
મેરઠમાં એક ડૉક્ટરની ભારે બેદરકારી સામે આવી છે. અઢી વર્ષના છોકરાની આંખ પાસે થયેલી ઈજાની સારવાર એવી રીતે કરવામાં આવી કે જેણે પણ આ અંગે સાંભળ્યું બધા હેરાન થઈ ગયા. બાળકને ટાંકા લગાવવાની જરૂર હતી, પરંતુ એવો આરોપ છે કે ડૉક્ટરે ઘા પર 5 રૂપિયાવાળા ફેવિક્વીકથી ઘા ચોંટાડી દીધો. પરિણામે, બાળક આખી રાત દુઃખાવાથી પીડાતો રહ્યો અને બીજા દિવસે બીજી હોસ્પિટલના ડૉક્ટરોને ફેવિક્વીક કાઢવામાં 3 કલાક લાગ્યા અને પછી તેને ટાંકા લાગાવ્યા.
આ અજીબો-ગરીબ અને પરેશાન કરનારી ઘટના મેરઠના જાગૃતિ વિહાર એક્સટેન્શનમાં સ્થિત મેપલ્સ હાઇટની છે. અહી રહેનાર ફાઇનાન્સર સરદાર જસવિંદર સિંહનો અઢી વર્ષનો પુત્ર મનરાજ, સાંજે ઘરે રમી રહ્યો હતો. રમતા રમતા ટેબલના ખૂણા સાથે અથડાયો. ઈજા આંખની એકદમ નજીક હતી અને તેમાંથી લોહી નીકળવા લાગ્યું. બાળકને રડતો જોઈને પરિવારજનો ગભરાઈ ગયા અને સારવાર માટે શહેરની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. પરિવારજનોનો આરોપ છે કે ત્યાંના ડૉક્ટરે ઘાની યોગ્ય રીતે તપાસ કરી નહોતી કે ન તો પ્રાથમિક સારવારની પ્રક્રિયા અપનાવી. ટાંકા લગાવવાની વાત તો દૂર, તેણે માતા-પિતાને બહારથી 5 રૂપિયાનું ફેવિક્વીક લાવવા કહ્યું. પરિવારે ડૉક્ટર પર વિશ્વાસ કરીને ફેવિક્વીક લાવી આપ્યું. ઘા સાફ કરવાને બદલે, ડૉક્ટરે જ્યાં ઘા થયો હતો ત્યાં ફેવિક્વીક ચોંટાડી દીધું.

જસવિંદર સિંહ કહે છે કે બાળક સતત પીડાતો રહ્યો. ડૉક્ટરે તેમને વારંવાર આશ્વસ્ત કર્યા કે બાળક ગભરાયેલું છે અને થોડા સમયમાં દુઃખાવો ઓછો થઈ જશે. પરંતુ ઓછો થવાને બદલે, આખી રાત દુઃખાવો વધતો રહ્યો. રાતભર બાળકની બેચેની જોઈને માતા-પિતાની ચિંતા વધતી ગઈ અને તેઓ વિલંબ કર્યા વિના તેને લોકપ્રિયા હોસ્પિટલમાં લઈ ગયા. જ્યારે ત્યાંના ડૉક્ટરોને ખબર પડી કે ઘા પર ફેવિક્વીક લગાવવામાં આવ્યું છે, ત્યારે તેમણે સ્પષ્ટપણે કહ્યું કે પરિસ્થિતિ અત્યંત ખતરનાક બની શકે છે. જો ફેવિક્વીકની થોડી માત્રા પણ આંખમાં ગઈ હોત, તો બાળકની દૃષ્ટિ પર અસર થઈ શકતી હતી. લોકપ્રિયા હોસ્પિટલના ડૉક્ટરોને ફેવિક્વીક કાઢવામાં લગભગ 3 કલાક લાગ્યા. ત્વચા અથવા આંખોને કોઈ નુકસાન ન થાય તે માટે તેમણે ફેવિક્વીકના સ્તરને કાળજીપૂર્વક દૂર કર્યું. ફેવિક્વીક સાફ કર્યા બાદ ઘાનું સાચું સ્વરૂપ સામે આવ્યું, અને ડૉક્ટરોએ તરત જ 4 ટાંકા લગાવ્યા. જસવિંદર સિંહે કહ્યું કે, ‘અમે સમજી જ ન શક્યા કે એક ડૉક્ટર આટલો બેજવાબદાર કેવી રીતે હોઈ શકે. જે ઘા પર યોગ્ય રીતે ટાંકા લગાવવા જોઈતા હતા, ત્યાં તેણે ફેવિક્વીક લગાવી દીધું.
મેરઠના CMO ડૉ. અશોક કટારિયાએ આ બાબતને ગંભીરતાથી લેતા કહ્યું કે, અમને બાળકના પરિવાર તરફથી ફરિયાદ મળી છે. આ ખૂબ જ સંવેદનશીલ અને ચિંતાજનક બાબત છે. સમગ્ર ઘટનાની તપાસ માટે એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. રિપોર્ટ બાદ જે કોઈ જવાબદાર જણાશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. CMOના કાર્યાલયના જણાવ્યા અનુસાર, સમિતિ એ વાતની પણ તપાસ કરશે કે ખાનગી હોસ્પિટલના ડૉક્ટર પ્રશિક્ષિત હતા કે નહીં, તેમની લાયકાત હોસ્પિટલની માનક યાદીને અનુરૂપ હતા કે નહીં, અને હોસ્પિટલમાં કટોકટીની પરિસ્થિતિઓ માટે પૂરતી સુવિધાઓ હતી કે નહીં.

