fbpx

1800 કરોડની જમીન 300 કરોડમાં કંઈ રીતે મળી ગઈ? DyCM અજિત પવારના દીકરા સામે તપાસ શરૂ

Spread the love

1800 કરોડની જમીન 300 કરોડમાં કંઈ રીતે મળી ગઈ? DyCM અજિત પવારના દીકરા સામે તપાસ શરૂ

મહારાષ્ટ્રમાં એક મોટા જમીન સોદાને ‘કૌભાંડ’ તરીકે ઓળખવામાં આવ્યા પછી રાજકીય હોબાળો મચી ગયો છે. DyCM અજિત પવારના પુત્ર પાર્થ પવારની આ અંગે તપાસ ચાલી રહી છે. એવો આરોપ છે કે પાર્થ પવારની કંપની, ‘અમીડિયા હોલ્ડિંગ્સ LLP’એ પુણેમાં આશરે રૂ. 300 કરોડમાં જમીન ખરીદી હતી, જ્યારે તેની વાસ્તવિક કિંમત રૂ. 1800 કરોડ હોવાનું કહેવાય છે. આ સોદા પર પુરી સ્ટેમ્પ ડ્યુટી નહીં ચૂકવવાનો આરોપ છે. એવો દાવો કરવામાં આવે છે કે, આટલા મોટો જમીનના સોદામાં નિયમોનું ઉલ્લંઘન કરીને સ્ટેમ્પ ડ્યુટી તરીકે ફક્ત રૂ. 500 ચૂકવવામાં આવ્યા હતા.

Parth-Pawar-DyCM-Ajit-Pawar

આ વિવાદ પુણેના પૉશ વિસ્તાર ગણાતા ગોરેગાંવ પાર્ક નજીક સ્થિત 42 એકર જમીનના ટુકડાને લગતો છે. આ મામલો CM દેવેન્દ્ર ફડણવીસના કાર્યાલય સુધી પહોંચ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, CM ફડણવીસે DyCM અજિત પવારના પુત્ર સાથે જોડાયેલી કંપની સામે જમીન કૌભાંડના આરોપોની તપાસનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, તેમની સરકાર કોઈપણ પ્રકારની અનિયમિતતા સહન કરશે નહીં.

CM ફડણવીસે વધુમાં કહ્યું, ‘અત્યાર સુધી જે બાબતો પ્રકાશમાં આવી છે તે ગંભીર છે. તેથી, હું સંપૂર્ણ માહિતી મેળવ્યા પછી જ વિગતવાર ટિપ્પણી કરીશ. જો આ સોદામાં કોઈ ગેરરીતિ જોવા મળશે, તો કડક કાર્યવાહી કરવામાં આવશે. અમારી સરકાર પારદર્શિતામાં માને છે. તપાસ પછી જે પણ સત્ય બહાર આવશે, તેના આધારે નિર્ણય લેવામાં આવશે.’

Parth-Pawar-DyCM-Ajit-Pawar.jpg-2

આ સોદાની બીજી વિવાદાસ્પદ બાજુ એ છે કે, ખરીદેલી જમીન ‘વતન જમીન’ની શ્રેણી હેઠળ હોવાનું કહેવામાં આવે છે, જે પહેલા મહાર સમુદાયને આપવામાં આવી હતી. 1958ના બોમ્બે અવર ગ્રામ વતન નાબૂદી કાયદા હેઠળ, આવી જમીન સરકારી પરવાનગી વિના વેચી શકાતી નથી. મીડિયા સૂત્રએ પુણેના ખેડૂતો સાથે વાત કરી હતી જેઓ આ જમીનની માલિકીનો દાવો કરે છે.

મીડિયા સૂત્ર સાથે વાત કરતાં એક ખેડૂતે કહ્યું, ‘અમારા પૂર્વજોએ 1955માં આ જમીન ખરીદી હતી. 2006-07માં, શીતલ કિશનચંદ જાજવાની નામના બિલ્ડરે આ જમીન માટે પાવર ઓફ એટર્ની મેળવી હતી.’ તેમણે ખેડૂતોને જમીન પરત કરવાનું વચન આપ્યું હતું. 20 વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ તેમણે હજુ સુધી અમને તે પરત કરી નથી. અમને બે કે ત્રણ મહિના પહેલા જ ખબર પડી કે તેમણે જમીન એક અમેડિયા કંપનીને વેચી દીધી છે. આ લોકોએ અમને છેતર્યા છે. આ 300 કરોડ રૂપિયાનું સંપૂર્ણ કૌભાંડ છે.’

Parth-Pawar-DyCM-Ajit-Pawar.jpg-3

ખેડૂતોએ સમજાવ્યું કે, જ્યારે 2006માં તેમની પાસેથી જમીન માટે પાવર ઓફ એટર્ની મેળવવામાં આવી હતી, ત્યારે શીતલ જાજવાનીએ તેમને બદલામાં 5,000 રૂપિયાના બેંક ચેક આપ્યા હતા. ખેડૂતોએ તેમને તે ચેક પણ બતાવ્યા. હવે તેઓ કહે છે કે તેમની સાથે ‘છેતરપિંડી’ થઈ છે. તેઓ માંગ કરી રહ્યા છે કે, સોદો રદ કરવામાં આવે અને જમીન તેમને પરત કરવામાં આવે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો આમ નહીં કરવામાં આવે તો તેઓ આંદોલન કરશે.

વિપક્ષે પણ આ બાબતે પોતાનું નિવેદન આપ્યું છે. કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે પાર્થ પવાર, તેમના સહયોગીઓ અને અન્ય લોકો સામે કલમ 420 હેઠળ કેસ દાખલ કરવાની માંગ કરી છે.

error: Content is protected !!