
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝન માટે મિની ઓક્શન 15 ડિસેમ્બરે થવાની સંભાવના છે. ઓક્શન અગાઉ બધી 10 ટીમો એ15 નવેમ્બર સુધીમાં તેમની રીટેન્શન લિસ્ટ સોંપવાની છે. આ વચ્ચે સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને લઈને ચર્ચા વધી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) IPL 2026 અગાઉ રવિન્દ્ર જાડેજા સાથે-સાથે સેમ કરનને રાજસ્થાન રોયલ્સ (RR)ના કેપ્ટન સંજુ સેમસનને બદલે ટ્રેડ કરી શકે છે.
CSK અને RR વચ્ચે સંભવિત ટ્રેડ ડીલની ચર્ચા ચાલુ છે. આ દરમિયાન રવિન્દ્ર જાડેજાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સોમવારે અચાનક ગાયબ થઈ ગયું, જેના કારણે સોશિયલ મીડિયા પર અટકળો શરૂ થઈ ગઈ છે. જાડેજાનું સત્તાવાર યુઝરનેમ ‘royalnavghan’ છે, જે હવે ઇન્સ્ટાગ્રામ પર દેખાતું નથી.

રવિન્દ્ર જાડેજાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરની પ્રોફાઇલ લિંક પણ બ્રોકન દેખાય છે. જો કે, તે સ્પષ્ટ નથી કે જાડેજાએ પોતાનું એકાઉન્ટ પોતે ડિએક્ટિવેટ કર્યું છે કે કોઈ અન્ય ટેકનિકલ કારણ છે, તેની IPL કારકિર્દીને લઈને સવાલ ઉભા થયા છે. રસપ્રદ વાત એ છે કે, રવિન્દ્ર જાડેજાની પહેલી IPL ટીમ રાજસ્થાન રૉયલ્સ રહી છે.
રવીન્દ્ર જાડેજા 2008માં માત્ર 19 વર્ષની ઉંમરે રાજસ્થાન રોયલ્સ માટે રમ્યો હતો. રાજસ્થાને પહેલી સીઝનમાં પોતાની પહેલી ટ્રોફી જીતી હતી. ત્યારથી ટીમ એક પણ ટ્રોફી જીતી શકી નથી. 2010માં કરારના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ જાડેજાને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જાડેજા 2012માં ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયો હતો.

ચેન્નાઈ સુપર કિંગ્સે અત્યાર સુધી 5 IPL ટ્રોફી જીતી છે, તેમાંથી 3માં રવિન્દ્ર જાડેજાએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વર્ષ 2022માં તેને ટીમની કેપ્ટન્સી પણ સોંપવામાં આવી હતી, પરંતુ નબળા પ્રદર્શનને કારણે તેણે સીઝનની મધ્યમાં આ ભૂમિકા છોડી દીધી હતી. ડાબા હાથના ઓલરાઉન્ડર જાડેજાને IPL 2025 માટે CSKએ 18 કરોડ રૂપિયામાં રિટેઇન કરવામાં આવ્યો હતો.
36 વર્ષીય રવિન્દ્ર જાડેજાએ અત્યાર સુધીમાં 254 IPL મેચ રમી છે, જેમાં 3250 રન બનાવ્યા છે અને 170 વિકેટ લીધી છે. તે CSKનો બીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર (152) છે. CSK માટે સૌથી વધુ 154 વિકેટ ડ્વેન બ્રાવોના નામે છે. 2023ની IPL ફાઇનલમાં, જાડેજાએ અંતિમ ઓવરમાં બેટિંગથી શાનદાર પ્રદર્શન કરતા પોતાની ટીમને જીત અપાવી હતી.

