
મુંબઈની ઝાકમજોળવાળી દુનિયામાં એક રહસ્ય છુપાઈ રહ્યું, આ રહસ્ય 30 વર્ષ સુધી કોઈની નજરમાં ન આવ્યું. બાંગ્લાદેશી મૂળની ટ્રાન્સજેન્ડર વ્યક્તિ બાબુ અયાન ખાને પોતાનું નામ બદલીને જ્યોતિ રાખ્યું અને ટ્રાન્સજેન્ડર લોકોની ‘ગુરુ મા’ તરીકે પોતાનું વર્ચસ્વ જમાવી દીધું. નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને, તે મુંબઈમાં સ્થાયી થઈ ગઈ અને ધીમે ધીમે કરોડોની સંપત્તિ ભેગી કરી લીધી. પરંતુ હવે, પોલીસ કડક કાર્યવાહીથી તેનો પર્દાફાશ થયો છે. ચાલો આ આખા મામલાને જાણી લઈએ.

જ્યોતિનું સાચું નામ બાબુ અયાન ખાન છે. તે બાંગ્લાદેશી નાગરિક છે અને ટ્રાન્સજેન્ડર સમુદાયની ‘ગુરુ મા’ બનીને, 300થી વધુ અનુયાયીઓની લીડર બની બેઠી હતી. મુંબઈના રફીક નગર, ગોવંડી અને આસપાસના વિસ્તારોમાં તેના 20થી વધુ ઘરો હોવાનું કહેવાય છે. માર્ચ 2025માં શિવાજી નગર પોલીસે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર દરોડા પાડ્યા, તે સમયે જ્યોતિની પણ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેની પાસે તેના આધાર કાર્ડ, પાન કાર્ડ અને જન્મ પ્રમાણપત્ર સહિતના બધા દસ્તાવેજી પુરાવા હાજર હતા. તેથી, તેને છોડી દેવામાં આવી. પરંતુ અહીં પોલીસે હાર માની નહીં. તેઓએ આ દસ્તાવેજોની જીણવટભરી તપાસ કરી, ત્યારે તેમને આખો ખેલ સમજાઈ ગયો કે આ આખો મામલો જ નકલી છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, જ્યોતિ ઉર્ફ બાબુ અયાન ખાને બાંગ્લાદેશથી ભારતમાં ઘૂસણખોરી કરી હતી અને છેતરપિંડી કરીને ભારતીય ઓળખ બનાવી લીધી હતી. આ દસ્તાવેજો એટલા બધા પરફેક્ટ હતા કે તે સાચા નથી તે અંગે કોઈને કોઈપણ જાતની શંકા ન ગઈ. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ દસ્તાવેજો ક્યાંથી મેળવવામાં આવ્યા હતા. કોણ કોણ સંડોવાયેલા હતા? અને આ રીતે મુંબઈમાં કેટલા વધુ બાંગ્લાદેશીઓ છુપાયેલા છે? મુંબઈ પોલીસના એક અધિકારીએ કહ્યું, ‘આ ધરપકડ નકલી દસ્તાવેજો પર અહીં રહેતા બધા માટે એક કડક સંદેશ છે. અમારું અભિયાન ચાલુ રહેશે.’

આ કંઈ પહેલી વાર નથી, જ્યારે જ્યોતિનું નામ સામે આવ્યું છે. તેની સામે શિવાજી નગર, નારપોલી, દેવનાર, ટ્રોમ્બે અને કુર્લા પોલીસ સ્ટેશનમાં પહેલાથી જ ઘણા કેસ નોંધાયેલા છે. પોલીસે તેને પાસપોર્ટ એક્ટ અને ભારતીય દંડ સંહિતા (BNS)ની અન્ય કલમો હેઠળ ધરપકડ કરી છે. આ આરોપોમાં અનુયાયીઓને છેતરવાથી લઈને ગેરકાયદેસર રીતે ભારતમાં રહેવા સુધીનો સમાવેશ થાય છે. જ્યોતિના સમુદાયમાં તે એટલી લોકપ્રિય હતી કે લોકો દૂર-દૂરથી તેની સલાહ લેવા આવતા હતા. પરંતુ હવે આ રહસ્ય ખુલી ગયું છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી, મુંબઈમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. માર્ચ મહિનામાં જ ઘણા ટ્રાન્સજેન્ડર બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને શંકા છે કે, જ્યોતિ જેવા ઘણા લોકો હજુ પણ નકલી IDનો ઉપયોગ કરીને ફરી રહ્યા હોય. શું આ કોઈ મોટી ગેંગ છે? કે માત્ર તેનો એકલીનો જ અલગ પ્રયાસ? પોલીસની તપાસ ચાલુ છે. આનાથી સામાન્ય મુંબઈકરોની સલામતી અંગે ચર્ચા શરૂ થઈ છે.

