18.jpg?w=1110&ssl=1)
રાજ્યના રાજકારણમાં આજે મોટો ભૂકંપ આવ્યો છે. અચાનક જ મંત્રીઓ અને શાસક પક્ષના મહત્ત્વના ધારાસભ્યોને તાત્કાલિક ધોરણે કેબિનેટ બેઠકમાં હાજર થવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. આ અણધારી સૂચનાને પગલે ગાંધીનગરના રાજકીય ગલિયારામાં ભારે ગરમાવો આવી ગયો છે. રિપોર્ટ મુજબ મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલ સિવાયના તમામ મંત્રીઓના રાજીનામા લઈ લેવાયા છે, જેમાં સૌથી પહેલા જગદીશ પંચાલે રાજીનામું આપ્યું હતું. આ રાજીનામા CM રાજ્યપાલને મોકલશે અને 17 તારીખે સવારે 11.30 કલાકે નવા મંત્રીમંડળનો શપથગ્રહણ સમારોહ યોજાશે.
મુખ્ય હાઇલાઇટ્સ:
રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનીલ બંસલ ગુજરાત આવી ગયા છે. તેમણે સર્કિટ હાઉસ ખાતે સંગઠન મહામંત્રી રત્નાકર અને ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે સાથે મુલાકાત કરી હતી.
શપથવિધિ માટે મહાત્મા મંદિરમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી છે અને રાજકીય મહેમાનોના આગમનની પણ પૂરી તૈયારીઓ કરાઈ રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી કાર્યાલય તરફથી અથવા પક્ષના મોવડી મંડળ તરફથી મંત્રીઓ અને કેટલાક મહત્ત્વના ધારાસભ્યોને તાત્કાલિક અસરથી કેબિનેટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
આ આદેશ મળતાંની સાથે જ મંત્રીઓ અને ધારાસભ્યોના ફોન સતત રણકવા લાગ્યા હતા. અનેક નેતાઓને સરકારી ગાડીઓ લઈને તાત્કાલિક ગાંધીનગર દોડી આવવા માટે સૂચના આપવામાં આવી છે.
રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે આ તાત્કાલિક કાર્યવાહી પાછળ મોટું કારણ છુપાયેલું છે. રાજ્ય કેબિનેટમાં વ્યાપક ફેરબદલ અથવા સંગઠનમાં મોટા ફેરફારોની પૂરી સંભાવના છે.

