
મહાભારત શ્રેણીમાં કર્ણની ભૂમિકા ભજવીને ખ્યાતિ મેળવનાર અનુભવી અભિનેતા પંકજ ધીરનું 15 ઓક્ટોબરના રોજ અવસાન થયું. તેમના નિધનથી ફિલ્મ ઉદ્યોગ, ચાહકો અને પરિવારને ખૂબ જ આઘાત લાગ્યો છે. હવે, પુત્ર નિકિતિન ધીરે તેમના પિતાના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને મૌન તોડ્યું છે. પોતાનું દુઃખ વ્યક્ત કરતા નિકિતિનએ કહ્યું, ‘તેઓ મારા ગુરુ, મારા મિત્ર, બધું જ હતા.’
પંકજ લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. આખરે તેમને આ પીડાથી મુક્તિ મળી અને દુનિયાને અલવિદા કહી દીધી, પરંતુ પાછળ એક શોકગ્રસ્ત પરિવારને છોડી ગયા. નિકિતિને તેમના પિતાની કેટલીક મહત્વપૂર્ણ યાદોનું સંકલન કર્યું અને તેને એક વિડિયોમાં શેર કરી.

નિકિતિને એમ પણ લખ્યું, ‘હું મારી લાગણીઓને યોગ્ય રીતે વ્યક્ત કરી શકતો નથી, પણ હું પ્રયાસ કરીશ. એવું કહેવાય છે કે જન્મ સાથે જે એક વસ્તુ નિશ્ચિત છે તે મૃત્યુ છે. આપણે બધા આ જાણીએ છીએ, માનીએ છીએ અને સ્વીકારીએ છીએ, પરંતુ જ્યારે કોઈ એવા માણસ આપણને છોડીને ચાલ્યા જાય છે જે આપણા જીવનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ હોય છે, ત્યારે ઘણા સવાલો ઉભા થાય છે.

’15 ઓક્ટોબર, 2025ના રોજ, મેં મારા પિતા, મારા માર્ગદર્શક, મારા શ્રેષ્ઠ મિત્ર, શ્રી પંકજ ધીરને ગુમાવ્યા. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. તેમના નિધનથી અમારું પરિવાર પુરી રીતે તૂટી ગયું છે. તેમના નિધન પછી, અમને હજારો સંદેશાઓ મળ્યા. નાના લોકોએ પ્રાર્થના કરી, મોટા લોકોએ આશીર્વાદ મોકલ્યા, અને તેમના મિત્રો, સાથીદારો અને ભાઈઓએ પુષ્કળ પ્રેમ મોકલ્યો. પપ્પા માટે અમને જે આદર અને સ્નેહ મળ્યો તેનું વર્ણન કરવું મુશ્કેલ છે. તે સમયે, હું કોઈપણ સંદેશનો જવાબ આપવાની સ્થિતિમાં નહોતો.’

નિકિતિન આગળ લખે છે, ‘થોડા દિવસો પછી, જ્યારે મેં પ્રેમ અને આદરનો સતત વરસતો વરસાદ જોયો, ત્યારે મને સમજાયું, જીવનનો અર્થ આ જ છે. જીવન ભૌતિક વસ્તુઓ વિશે નથી, પરંતુ પ્રેમ, આશીર્વાદ અને આદર વિશે છે, જે અમૂર્ત છે, અને તે જ મારા પિતા તેમના આગામી જીવનમાં તેમની સાથે લઈ જશે.’
‘આજે, મને તેમનો પુત્ર હોવાનો પહેલા કરતાં વધુ ગર્વ છે. તેઓ મારા માટે શ્રેષ્ઠ પિતા હતા, જેમણે મને હિંમત, ચારિત્ર્ય, પ્રામાણિકતા અને મારા સપનાઓને સાકાર કરવાનું મહત્વ શીખવ્યું, ભલે દુનિયા કંઈ પણ કહે. તેમણે મને જે જીવન પાઠ શીખવ્યા તે હંમેશા મારા માર્ગને પ્રકાશિત કરશે. સંગીતની વિવિધતા, સિનેમા પ્રત્યેનો પ્રેમ, અથવા જેમ તેઓ તેને ‘સિને મા’ કહેતા હતા, આ બધું તેમના તરફથી મળ્યું છે.

નિકિતિને ભાવુક થઈને કહ્યું, ‘તેમના તરફથી મને મળેલી સૌથી મોટો વારસો આપણા ફિલ્મ ઉદ્યોગ માટે ઊંડો આદર અને પ્રેમ છે, અને આ દુનિયા કેટલી સુંદર અને આવકારદાયક છે તેની સમજ છે. હું વચન આપું છું કે, એક અભિનેતા અને એક માનવી તરીકે, હું એવું કામ કરીશ જે મારા પિતાને ગર્વ કરાવે. તમે મારા પિતા માટે જે પ્રેમ અને આદર બતાવ્યો છે તેના માટે હું તમારા બધાનો આભાર માનવા માંગુ છું.
‘આ વિડીયો તમારા બધાનો ‘આભાર’ માણવા માટે છે, જેમણે તેમને પ્રેમ કર્યો, પ્રશંસા કરી અને યાદ કર્યા. અમારા સમગ્ર પરિવાર વતી, અમે પરમાર્થ આશ્રમના સ્વામી ચિદાનંદ શાસ્ત્રીજીનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ, જેમણે પપ્પાના અસ્થિ વિસર્જન અને પૂજા દરમિયાન અમને માર્ગદર્શન આપ્યું. અમારા સમગ્ર પરિવાર વતી હાથ જોડીને આભાર. જય મા ગંગા, હર હર મહાદેવ.’
પંકજ ધીરનું નિધન સમગ્ર ફિલ્મ ઉદ્યોગ માટે એક મોટું નુકસાન છે. તેમણે 68 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.

