fbpx

મહિલા અનામત પર સુપ્રીમ કોર્ટ કડક, કેન્દ્રને પૂછ્યું- ક્યારે 33% અનામત લાગૂ થશે? સરકાર પાસે ટાઇમલાઇન પણ માગી

Spread the love

મહિલા અનામત પર સુપ્રીમ કોર્ટ કડક, કેન્દ્રને પૂછ્યું- ક્યારે 33% અનામત લાગૂ થશે? સરકાર પાસે ટાઇમલાઇન પણ માગી

લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓને 33% અનામત આપનારા નારી શક્તિ વંદન અધિનિયમને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો છે. કોર્ટે કહ્યું કે, સરકારે મહિલા અનામત કાયદાના અમલીકરણ માટે ટાઈમલાઇન શું હશે એ બતાવવું જોઈએ. કોર્ટે એમ પણ પૂછ્યું કે, જ્યારે સંસદે પહેલાથી જ કાયદો પસાર કરી દીધો છે તો તેના અમલીકરણમાં વિલંબ કેમ થઈ રહ્યો છે?

કોંગ્રેસ નેતા જયા ઠાકુર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં માગ કરવામાં આવી હતી કે મહિલા અનામત તાત્કાલિક લાગૂ કરવામાં આવે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, કાયદામાં જે સીમાંકન બાદ લાગૂ કરવા માટે શરત રાખવામા આવી છે તેને દૂર કરવામાં આવે અને અનામત તાત્કાલિક લાગૂ કરવામાં આવે.

સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ શોભા ગુપ્તાએ કહ્યું કે, ‘જો આ કાયદો નારી શક્તિ વંદન અધિનિયમના નામે પસાર થયો છે, તો તેના અમલીકરણમાં વિલંબ કેમ? આ દુઃખદ છે કે આઝાદીના 75 વર્ષ બાદપણ આપણે સંસદમાં પ્રતિનિધિત્વ માટે અનામતની માગણી કરી રહ્યા છીએ. જ્યારે SC-ST માટે અનામત વિના અથવા સીમાંકન વિના અનામત લાગૂ કરી શકાય છે, તો મહિલાઓ માટે કેમ નહીં? તેમણે એમ પણ કહ્યું કે સંસદે આ કાયદો સ્પેશિયલ સેશનમાં પસાર કર્યો હતો, એટલે કે સરકાર પાસે પહેલાથી જ જરૂરી ડેટા ઉપલબ્ધ હતો.

SC

ન્યાયાધીશ જે. નાગરત્નાએ કહ્યું કે, મહિલાઓ દેશની સૌથી મોટી લઘુમતી છે. તેમણે કેન્દ્ર સરકારને પૂછ્યું કે સીમાંકન પ્રક્રિયા ક્યારે શરૂ થશે? સુપ્રીમ કોર્ટે જવાબ આપ્યો કે કાયદાનો અમલ કરવો સરકાર અને કાર્યપાલિકાની જવાબદારી છે, પરંતુ કોર્ટ એ જરૂર પૂછી શકે છે તેને લાગૂ કરવા માટે ટાઈમલાઇન શું છે. સુપ્રીમ કોર્ટે હવે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારતા નિર્દેશ જાહેર કર્યા છે, તેઓ બતાવે કે વસ્તી ગણતરી અને સીમાંકનની પ્રક્રિયા ક્યારે શરૂ થશે અને મહિલા અનામત ક્યારે લાગૂ કરવામાં આવશે?

error: Content is protected !!