
મણિપુરમાં દર વર્ષે થનારા સંગાઈ મહોત્સવને રાજ્યની સૌથી મોટી સાંસ્કૃતિક ઓળખ માનવામાં આવે છે. 21-30 નવેમ્બર સુધી ચાલનાર આ 10 દિવસનો ઉત્સવ મણિપુરની પરંપરાઓ, લોક કલા, નૃત્ય, સંગીત, રમતગમત અને ખાન-પાનનું દુનિયા સામે પ્રદર્શન કરે છે. તેનું નામ દુર્લભ સિંગવાળા હરણના નામ પર રાખવામાં આવ્યું છે. આટલું જ નહીં આ હરણ રાજ્યનું પ્રતિક પણ છે. પરંતુ આ વખતે મુદ્દો ફક્ત ઉત્સવનો જ નથી, પરંતુ એ માહોલનો પણ છે, જેમાં તેને આયોજિત કરવામાં આવી રહ્યો છે. આ જ કારણે ઘણા લોકો તેને અસંવેદનશીલ ગણાવીને વિરોધ કરવાની તૈયારી કરી રહ્યા છે.
સંગાઈ મહોત્સવ 2010માં શરૂ થયો હતો અને ધીમે-ધીમે મણિપુરની સાંસ્કૃતિક ઓળખનું મુખ્ય પ્રતિક બની ગયો છે. અહીં જનારા લોકો લોકનૃત્ય, હસ્તકલા, હાથવણાટ, સ્થાનિક ભોજન, પરંપરાગત રમતો અને મૈતેઈ માર્શલ આર્ટ્સ સહિત વિવિધ પ્રકારની અનોખી કળાઓ અને પરંપરાઓને એક જ જગ્યાએ જોવાની તક મળે છે. આ ઉત્સવમાં વિશ્વભરના પ્રવાસીઓ ઉમટી પડે છે, જે ફક્ત મણિપુરના વારસાને જ પ્રદર્શિત કરતું નથી, પરંતુ સ્થાનિક કલાકારો, કારીગરો અને કારોબારીઓને પણ મોટું પ્લેટફોર્મ પણ પૂરું પાડે છે.

એવામાં બે વર્ષની હિંસા અને તણાવ બાદ આ ઉત્સવ પાછો ફરી રહ્યો છે. તો સરકાર તેને સામાન્યતા તરફના પગલા તરીકે ગણાવી રહી છે, પરંતુ જમીની વાસ્તવિકતાઓ બતાવે છે કે ઘણા પડકારો અત્યારે પણ બાકી છે.
PTI અનુસાર, ઇમ્ફાલ ખીણમાં રાહત શિબિરોમાં રહેતા આંતરિક રીતે વિસ્થાપિત લોકો 20 નવેમ્બરના રોજ સરકારના નિર્ણયનો વિરોધ કરવાની તૈયારી કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે જ્યારે હજારો પરિવારો હજુ પણ અસ્થાયી શિબિરોમાં રહે છે, તો સરકારે ભવ્ય કાર્યક્રમો પર નહીં, પરંતુ પુનર્વસન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
એવામાં, મૈતેઈ લોકોની સુરક્ષા સમિતિના ઉપપ્રમુખ રાજેન્દ્ર સિંહે સ્પષ્ટ જણાવ્યું હતું કે, ‘આ ઉત્સવ 2 વર્ષ બાદ યોજાઈ રહ્યો છે, પરંતુ તે પહેલાં વિસ્થાપિત લોકોને તેમના ઘરની વાપસી સુનિશ્ચિત હોવી જોઇએ. અમને ભરોસો આપવામાં આવ્યો હતો કે ડિસેમ્બર પહેલા પુનર્વસન પૂર્ણ થશે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી દેખાતી નથી. એવામાં રાજેન્દ્રનું કહેવું છે કે, ‘શું આવા સંજોગોમાં ઉજવણી કરવી જરૂરી છે? આ જ કારણ છે કે સમગ્ર ઘટના વિવાદના કેન્દ્રમાં આવી રહી છે.

2023ની હિંસા બાદ 2 વર્ષ સુધી સંગાઈ ઉત્સવનું આયોજન થયું નહોતું. હવે જ્યારે તે ફરી શરૂ થઈ રહ્યો છે, ત્યારે હાપ્તા કાંગજેઈબુંગ ખાતે તૈયારીઓ તેજીથી ચાલી રહી છે અને સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. જો કે, પરિસ્થિતિ પૂરી રીતે સામાન્ય નથી. ઘણા વિસ્થાપિત લોકો હજુ પણ પોતાના ઘરે પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે અને ઘણા વિસ્તારોમાં હાઇવે ટ્રાફિક સમસ્યારૂપ રહે છે. આ જ કારણે વિરોધના અવાજો સતત વધી રહ્યા છે. લોકોનું કહેવું છે કે જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ન થાય અને પ્રભાવિત પરિવારો સુરક્ષિત રીતે ઘરે પાછા ન ફરે ત્યાં સુધી આવા મોટા આયોજનો પર પર સવાલ ઉઠાવવા સ્વાભાવિક છે.

