
અબજપતિ રોકાણકાર બૈરી સ્ટર્નલીકચએ ચેતવણી આપી છે કે, જો મેયર ઝોહરાન મમદાનીની નીતિઓ ચાલુ રહેશે, તો ન્યુ યોર્ક શહેર ‘મુંબઈ’ જેવું બની જશે. એટલું જ નહીં, તેમણે મેયર મમદાની પર વ્યવસાય વિરોધી નીતિઓ અપનાવવાનો આરોપ પણ મૂક્યો છે. તેમનું કહેવું છે કે, ઝોહરાન મમદાનીની વ્યવસાય વિરોધી નીતિઓ રોકાણકારો અને જનતા વચ્ચેનું અંતર વધારી શકે છે.
એક TV ચેનલ સાથેની મુલાકાતમાં, સ્ટારવુડ કેપિટલ ગ્રુપના ચેરમેને જણાવ્યું હતું કે, શહેરમાં બાંધકામ ખર્ચ ખૂબ જ વધી ગયો છે, અને યુનિયન વર્ચસ્વ અને ડાબેરીની હાઉસિંગ નીતિઓ વિકાસને લગભગ અશક્ય બનાવી રહી છે. ન્યૂ યોર્કમાં 10 કરોડ ડૉલરથી વધુના દરેક પ્રોજેક્ટનું યુનિયનાઇઝેશન થવું જોઈએ. આ ખુબ મોંઘુ છે અને તે ખર્ચમાં ઘણો એવો વધારો કરે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ એક મુખ્ય કારણ છે કે અમેરિકાના ‘બ્લુ સ્ટેટ્સ’ (જેમ કે ન્યુ યોર્ક, કેલિફોર્નિયા, વગેરે, જ્યાં ડેમોક્રેટિક પાર્ટીની સરકારો સામાન્ય રીતે કાર્યરત હોય છે)માં રહેવું ખૂબ ખર્ચાળ છે. ત્યાં નવા ઘરો અથવા એપાર્ટમેન્ટ બનાવવા ખૂબ મુશ્કેલ છે. પછી, જ્યારે કેટલાક ડાબેરીઓ કહેવા લાગે છે કે ભાડૂઆતોએ ભાડું ચૂકવવું જ ન જોઈએ, ત્યારે પરિસ્થિતિ વધુ ખરાબ થાય છે. આવી સ્થિતિમાં, ન્યૂ યોર્ક જેવું મોટું અને શ્રીમંત શહેર પણ મુંબઈ જેવા ઝૂંપડપટ્ટીવાળા શહેરમાં ફેરવાઈ શકે છે.
તેમણે સમજાવ્યું કે, તેમની કંપની હવે શહેરમાં ‘સફળતા થી નફરત’ અને વિકાસકર્તાઓ પ્રત્યે દુશ્મનાવટના વધતા વાતાવરણને કારણે તેની ઓફિસ ન્યૂ યોર્કની બહાર ખસેડવાનું વિચારી રહી છે. તેમણે મામદાનીની ભાડા-સ્થિરીકરણ નીતિ પર પ્રશ્ન ઉઠાવ્યો, અને કહ્યું કે વાસ્તવિક સમસ્યા ભાડા નિયંત્રણ નહીં, પરંતુ રહેઠાણ પુરવઠાનો અભાવ છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, મામદાની મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન જ નથી આપતા.

તેમણે કહ્યું કે રહેવા માટે મકાનો વધારવાની જરૂર છે. આ સરળતાથી નહીં થાય. જો સરકાર ઇચ્છે છે કે આપણે યુનિયનો સાથે કામ કરીએ, તો તમારે ગંભીર સરકારી સબસિડીની જરૂર પડશે. બૈરી સ્ટર્નલીકચએ જાહેર સલામતી અંગે પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે ચેતવણી આપી હતી કે, પોલીસિંગ પર મમદાનીના પ્રગતિશીલ વલણથી પરિવારો શહેર છોડીને જઈ શકે છે.

પરંતુ બૈરી સ્ટર્નલીકચ માને છે કે, ન્યૂ યોર્ક આખરે સુધરશે. જો કે, નજીકના ભવિષ્યમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. તેમણે મામદાની પર સફળ લોકો પર સજા આપવાનો અને સમાજવાદ થોપવાનો આરોપ પણ મૂક્યો હતો.

