fbpx

ટેસ્ટની પરંપરા વિરુદ્ધ ગુવાહાટીમાં ભારત-દક્ષિણ આફ્રિકાની ટીમને પહેલાં ટી બ્રેક અને પછી લંચનો વિરામ મળશે!

Spread the love

ટેસ્ટની પરંપરા વિરુદ્ધ ગુવાહાટીમાં ભારત-દક્ષિણ આફ્રિકાની ટીમને પહેલાં ટી બ્રેક અને પછી લંચનો વિરામ મળશે!

કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે 30 રનથી હારી ગઈ. ભારતીય ટીમને જીતવા માટે 124 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, પરંતુ શુભમન ગિલ ટીમ ફક્ત 93 રનમાં જ સમેટાઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકાએ 15 વર્ષ પછી ભારતમાં ટેસ્ટ મેચ જીતી. આ જીતથી દક્ષિણ આફ્રિકાની ટીમને ટેસ્ટ શ્રેણીમાં 1-0ની લીડ મળી. હવે, ભારતીય ટીમે શ્રેણી બરાબર કરવા માટે બીજી અને અંતિમ ટેસ્ટ મેચ કોઈપણ કિંમતે જીતવી પડશે.

ભારત-દક્ષિણ આફ્રિકા ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચ 22 નવેમ્બર, શનિવારના રોજ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાનારી છે. આ મેચનો સમય તમને બદલાયેલો દેખાશે. કોલકાતા ટેસ્ટ મેચ ભારતીય સમય મુજબ સવારે 9:30 વાગ્યે શરૂ થયો હતો, પરંતુ આ મેચનો પ્રારંભ સમય ભારતીય સમય મુજબ સવારે 9:00 વાગ્યે નક્કી કરવામાં આવ્યો છે. ભારતમાં ટેસ્ટ મેચ સામાન્ય રીતે સવારે 9:30 વાગ્યે શરૂ થાય છે, પરંતુ ઉત્તરપૂર્વ ભારતમાં વહેલા સૂર્યોદય અને સૂર્યાસ્તને કારણે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ સમયમાં મોટો ફેરફાર કર્યો છે.

Guwahati Test

22 નવેમ્બરના રોજ, ગુવાહાટીમાં સવારે 8:30 વાગ્યે ટોસ થશે, અને પ્રથમ બોલ સવારે 9 વાગ્યે ફેંકવામાં આવશે. પાંચેય દિવસનો પહેલો સત્ર સવારે 9 થી 11 વાગ્યા સુધીનો રહેશે, ત્યારપછી 20 મિનિટનો ચાનો વિરામ હશે. બીજો સત્ર સવારે 11:20થી 1:20 વાગ્યા સુધીનો રહેશે. બીજા સત્રના અંત પછી, 40 મિનિટનો લંચ બ્રેક નક્કી કરવામાં આવ્યો છે. ત્યારપછી અંતિમ સત્ર બપોરે 2 થી 4 વાગ્યા સુધીનો રહેશે. જો નિર્ધારિત સમયમાં સંપૂર્ણ ઓવર પૂર્ણ ન થાય, તો રમત અડધો કલાક લંબાવવામાં પણ આવશે, એટલે કે મેચ સાંજે 4:30 વાગ્યા સુધી પણ ચાલી શકે એમ છે.

કદાચ આ પહેલી વાર હશે, જ્યારે દિવસની ટેસ્ટમાં ચાનો વિરામ પહેલા અને પછી લંચ બ્રેક લેવામાં આવશે. આનો અર્થ એ થયો કે, લાંબા સમયથી ચાલતી આવતી પરંપરા હવે તૂટવાની છે. BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ એક મીડિયા ચેનલને જણાવ્યું હતું કે, ‘આ એક વ્યવહારુ નિર્ણય છે. શિયાળા દરમિયાન, ઉત્તરપૂર્વ ભારતમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત ખૂબ વહેલા થાય છે. સાંજે 4 વાગ્યા સુધીમાં, પ્રકાશ ખૂબ ઓછો થઈ જાય છે, અને તે પછી, વધુ રમત શક્ય નથી. તેથી જ અમે આ ટેસ્ટ મેચ વહેલી શરૂ કરવાનો નિર્ણય લીધો, જે સવારે 9 વાગ્યે શરૂ થઇ જશે.’

Guwahati Test

કોલકાતા ટેસ્ટમાં, ઓફ-સ્પિનર ​​સિમોન હાર્મરે કુલ 8 વિકેટ લઈને દક્ષિણ આફ્રિકાની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ઇનિંગમાં 159 રન બનાવ્યા હતા. ભારત માટે જસપ્રીત બુમરાહે પાંચ વિકેટ લીધી હતી. ત્યારપછી ભારતની પ્રથમ ઇનિંગ 189 રન સુધી મર્યાદિત રહી હતી, જેના કારણે તેમને ફક્ત 30 રનની જ લીડ મળી હતી.

ત્યારપછી દક્ષિણ આફ્રિકાએ કેપ્ટન ટેમ્બા બાવુમાના અણનમ 55 રનની મદદથી તેમની બીજી ઇનિંગમાં 153 રન બનાવ્યા હતા. ભારતીય બેટ્સમેનો પાસેથી ચોથી ઇનિંગમાં સારું પ્રદર્શન કરવાની આશા રાખવામાં આવી હતી, પરંતુ તેઓએ નિરાશ કર્યા અને મેચ હારી ગયા. ફક્ત વોશિંગ્ટન સુંદર (31) અને અક્ષર પટેલ (26) જ થોડો સંઘર્ષ કરી શક્યા. ભારતીય ટીમ હવે ગુવાહાટી ટેસ્ટમાં ત્રણેય વિભાગોમાં (બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ) સારું પ્રદર્શન કરવા માટે પ્રયત્ન કરશે.

Guwahati Test
tv9kannada.com

બીજી ટેસ્ટ માટે ભારતની ટીમ: યશસ્વી જયસ્વાલ, KL રાહુલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (ઉપ-કેપ્ટન/વિકેટકીપર), ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અક્ષર પટેલ, દેવદત્ત પડિકલ, આકાશ દીપ અને નીતિશ કુમાર રેડ્ડી.

બીજી ટેસ્ટ માટે દક્ષિણ આફ્રિકાની ટીમ: એડન માર્કરમ, રયાન રિકેલ્ટન, ટ્રિસ્ટન સ્ટબ્સ, ટેમ્બા બાવુમા (કેપ્ટન), ટોની D જોર્ઝી, ડેવાલ્ડ બ્રુઇસ, કાયલ વેરેને (વિકેટકીપર), સાઈમન હાર્મર, માર્કો જાનસેન, કેશવ મહારાજ, કગીસો રબાડા, કોર્બિન બોશ, સેનુરન મુથુસામી, ઝુબેર હમઝા અને વિઆન મુલ્ડર.

error: Content is protected !!