
બોલિવૂડના ત્રણેય ખાન (શાહરૂખ, સલમાન અને આમિર) જ્યાં પણ સાથે જોવા મળે છે, ત્યાં ચોક્કસપણે ખળભળાટ થવો નક્કી જ છે. ત્રણેય સુપરસ્ટાર તાજેતરમાં સાઉદી અરેબિયામાં ‘જોય ફોરમ 2025’માં હાજરી આપી હતી. ત્યાં, તેઓએ સિનેમા વિશે ઘણી ચર્ચા કરી હતી. આ દરમિયાન, ત્રણેયે ફિલ્મમાં સાથે કામ કરવાના પ્રશ્ન પર પણ પ્રતિક્રિયા આપી હતી.

સલમાન, શાહરૂખ અને આમિર સાથે કામ કરવાના વિચારની ચર્ચા ઘણા સમયથી થઈ રહી છે. આમિર અને સલમાન ઘણી વખત તેની ચર્ચા કરતા જોવા મળ્યા છે. હવે, શાહરૂખે પણ તેના વિશે ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. તેમણે કહ્યું, ‘મારે કહેવું પડશે કે, જો અમે ત્રણેય કોઈ પ્રોજેક્ટ પર સાથે કામ કરીએ, તો તે પોતે જ એક સ્વપ્ન હશે. મને આશા છે કે તે કોઈ દુઃસ્વપ્ન નહીં હોય. ઇન્શાઅલ્લાહ, જ્યારે પણ અમને કોઈ તક અને વાર્તા મળે છે, ત્યારે અમે હંમેશા બેસીને તેની ચર્ચા કરીએ છીએ.’

‘હું સલમાન અને આમિરનો ખૂબ આદર કરું છું. ખરેખર, કારણ કે તેઓ બંને આટલા લાંબા સમયથી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરી રહ્યા છે. તો હા, શરૂઆતથી લઈને આજે તેઓ જ્યાં છે ત્યાં સુધી તેમણે જે ઉતાર-ચઢાવનો સામનો કર્યો છે અને જે મહેનત કરી છે તેના કારણે હું ખરેખર તેમનો આદર કરું છું. હું ખરેખર આભારી છું કે, મને એક જ મંચ પર, એક જ ઘરમાં તેમની સાથે વાત કરવાની તક મળી. તેથી અમારે એ નક્કી કરવાનું છે કે તે વસ્તુ કોઈને નિરાશ ન કરે.’

શાહરૂખ ખાનના શબ્દો સાંભળીને, સલમાન ખાન આગળ કહે છે, ‘શાહરૂખ પાસે એક વાત છે જે તે વારંવાર કહેતો રહે છે, અને હું ઇચ્છું છું કે તે અહીં પણ કહે. પ્રયાસ કરો અને તેને અહીં પણ કહો કે, કોઈ પણ આપણા ત્રણેયને એક ફિલ્મમાં સાથે રાખી શકે તેમ નથી. કહી દો.’ જેના પર શાહરૂખ ખાન જવાબ આપે છે, ‘હું તે સાઉદી અરેબિયામાં કહેવા માંગતો નથી, કારણ કે કોઈ પણ ઉભા થઈને કહેશે, ‘હબીબી, બસ સમજો કે થઇ ગયું’

‘ના, અમે તેના વિશે મજાક કરીએ છીએ. પરંતુ અહીં અમને રાખી શકે નહીં, તેનો મતલબ પૈસાનો નથી, પરંતુ તેનો અર્થ એ છે કે, અમે કામ માટે નક્કી કરી રાખેલો સમય. અમે ખૂબ મહેનતુ છીએ, અમે સમયનું પાલન કરીએ છીએ, પરંતુ અમારી પોતાની અલગ વિશિષ્ટતાઓ છે. અમે ઘણા લાંબા સમયથી કામ કરી રહ્યા છીએ, શું કોઈ ત્રણ અનોખા લોકોને સહન કરી શકે છે? અમે જ્યારે સાથે કામ કરીએ છીએ ત્યારે હંમેશા હસી મજાક કરતા હોઈએ છીએ, અને મને ખાતરી છે કે, કોઈપણ ફિલ્મ નિર્માતા કહેશે, ‘શું તમે લોકો મહેરબાની કરીને હવે કામ શરૂ કરી શકો છો?’

શાહરૂખ અને સલમાને આ આખી વાતચીત દરમિયાન સારી સ્ક્રિપ્ટ શોધવાના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે જો તેઓ ત્રણેય એકસાથે ફિલ્મ કરશે, તો તેમાં હીરો તેઓ નહીં, પરંતુ ફિલ્મની સ્ક્રિપ્ટ હશે. આમિર ખાન પણ બંનેની વાત સાથે સંમત થાય છે. તે કહે છે કે, તેઓ ચોક્કસપણે સાથે ફિલ્મ કરશે, પરંતુ તે પહેલા સારી સ્ક્રિપ્ટની રાહ જોશે.

