
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં સાર્વત્રિક માવઠાની અસર જોવા મળી રહી છે. આ માવઠાએ જગતના તાતને રડતો કરી મૂક્યો છે. પાક તૈયાર કરવા માટે ખેડૂતોએ પૈસા પાણીની જેમ વહાવ્યા હતા, પરંતુ આ માવઠાએ બધુ જ બરબાદ કરી દીધું. દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાએ કહેર મચાવ્યો છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતો પોતાના ખેતરોમાં ચોમાસામાં મોટાભાગે ડાંગરનો પાક બનાવતા હોય છે અને મહિનાઓ સુધી માવજત કરીને પાક તૈયાર કરતા હોય છે, જ્યારે આ પાક લણવાનો વારો આવ્યો, ત્યારે માવઠાએ કહેર મચાવીને તેમની મહેનત પર પાણી ફેરવી દીધું.
એવી જ રીતે સૌરાષ્ટ્રની પણ હાલત કફોળી છે. આ વિસ્તારમાં મગફળી, કપાસ, ડુંગળી પકવતા ખેડૂતોની હાલત પણ દક્ષિણ ગુજરાતના ખેડૂતો જેવી જ છે. તેમના પાક સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે, જેને કારણે ખેડૂતોએ રડવાનો વારો આવ્યો છે. પાક સાથે સાથે પશુઓનો સૂકો ચારો પણ બગડી ગયો છે. ખેડૂતો હવે સરકાર પાસે રાહત પેકેજ જાહેર કરવા માગ કરી રહ્યા છે.

સપ્ટેમ્બર ઓક્ટોબરના માસ દરમિયાન બે વાર વાવાઝોડું અને હવે ફરી કમોસમી વરસાદે ખેડૂતોને ધમરોળી નાખ્યા છે. સુરત, તાપી સહિતના દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ અને તાલુકાઓમાં તેમજ ગુજરાતમાં પડેલા માવઠાએ ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. કમોસમી વરસેલા વરસાદ અંગે ખેડૂત અશોકભાઈ ધોરીએ જણાવ્યું કે, અમે જે 15 વીઘામાં ડુંગળી-મગફળીનું વાવેતર કર્યું હતું, તે કમોસમી વરસાદને કારણે ફેલ થઈ ગયું છે. જે મહેનત કરી, ખર્ચો કર્યો તે પાણીમાં ગયો છે અને બધું ધોવાણ થઈ ગયું છે. અમે અંદાજિત 70 હજાર રૂપિયા જેવો ખર્ચ કર્યો હતો. હવે અમારે જે પાક નુકસાની થઈ છે, તેમાં સરકાર અમને રાહત આપે તેવી માગ કરી રહ્યા છીએ.
અન્ય ખેડૂત નિલેશભાઈએ જણાવ્યું કે, અમે આ વખતે માત્ર ડુંગળીનો જ પાક કર્યો છે. અત્યારે અમારી ડુંગળીનો ભાવ પણ નથી અને જે ડુંગળીનું રોપણ છે તે પણ ફેલ થઈ ગયું છે. અંદાજિત ચારથી પાંચ લાખનું મારૂ આ પાક વાવેતરમાં રોકાણ હતું, તે હાલ આ અવિરત વરસાદ વરસ્યો તેમાં પાણીમાં તણાઈ ગયું છે. એટલે હવે સરકાર અમને રાહત પેકેજ આપે તો અમે એની અપેક્ષા લઈને બેઠા છીએ. અત્યારે અમારી પાસે મૂડી પણ રહી નથી.

કમોસમી વરસેલા માવઠાં અંગે ખેડૂત પ્રવીણભાઈએ જણાવ્યું કે, 26 ઓક્ટોબરે રાત્રિના કમોસમી ધોધમાર વરસાદ આવ્યો અને ડુંગરનું પાણી વાડીઓમાં ઘૂસી ગયું હતું. વાડીમાં પાળા બનાવેલા હતા, તે પાણીના પ્રવાહમાં તૂટી ગયા અને અમારી વાડીઓમાં પાણી ઘૂસી ગયું હતું. અમે જે ડુંગળીના વાવેતર પાછળ ખર્ચ કર્યો તે નિષ્ફળ ગયો છે. હવે સરકાર નુકસાની અંગે રાહત પેકેજ જાહેર કરે તેવી માગ છે.
આ અંગે ખેતીવાડી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે, મુખ્યત્વે ચોમાસું વાવેતર છે તે ભાવનગર જિલ્લામાં કુલ ચાર લાખ હેક્ટરમાં થાય છે. જેમાં સૌથી વધુ બે લાખ દસ હજાર હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે અને એક લાખ દસ હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. આમ બે મુખ્યત્વે પાકોનું વાવેતર થાય છે. નુકસાની અંગે વાત કરીએ તો ઓક્ટોબર મહિનાનું છેલ્લું અઠવાડિયું છે, જેમાં ઘણા બધા વિસ્તારોમાં મગફળીની કાપણી થઈ ગઈ છે અને કેટલાક વિસ્તારોમાં મગફળીની કાપણી થઈ હતી.

કપાસના પાકમાં પેલી વીણી હોવાથી પાણી પડવાથી કપાસની ગુણવત્તા બગાડી શકે છે. હજુ બે દિવસ વરસાદની આગાહી છે. પાક પરિસ્થિતિ અંગે વરસાદના વિરામ બાદ શું આંકલન નીકળે છે અને એ પ્રમાણે રાજ્ય સરકાર તરફથી જે માર્ગદર્શન મળે એ અંગે અમે કામગીરી શરૂ કરીશું. અમારા ફિલ્ડ તંત્ર અને વહીવટી તંત્ર આ બાબતે હાલ ફિલ્ડમાં છે અને સંકલન કરીને અમે કામગીરી શરૂ કરીશું.
માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે, રાજ્ય સરકારે આગામી 48 કલાકની અંદર ખેડૂતોના હિતમાં મહત્ત્વનો નિર્ણય લેવાની મૌખિક ખાતરી આપી છે. સરકાર ખેડૂતોને થયેલા પાક નુકસાન માટે આર્થિક મદદ કરવા માટે તૈયાર હોવાનું જણાઈ રહ્યું છે.

