
વાયુ પ્રદૂષણ પરના એક નવા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, વિશ્વભરમાં વાયુ પ્રદુષણના કારણે જીવ ગુમાવનારા લોકોમાંથી 70 ટકા લોકો તો ફક્ત ભારતમાંથી જ નોંધાય છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, દર વર્ષે વાયુ પ્રદૂષણને કારણે વૈશ્વિક સ્તરે આશરે 25 લાખ લોકો પોતાના જીવ ગુમાવે છે, જેમાંથી 17 લાખ 72 હજાર લોકો ફક્ત ભારતમાંથી જ નોંધાય છે. ‘લૈસેંટ કાઉન્ટડાઉન ઓન હેલ્થ એન્ડ ક્લાઇમેટ ચેન્જ’ શીર્ષક ધરાવતો આ રિપોર્ટ યુનિવર્સિટી કોલેજ લંડન દ્વારા વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના સહયોગથી તૈયાર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં PM 2.5ને આના માટે જવાબદાર ઠેરવવામાં આવ્યો છે.

PM 2.5, અથવા પાર્ટિક્યુલેટ મેટર 2.5, હવામાં હાજર રહેલા એવા નાના કણો હોય છે, જેનો આકાર 2.5 માઇક્રોન કે તેનાથી પણ ઓછા માપના હોય છે. તે નરી આંખે દેખાતા નથી, પરંતુ ફેફસાં અને શરીરમાં ઊંડે સુધી દાખલ થઈને ઘણું બધું નુકસાન પહોંચાડે છે. PM 2.5 સ્તર વધારવા માટે માનવીઓ જ જવાબદાર છે. તે મુખ્યત્વે વાહનો, કારખાનાઓ અને થર્મલ પાવર પ્લાન્ટ, પરાલી બાળવી, ધૂળ, બાંધકામ કાર્ય અથવા લાકડા અથવા કોલસા જેવા ઘરેલું ઇંધણ બાળવાથી વધારે ફેલાય છે.

રિપોર્ટ મુજબ, ભારતમાં વાયુ પ્રદૂષણને કારણે જીવ ગુમાવનારાઓમાં 2010 પછીથી 38 ટકાનો વધારો થયો છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, વાયુ પ્રદૂષણના કારણે જીવ ગુમાવનારાઓ માટે સૌથી વધારે અશ્મિભૂત ઇંધણ, ખાસ કરીને કોલસો અને પ્રવાહી ગેસ વધુ જવાબદાર છે. આના કારણે એકલા 44 ટકા એટલે કે, વાર્ષિક 752,000 લોકો પોતાનો જીવ ગુમાવે છે. આમાંથી, બળતણથી ચાલતા પાવર પ્લાન્ટને કારણે 298,000 લોકો પોતાનો જીવ ગુમાવે છે. આ ઉપરાંત, રસ્તાના બાંધકામમાં વપરાતા પેટ્રોલના ધુમાડાને કારણે વાર્ષિક 269,000 લોકો પોતાનો જીવ ગુમાવે છે.

રિપોર્ટ મુજબ, 2020થી 2024 દરમિયાન જંગલમાં લાગેલી આગને કારણે પણ વાર્ષિક સરેરાશ 10,200 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રિપોર્ટમાં ભારતમાં વાયુ પ્રદૂષણના સ્તર અને તેની અસરની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. એમાં બતાવવામાં આવ્યું છે કે, ભારતમાં, 2022માં વાયુ પ્રદૂષણને કારણે પ્રતિ 100,000 લોકોમાંથી સરેરાશ 113 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત, શહેરી વિસ્તારો કરતાં ગ્રામીણ વિસ્તારોમાં જીવ ગુમાવનારાઓની સરેરાશ સંખ્યા વધારે હોય છે. રિપોર્ટ અનુસાર, વાયુ પ્રદુષણને કારણે ભારતમાં હીટવેવનું જોખમ પણ ખુબ વધારે પ્રમાણમાં વધી ગયું છે. 2024માં ભારતીયોએ આનાથી પણ 50 ટકા વધુ હીટવેવનો સામનો કર્યો હતો, જે સરેરાશ 366 વધારાના કલાકોની હિટ સ્ટ્રેસ જેવું જ છે.

