
મધ્ય પ્રદેશના શહડોલ જિલ્લામાં પ્રશાસનિક બેદરકારીનો એક મોટો મામલો સામે આવ્યો છે. એક ખેડૂતના પુત્રને રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ ખોટી રીતે જેલમાં રાખવામા આવ્યો હતો. પિતાએ પોતાના પુત્ર માટે કાનૂની લડાઈ લડવા માટે લોન લેવી પડી. આટલું જ નહીં આ દરમિયાન તે વ્યક્તિની ગર્ભવતી પત્નીને પણ માનસિક તણાવનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે મામલો મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં પહોંચ્યો અને પ્રશાસનિક બેદરકારી સામે આવી ત્યારે કોર્ટે શહડોલ કલેક્ટર પર 2 લાખનો દંડ ફટકાર્યો.
મીડિયા અહેવાલો અનુસાર, ખેડૂત હીરામણી બૈસે હાઈકોર્ટને જણાવ્યું હતું કે તેના પુત્ર સુશાંત બૈસને NSA હેઠળ એક વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. અરજીમાં તેણે જણાવ્યું હતું કે શહડોલ પોલીસ અધિક્ષક (SP)એ 6 સપ્ટેમ્બર 2024ના રોજ નીરજકાંત દ્વિવેદી નામના વ્યક્તિ વિરુદ્ધ NSA કાર્યવાહી માટે એક અહેવાલ રજૂ કર્યો હતો. 9 સપ્ટેમ્બરના રોજ કલેક્ટરે NSAનો આદેશ પસાર કર્યો. જોકે, સરકારી આદેશમાં નીરજકાંત દ્વિવેદીની જગ્યાએ સુશાંત બૈસનું નામ નોંધાઈ ગયું. જેના કારણે તેને એક વર્ષ જેલમાં રહેવું પડ્યું.

હાઈકોર્ટે આ કેસની સુનાવણી કરી. કોર્ટે શહડોલ કલેક્ટર કેદાર સિંહને અવમાનના નોટિસ ફટકારી. સુનાવણી દરમિયાન અધિકારીઓએ સ્વીકાર્યું કે તે ટાઇપિંગ એરર હતી. રાજ્ય સરકારના ગૃહ વિભાગે પણ એક સોગંદનામું દાખલ કર્યું જેમાં કહેવામાં આવ્યું હતું કે આદેશમાં નામ ભૂલથી બદલાઈ ગયું હતું અને એક ક્લાર્ક પાસે જવાબ માગવામાં આવ્યો છે. ત્યારબાદ કોર્ટે કલેક્ટર પર 2 લાખનો દંડ ફટકાર્યો, તેમને દંડ પોતાના ખિસ્સામાંથી ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ રકમ સુશાંતના ખાતામાં જમા કરવામાં આવશે. કોર્ટે કલેક્ટરને આ મહિને આગામી સુનાવણીમાં રૂબરૂ હાજર રહેવાનો આદેશ આપ્યો છે.
પીડિત આ વર્ષે સપ્ટેમ્બરમાં જેલમાંથી મુક્ત થઈને શહડોલ જિલ્લાના તેના ગામ સમન પાછો જતો રહ્યો. તેણે જણાવ્યું કે તેની પાસે કેસ લડવા માટે પૈસા નહોતા, એટલે તેને એક વર્ષથી વધુ સમય જેલમાં વિતાવવા પડ્યો. તેના પિતાએ વકીલોની ફી ચૂકવવા માટે આમ-તેમથી 2 લાખ રૂપિયા ઉધાર લીધા હતા.

સુશાંતે જણાવ્યું કે તેના લગ્ન ગયા વર્ષે ફેબ્રુઆરીમાં થયા હતા. જ્યારે તે જેલમાં ગયો ત્યારે તેની પત્ની ગર્ભવતી હતી. માર્ચમાં તેણે એક પુત્રીને જન્મ આપ્યો, પરંતુ તે આ સમય દરમિયાન તે પોતાની પત્ની સાથે નહોતો. આ સમગ્ર ઘટનાને કારણે તેની પત્નીને ભારે માનસિક તણાવ ઝીલવો પડ્યો. તેણે એમ પણ કહ્યું કે, તે પિતા સાથે ખેતી કરવા મજબૂર છે, કારણ કે NSA લાગવાને કારણે તેણે નોકરી મળવાની સંભાવના ખતમ થઈ ચૂકી છે.
મધ્ય પ્રદેશના પૂર્વ DGP એસ.સી. ત્રિપાઠીએ આ ઘટનાને પ્રશાસનિક બેદરકારી ગણાવી. તેમણે કહ્યું કે 2 લાખ રૂપિયાનો દંડ પરિવારના દુ:ખની ભરપાઈ નહીં કરી શકે. માનવ અધિકાર આયોગના પૂર્વ સભ્યએ એમ પણ કહ્યું કે, સુશાંત એક વર્ષ જેલમાં રહ્યો હતો. 2 લાખ રૂપિયા આવા નુકસાનની ભરપાઈ કરી શકતા નથી. તેમણે સૂચન આપ્યું કે પરિવાર રાષ્ટ્રીય અથવા રાજ્ય માનવ અધિકાર આયોગમાં વળતર માટે અપીલ કરવી જોઈએ.

