
2025ની બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 121 બેઠકો માટેના ઉમેદવારોનું ભાવિ ગુરુવારે EVMમાં સીલ થઇ ગયું હતું. પ્રથમ તબક્કામાં 121 બેઠકો પર મતદાન 64.69 ટકા થયું હતું, જે 2020માં 56.1 ટકા હતું.
પહેલા તબક્કાના મતદાન પેટર્નની વાત કરીએ તો, આ વખતે મતદાન લગભગ સાડા આઠ ટકા વધુ હતું, જે બિહારના ઇતિહાસમાં એક રેકોર્ડ બનાવે છે. છેલ્લા વીસ વર્ષોમાં, જ્યારે પણ બિહારમાં મતદાન વધ્યું છે, ત્યારે CM નીતિશ કુમાર સત્તામાં પાછા ફર્યા છે.
બિહારમાં મતદાનના પ્રથમ તબક્કાના ડેટા પર નજર કરીએ તો, સ્પષ્ટ થાય છે કે આ બિહારમાં અત્યાર સુધીનું સૌથી વધુ મતદાન છે. આ અગાઉ, રાજ્યમાં સૌથી વધુ મતદાન 2000ની ચૂંટણીમાં નોંધાયું હતું, ત્યારે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ મતદાન 62.57 ટકા હતું. આ વખતે, મતદાનની ટકાવારી આશરે 64.69 ટકા હતી. આનાથી એ સવાલ ઉભો થાય છે કે, છેલ્લા 20 વર્ષોમાં બિહારમાં મતદાન પેટર્ન શું રહ્યું છે?

પ્રથમ તબક્કાનું મતદાન પેટર્ન રાજકીય પક્ષો પોતાના પક્ષમાં થયું હોવાનું અર્થઘટન કરી રહ્યા છે. મહાગઠબંધનના નેતાઓ CM નીતિશ કુમાર સરકાર સામે સત્તા વિરોધી લહેરનો ઉલ્લેખ કરી રહ્યા છે, જ્યારે NDA દાવો કરી રહ્યું છે કે, પ્રથમ તબક્કાનું મતદાન પેટર્ન તેમના પક્ષમાં છે. મતદાન પેટર્નની દ્રષ્ટિએ, જ્યારે પણ બિહારમાં મતદાનમાં પાંચ ટકાથી વધુનો વધારો થયો છે, ત્યારે સરકાર બદલાઈ ગઈ છે.
જોકે, એ પણ એક હકીકત છે કે, CM નીતિશ કુમારને આ વધેલા મતદાનનો રાજકીય લાભ મળ્યો છે. છેલ્લા 20 વર્ષોમાં વિધાનસભા ચૂંટણીઓના મતદાન પેટર્ન પર નજર નાખતા, એ સ્પષ્ટ થાય છે કે, CM નીતિશ કુમારને વધતા મતદાનનો ફાયદો થયો છે. 2005થી 2020 સુધીની બિહારની વિધાનસભા ચૂંટણીઓમાં મતદાન પેટર્નનું વિશ્લેષણ આ દર્શાવે છે.
CM નીતિશ કુમાર પહેલી વાર ઓક્ટોબર 2005માં બિહારમાં સત્તામાં આવ્યા હતા. તે વર્ષે બે વાર વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ હતી. ફેબ્રુઆરી 2005માં યોજાયેલી પહેલી ચૂંટણીમાં 46.05 ટકા મતદારોએ મતદાન કર્યું હતું. આમ, 2000ની સરખામણીમાં મતદાનમાં આશરે 13 ટકાનો ઘટાડો થયો હતો અને કોઈ પણ પક્ષને બહુમતી મળી ન હતી.
ઓક્ટોબર 2005માં, બિહાર વિધાનસભાની ચૂંટણીઓ ફરી યોજાઈ હતી, જેમાં મતદાન 45.85 ટકા થયું હતું. આ મામૂલી સંખ્યામાં ઓછા થયેલા મતદાનથી સરકાર બદલાઈ ગઈ હતી અને NDAએ CM નીતિશ કુમારના નેતૃત્વમાં પહેલી વાર સરકાર બનાવી હતી.

CM નીતીશ કુમારને પહેલી વાર ભલે બિહારમાં ઓછા મતદાન થયાનો ફાયદો મળ્યો હોય, પરંતુ ત્યાર પછી ચાર વખત ચૂંટણીઓ યોજાઈ. આમ, દરેક વખતે મતદાનમાં વધારો થયો છે, જેનો ફાયદો CM નીતીશ કુમારને થયો છે. 2005માં, NDAએ બિહારની 243 બેઠકોમાંથી 143 બેઠકો જીતી હતી, જેના કારણે CM નીતીશ કુમાર સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી શક્યા હતા.
2010ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં મતદાન 52.73 ટકા હતું, જે 2005ની સરખામણીમાં 6.88 ટકાનો વધારો દર્શાવે છે. આ ચૂંટણીમાં, NDAએ 243માંથી 206 બેઠકો જીતી હતી. જેમાં JDUએ 115 બેઠકો જીતી હતી અને BJPએ 91 બેઠકો જીતી હતી. RJDનો ખુબ ખરાબ રીતે પરાજય થયો હતો, તેની 54 બેઠકો ઘટીને 22 થઈ ગઈ હતી.
2015માં, બિહારનો રાજકીય માહોલ બદલાઈ ગયો. CM નીતિશ કુમારે BJPનો સાથ છોડી દીધો અને RJD સાથે જોડાઈ ગયા. 2015ની ચૂંટણીમાં 56.91 ટકા મતદાન થયું હતું, જે 2010ની સરખામણીમાં 4.18 ટકાનો વધારો દર્શાવે છે. આનો સીધો ફાયદો CM નીતીશના નેતૃત્વ હેઠળના મહાગઠબંધનને થયો હતો. મહાગઠબંધને 178 બેઠકો જીતી હતી, જેમાં RJDએ 80, JDUએ 71 અને કોંગ્રેસે 27 બેઠકો જીતી હતી. BJPની સંખ્યા 91થી ઘટીને 54 થઈ ગઈ હતી.

2020ની વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ ત્યારે, ગઠબંધનની તાકાત ફરી બદલાઈ ગઈ. CM નીતિશ કુમારે RJD-કોંગ્રેસ ગઠબંધન છોડી દીધું અને BJP સાથે જોડાયા અને NDAમાં પાછા ફર્યા. 2020ની વિધાનસભા ચૂંટણીમાં 57.29 ટકા મતદાન થયું, જે 2015ની સરખામણીમાં 0.38 ટકાનો વધારો દર્શાવે છે. મતદાનમાં થોડો વધારો થવાથી NDAની બેઠકો ઓછી જરૂર થઈ, પરંતુ તેણે સત્તા જાળવી રાખી.
NDA 125 બેઠકો સાથે સરકાર બનાવવામાં સફળ રહ્યું, જેમાં BJPએ 74, JDUએ 43, માંઝીએ 4 અને VIPએ 4 બેઠકો જીતી. મહાગઠબંધન ભલે સત્તામાં આવવામાં નિષ્ફળ રહ્યું, છતાં પણ સરસાઈ એકદમ નજીવી રહી હતી. RJDએ 75, કોંગ્રેસે 19 અને ડાબેરી પક્ષોએ 16 બેઠકો જીતી હતી.

