહિત અનેક દેશોમાં દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

જાપાનમાં રેકોર્ડતોડ વધારો
જાપાનમાં ઇન્ફલુએન્ઝાને લઈને ભારે સાવચેતી વર્તવામાં આવી રહી છે. છેલ્લા બે દાયકામાં આ બીજી વાર એવી પરિસ્થિતિ સર્જાઈ છે જ્યારે કેસમાં આટલો મોટો ઉછાળો આવ્યો હોય.
જાપાનના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા પાંચ અઠવાડિયામાં ઇન્ફલુએન્ઝાના કેસમાં રેકોર્ડ વૃદ્ધિ થઈ છે.
22 થી 28 સપ્ટેમ્બર દરમિયાન 4,000થી વધુ લોકોએ ફ્લૂની સારવાર લીધી હતી, જે સંખ્યા 29 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન વધીને 6,000 થઈ હતી. કેસનો સરેરાશ દર 1.56 છે, જે મહામારીની મર્યાદા (Epidemic Threshold)ને પાર કરી ગયો છે. તેમાં ઓકિનાવાનો દર સૌથી વધારે છે.આ દર ગત વર્ષના ફ્લૂના દર (0.77)ની સરખામણીમાં બમણો છે. બાળકોમાં પ્રસાર વધતાં, 3 ઓક્ટોબર સુધીમાં જાપાનમાં 135 સ્કૂલ અને કેટલાક ચાઇલ્ડ કેર કેન્દ્રો બંધ કરી દેવામાં આવ્યા હતા.
ઇન્ફલુએન્ઝાના પ્રકાર અને લક્ષણો
ઇન્ફલુએન્ઝા વાયરસ મુખ્યત્વે ચાર પ્રકાર (A, B, C અને D)નો હોય છે.
ટાઇપ A અને B ઇન્ફલુએન્ઝા સામાન્ય રીતે મોસમી પ્રકોપનું કારણ બને છે.
અમેરિકી રોગ નિયંત્રણ અને રોગ નિવારણ કેન્દ્ર (CDC) અનુસાર, ઇન્ફલુએન્ઝા અને સામાન્ય શરદીના લક્ષણો એકસરખા હોય છે. જોકે, સામાન્ય શરદી રાઇનો વાયરસ સહિત અન્ય વાયરસોથી પણ ફેલાય છે, જ્યારે ઇન્ફલુએન્ઝા ફ્લૂના વાયરસથી થાય છે.

