
દુનિયાના કોઈ પણ માં બાપ હોય તે ભારતમાં હોય કે દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેતા હોય, દરેક માતા-પિતા ઇચ્છે છે કે, તેમની દીકરીઓના લગ્ન એકદમ ધામધુમથી કરે, પરંતુ અમેરિકામાં એક મહિલાએ તેનાથી તદ્દન અલગ જ વર્તન બતાવ્યું છે. આ માતાએ પોતાની દીકરીઓને એક અનોખી ઓફર આપી, ‘જો તેઓ લગ્ન નહીં કરે અથવા સાદાઈથી અથવા ઓછા ખર્ચામાં કરે છે, તો તેમને રૂ. 29 લાખનું રોકડ ઇનામ મળશે. મહિલાનો આ નિર્ણય સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. અત્યાર સુધીમાં લાખો લોકો તેની ઓફર પર પોતાની પ્રતિક્રિયા આપી ચૂક્યા છે, અને ઘણા લોકો તો તેને ‘આધુનિક વિચારધારા ધરાવતી માતા’નું પગલું કહી રહ્યા છે.

કેટ નામની આ અમેરિકન મહિલાએ પોતાના વાયરલ વીડિયોમાં કહ્યું હતું કે, ‘જો મારી દરેક દીકરી લગ્ન નહીં કરે અથવા ખૂબ જ સાદગીભર્યા લગ્ન કરે તો હું તેમને 35,000 ડૉલર (આશરે રૂ. 29 લાખ) આપીશ.’ તેમના મતે, આ પૈસા લગ્ન પર ખર્ચ કરવાને બદલે તેમની દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે વાપરવા જોઈએ. તેઓ કહે છે કે, લગ્ન માટે ભારે ખર્ચ કરવો અને દેવું કરવું એ સમજદારી નથી, પરંતુ જીવનની સૌથી મોટી ભૂલ છે.

કેટે સમજાવ્યું કે, આ વિચાર તેના પોતાના જીવનમાંથી ઉદ્ભવે છે. તેણે કહ્યું, ‘મારા લગ્ન ભવ્ય અને ખુબ જ શાનદાર રીતે થયા હતા, એક વિશાળ હોલ, એક મોંઘો ગાઉન, એક શાનદાર રિસેપ્શન, પરંતુ આ સ્વપ્નના લગ્નએ અમને પાંચ વર્ષ સુધી દેવું ચૂકવવા મજબૂર કર્યા. હવે, તે નથી ઇચ્છતી કે તેની પુત્રીઓ પણ એ જ ભૂલનું પુનરાવર્તન કરે.’ તેમણે સ્પષ્ટપણે કહ્યું, ‘કાં તો લગ્ન કરો, અથવા મારી પાસેથી ચેક લો, બંને નહીં.’

કેટનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અમેરિકામાં લગ્નનો ખર્ચ ખુબ ઝડપથી વધી રહ્યો છે. એક સ્થાનિક અખબારના અહેવાલ મુજબ, USમાં સરેરાશ લગ્નનો ખર્ચ લગભગ રૂ. 22 લાખ થતો હોય છે, જ્યારે ન્યૂ યોર્ક અને ન્યૂ જર્સી જેવા શહેરોમાં, આ ખર્ચ રૂ. 44 લાખ સુધી પહોંચી જાય છે. તેથી ઘણા લોકો એવું માને છે કે, કેટની પહેલ માત્ર વિચારસરણીમાં પરિવર્તનને પ્રતિબિંબિત કરતી નથી પણ આપણને એ પણ શીખવે છે કે, જીવન સમજદારીથી શરૂ કરવું જોઈએ, ભવ્યતાથી નહીં.

