
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ફુલઝર ગામમાં 5 નવેમ્બરની મોડી રાત્રે લગ્નના ફુલેકામાં ઘોડીને ટ્રેક્ટર અડી જતા થયેલી બબાલમાં એકની હત્યા થઇ હતી, જ્યારે 10 જેટલા લોકોને ઇજાઓ પહોંચી હતી. આ મામલે બંને પક્ષે સામસામે 50થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી. રાત્રે ગામમાં ધિંગાણુ સર્જાતા પોલીસના ધાડેધાડા ઉતારવામાં આવ્યા હતા. આ હિંસક જૂથ અથડામણના ગંભીર પડઘા હવે સુરતમાં પડ્યા છે. આ મામલે આજે બંને પક્ષે સામસામે 50થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. 5 નવેમ્બરની રાત્રે ગામમાં ધિંગાણુ સર્જાતા પોલીસના ધાડેધાડા ઉતારવામાં આવ્યા હતા. જોકે, હાલ ગામમાં શાંતિનો માહોલ હોવાનું DySPએ જણાવ્યું છે.
ફૂલઝરમાં પાટીદારો પર અસામાજિક તત્વોએ કરાયેલા હિંસક હુમલો અને ત્યારબાદ ખોટી રીતે કેસ કરાયાના આરોપોને લઈને સુરતના પાટીદારો મેદાને આવ્યા છે અને તેમણે એક વિશાળ અને મહત્ત્વપૂર્ણ બેઠક પણ કરી હતી. આ બેઠકમાં સુરતમાં પાટીદાર સમાજના આગેવાનો, યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. આ બેઠકમાં વિજય માંગુકિયા, અભિન કળથીયા, અલ્પેશ કથીરીયા સહિત અનેક અગ્રણી પાટીદાર યુવાનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સમાજમાં ફૂલઝરની ઘટનાને લઈને ભારે રોષ અને ન્યાયની માગ ઊભી થઈ છે. તો આ બેઠકમાં પાટીદારો સામે લાગેલી 307ની કલમ હટાવવામાં નહીં આવે તો સુરતથી ફુલજર જવાની પણ તૈયારીઓ કરવામાં આવી છે.

પાટીદાર સમાજના આગેવાનોના આક્ષેપ મુજબ, ફૂલઝર ગામમાં કાઠી દરબારના યુવાનો અને પાટીદાર યુવાનો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. આ દરમિયાન હથિયારો સાથે કાઠી દરબારો દ્વારા પાટીદારો પર હિચકારો હુમલો કરાયોનો આક્ષેપ છે. સૌથી ગંભીર બાબત એ છે કે, જ્યારે પાટીદારો ગામના ચોકમાં ઊભા હતા, ત્યારે હુમલાખોરો દ્વારા તેમના પર ગાડી ચડાવી દેવામાં આવી હતી. આ ગંભીર હુમલામાં 7 જેટલા પાટીદારો ઈજાગ્રસ્ત થયા હતા અને બહાર ગામથી આવેલા એક કાઠી દરબારનું મોત થઈ ગયું હતું, જેનાથી ગામમાં માહોલ ગરમાઈ ગયો હતો.
સુરતમાં એકઠા થયેલા પાટીદાર સમાજનો આરોપ છે કે, આ ઘટનામાં ખોટી રીતે પાટીદારો સામે કેસ કરાયા છે. આ ઘટનામાં 29 જેટલા પાટીદાર લોકો પર નામજોગ અને અન્ય 50 સામે ફરિયાદ નોંધાઈ છે. સાથે તેમણે દાવો કર્યો છે કે, ફરિયાદમાં એવા યુવકોના નામ લખાયા છે જે ઘટના સમયે ત્યાં હાજર નહોતા. એક યુવકનું તો સુરતની હોસ્પિટલમાં ઓપરેશન ચાલી રહ્યું હતું અને અન્ય એક યુવક તેના લગ્ન પ્રસંગમાં હાજર હતો. સમાજે એવો પણ આરોપ લગાવ્યો છે કે, તેમની પાસે CCTVના પુરાવા હોવા છતા પોલીસ દ્વારા આ પુરાવાઓને અવગણીને ખોટી રીતે ફરિયાદ નોંધવામાં આવી છે.
રઘુ ગોકુળભાઇ પદમાણીએ 6 લોકો સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું થે કે, દેવગર શિવગિરી ગૌસ્વામીના દીકરા જયેન્દ્રના લગ્નના ફુલેકામાં ગામના હરદીપ દેવકુભાઇ વાળા અને તેમના સગા ઘોડી લઇને આવ્યા હતા. જે દરમિયાન રોડ ઉપર ફરિયાદીનો પુત્ર સાગર ટ્રેક્ટર લઇને પસાર થતાં ઘોડીને ટ્રેક્ટરનું ટાયર થોડુ અડી ગયું હતું. જેથી હરદીપ વાળાએ સાગરને ગાળો આપવાનું શરૂ કર્યું હતું અને બાદમાં લાફા માર્યા હતા. આ બાદ ટ્રેક્ટર ચાલક સાગરના સગા-સંબંધી હરદીપ વાળાના ઘરે ઠપકો આપવા જતા હતા. જે દરમિયાન રસ્તામાં માણસુર કથુભાઇ વાળા ક્રેટા કાર પુરઝડપે ચલાવીને આવ્યા હતા. જેમાં મનસુખ ભીખાભાઇ રાદડિયા અને મહેન્દ્ર મુળજીભાઇ ગજેરા કારની અડફેટે આવી ગયા હતા.
માણસુર કથુભાઇ વાળા ક્રેટાએ બે લોકોને ફંગોળતા બંને લોહિલુહાણ હાલતમાં થઇ ગયા હતા. આ દરમિયાન પાછળથી મોટા દેવળિયા ગામના મહેન્દ્ર ભાણાભાઇ વાળા બાઇક લઇને આવતા હતા તેને પણ ક્રેટાએ ટક્કર મારતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને મહેન્દ્રભાઇ વાળાનું સારવાર દરમિયાન મોત થયું હતું. આમ ક્રેટા ચાલક ત્રણ જેટલા લોકોને ફંગોળીને ફરાર થઇ ગયો હતો. જે બાદ તેમના સગા-સંબંધીઓ એકત્ર થઇને ગેરકાયદેસર મંડળી રચીને ધારદાર હથિયારો સાથે ફરિયાદી રઘુ પદમાણી સહિત તેમની સાથે રહેલા ખોડા જેરામ પદમાણી, અતુલ ખોડાભાઇ પદમાણી, જયસુખ કુવરજીભાઇ અને સંજ્ય ખોડાભાઇને આડેધડ માથાના ભાગે માર મારીને ગંભીર ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બાબરા પોલીસ મથકમાં સામા પક્ષે હરદીપ દેવકુભાઇ વાળાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ગામના જયેન્દ્ર ગૌસ્વામીના લગ્નમાં પોતે ઘોડી લઇને ગયા હતા. જેમાં ફુલેકા દરમિયાન સાગર પદમાણી ટ્રેકટર લઇને નીકળ્યો હતો. જેણે ઘોડી સાથે પોતાનું ટ્રેક્ટર અથડાવ્યું હતું. જેથી તેમણે ટ્રેક્ટર ધીમુ ચલાવવા માટે ઠપકો આપ્યો હતો. જેનું મનદુ:ખ રાખીને 29 જેટલા અન્ય લોકો સાથે 50 લોકોનું ટોળુ ધસી આવ્યું હતું અને લોખંડની પાઇપ-ધારિયા જેવા ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. આરોપી જયસુખ કુવરજીભાઇ સાકરિયાએ લોખંડની પાઇપથી તેમને માથામાં માર માર્યો હતો. તેમજ તેમના પિતાને પણ મારમાર્યો હતો. આ ઉપરાંત આરોપી જેરામ પદમાણીએ લોખંડની પાઇર મારી કુલદીપભાઇના હાથે ઇજાઓ પહોંચાડી હતી. આ ઉપરાંત આરોપીઓએ આડેધડ મારમારીને દેવકુભાઇ અને નાગરાજભાઇને હાથમાં ફ્રેક્ચર કર્યું હતું. આમ આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરૂ રચીને જીવલેણ હુમલો કર્યો હતો.
પાટીદાર સમાજ ન્યાયની માગ સાથે સુરતમાં એકત્રિત થયો અને નિર્ણય લેવાયો છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે. ન્યાય મેળવવા માટે આંદોલનના ભાગરૂપે સુરતથી પાટીદારો રેલીરૂપે ફૂલઝર ગામ સુધી જશે અને ન્યાયની માગણી કરશે. આ બેઠકમાં પાટીદારો સામે લાગેલી 307ની કલમ નહીં દૂર કરવામાં આવે તો સુરતથી ફુલજર જવાની પણ તૈયારીઓ કરી લીધી છે. સમાજે પોલીસ અને તંત્રને વિનંતી કરી છે કે, પુરાવાઓના આધારે નિષ્પક્ષ તપાસ કરીને ખોટી રીતે ફસાયેલા નિર્દોષ પાટીદારોના નામ ફરિયાદમાંથી દૂર કરવામાં આવે. સાથે સરકારને ચીમકી આપી છે કે, જો આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આ આંદોલન વધુ ઉગ્ર બનશે.
કાઠી દરબારના મોતનો આરોપ પાટીદારો પર લગાવીને કાઠી દરબારના આગેવાનોએ પાટીદારો પર વળતો હુમલો કર્યાનો આક્ષેપ છે. પરંતુ, સુરતમાં એકઠા થયેલા પાટીદાર સમાજનો મુખ્ય આક્ષેપ એ છે કે, આ ઘટનામાં ખોટી રીતે પાટીદારો સામે કેસ કરાયા છે. આ ઘટનામાં 29 જેટલા પાટીદાર લોકો પર નામજોગ અને અન્ય 50 સામે ફરિયાદ નોંધાઈ છે. સાથે તેમણે દાવો કર્યો છે કે, ફરિયાદમાં એવા યુવકોના નામ લખાયા છે જે ઘટના સમયે ત્યાં હાજર નહોતા. એક યુવકનું તો સુરતની હોસ્પિટલમાં ઓપરેશન ચાલી રહ્યું હતું અને અન્ય એક યુવક તેના લગ્ન પ્રસંગમાં હાજર હતો. સમાજે એવો પણ આરોપ લગાવ્યો છે કે, તેમની પાસે CCTVના પુરાવા હોવા છતાં પોલીસ દ્વારા આ પુરાવાઓને અવગણીને ખોટી રીતે ફરિયાદ નોંધવામાં આવી છે.

આ અંગે પાટીદાર આગેવાન વિજય માંગુકીયાએ જણાવ્યું કે, અમરેલી જિલ્લાના બાબરાના ફૂલઝર ગામમાં સરપંચની ચૂંટણીમાં હાર થઈ અને હાર સહન ન થતા અનિષ્ટ પ્રવૃત્તિ કરતા શખ્સે દિવાળી વેકેશન કરવા માટે ગયેલા પાટીદાર યુવાનો ગામમાં ઉભા હતા ત્યારે ફોર વ્હીલ ચઢાવી દઈ 7ને ઈજા પહોંચાડી હતી. સાથે સાથે નિર્દોષ વટેમાર્ગુ એવા એક કાઠી દરબાર પર ગાડી ચઢાવી હત્યા કરી છે.આ ઘટના CCTV કેદ થઈ છે અને તેના આધારે જો ફરિયાદ દાખલ કરી હોય તો પાટીદાર યુવાનો નિર્દોષ સાબિત થાય છે.
આ બેઠકમાં સામેલ થયેલા અલ્પેશ કથિરીયા સંબોધન કરતા કહ્યું કે, પરિસ્થિતિ સુધારવા માટે ખાલી દિવાળીથી દિવાળી ગામ જઈએ ન ચાલે. મહિના-બે મહિને આપણે ગામની કમિટીની રચના કરવી પડશે. કોઈ સંગઠન-બંગઠનની જરૂર નથી. તમારા ગામનું પોતાનું સંગઠન, મારા ગામનું મારું સંગઠન. આમાં કોઈ બીજા સંગઠનની જરૂર નથી. તમારા ગામનું સંગઠન તમારે જ ચલાવવાનું છે. દર મહિને 10-10 યુવાનોએ ગામડે જવાનું, સમગ્ર ગુજરાતના 18,000 ગામડાં છે, એમાં સૌરાષ્ટ્રના 10,000થી વધુ ગામ છે. એમાંથી 200-500 ગામને બાદ કરો તો બધે આવી જ પરિસ્થિતિ છે.
આજે મીટિંગ કરીને કાલે પ્રશ્નોનો નિકાલ થઈ જશે, એવું નથી. દરેક મોરચે આગળ આવવાનું છે. આ કોઈ રાજકારણનો વિષય નથી, કોઈ પાર્ટીનો વિષય નથી. પક્ષ કોઈ પણ હોય, પણ આપણો માણસ હોવું જોઈએ. હજુ પરિસ્થિતિ બગડશે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી આવશે. અત્યાર સુધીના 75 વર્ષની ચૂંટણીમાં, આ ચૂંટણી આખી અલગ હશે. આ વખતે 27% રિઝર્વેશન સાથે ચૂંટણી પહેલીવાર લડાવવાની છે.
આમાં ક્યારે કોની ઘરે ક્યાં આફત આવે ને કોના ડેલે ક્યાં કોનું હથિયાર ઊભું થાય નક્કી રહેતું નથી. જેમ તમે એમ કહો છો કે આનું આમ થઈ ગયું અને આપણે એટલી મહેનત કરીને તોય આ છૂટી ગયો, એમ આપણેય છૂટી જઈએ. એકવાર ઘા કરી લેવાનો, ઈ છૂટે એમ આપણે છૂટી જઈએ, એમાં કંઈ નવું નથી હોતું.
અલ્પેશ કથીરીયાએ વધુમાં કહ્યું કે, આટલું મોટું ગામ અને આજે તો સલડી ગામની અંદર રાત્રે લાખોનો વેપાર થાય છે. આખી સ્ટ્રીટ ઊભી થઈ છે જેમ આપણે ભાગળમાં સ્ટ્રીટ ઊભી થઈ રાંદેર બજારમાં સવાર સુધી શરૂ હોય એવી સલડીમાં આખી સ્ટ્રીટ ઊભી થઈ છે, રોડ ઉપર કે બેય બાજુ ખાણી-પીણી સવાર સુધી ચાલે. આજુબાજુના 50-70 ગામના લોકો ત્યાં ખાવા પીવા-આવે રાત્રે આવે છે અને આખું ભક્તિમય ગામ, એકતા એની એકતા પહેલેથી હતી. ખાલી ભૂલ એટલી થઈ કે તૈયાર ન રહ્યા, ભૂલ કરી ગયા એટલે મારી આપ સૌને વિનંતી છે કે તૈયાર રહેવું.
અમારા ગામમાં આવીને પોલીસ લઈ જાય છે. 70 કે 150 જેટલી પોલીસ ફોર્સ તમારા ગામની અંદર આવી. એમાંથી આપણા કેટલા? એમાંથી 1 કે 5 નીકળે. તો તમારે સિસ્ટમમાં પણ ભાગીદારી બનાવવી પડશે અને સત્તામાં પણ ભાગીદારી બનાવવી પડશે. માત્ર સત્તામાં ભાગીદારી હશે તો સિસ્ટમ નહીં ચાલે. સિસ્ટમમાં ભાગીદારી હશે તો સત્તા નહીં ચાલે. આપણે 2 મોરચે આગળ વધવાનું છે.

