
ગુજરાતની ઉત્તરપૂર્વ દિશામાં આવેલા દાહોદ જિલ્લાના રતનમહાલ વન્યજીવ અભયારણ્યના લીલાછમ જંગલોમાં એક અદ્ભુત કહાણી ઊભી થઈ રહી છે-રાજ્યના આ વિસ્તારમાં ટાઇગર જિન્દા હૈ. નજીકના રાજ્ય મધ્યપ્રદેશના જંગલોથી આવેલો એક ચાર વર્ષનો નર વાઘ ફેબ્રુઆરી 2025માં સૌથી પહેલા અહીં દેખાયો હતો. તે છેલ્લા નવ મહિનાથી અહીં વસવાટ કરી રહ્યો છે. કેમેરા ટ્રેપમાં પાણી પીતો દેખાતો આ એકલો બેંગોલ ટાઇગર 32 વર્ષ પછી ગુજરાતમાં વાઘની હાજરીનો પુરાવો છે.
એક સમયે વાઘોનો આશ્રયસ્થાન રહેલું ગુજરાત આજે ફરીથી તેના પગરવ સાંભળી રહ્યું છે. વાઘ ગુજરાતમાંથી કેવી રીતે અદૃશ્ય થયો? હવે ફરીથી કેમ દેખાઈ રહ્યો છે? અને ભવિષ્યમાં ગુજરાતે શું કરવું જોઈએ? આ સવાલો હવે પૂછાઇ રહ્યા છે. ગુજરાતમાં વાઘોના ભૂતકાળ, વર્તમાન અને વાઘના સંભવિત ભવિષ્યની વાત આપણે કરીએ.
-વાઘ ગુજરાતમાંથી કેવી રીતે અદૃશ્ય થયો
ડાંગ, નર્મદા, સાબરકાંઠા અને ભરૂચ જેવા જિલ્લાઓમાં 1960ના દાયકા સુધી લગભગ 50 વાઘ વસતા હતા. ચિત્તલ, સાંભર અને જંગલી ડુક્કર તેમનો ખોરાક હતા. પરંતુ માનવીની લાલચ અને વનોના નાશે આ સંતુલન તોડી નાખ્યું. છેલ્લે વર્ષ 1983માં ડાંગના વઘઈમાં છેલ્લો વાઘ શિકારીઓએ મારી નાંખ્યો હોવાની જાણકારી મળે છે.
ખેતી, ડેમ અને વસાહતો માટે જંગલો કપાયા, તેમના ખોરાકની સંખ્યા ઘટી અને વાઘ બીજે ભટકવા લાગ્યા. 1989માં વન વિભાગે વાઘને સત્તાવાર રીતે ગુજરાતમાંથી લુપ્ત જાહેર કર્યો.
-રતનમહાલમાં વાઘની વાપસી
ફેબ્રુઆરી 2025માં મધ્યપ્રદેશથી એક યુવાન નર વાઘ વિંધ્યાચલ કોરિડોર થઈને રતનમહાલ આવ્યો અને અહીં જ રહી ગયો. અહીં જંગલો બચ્યા હોવાથી, ચિત્તલ-નીલગાયની સારી સંખ્યા અને પાણીની સતત ઉપલબ્ધતાએ તેને રોકી રાખ્યો. ગુજરાતના વનમંત્રી અર્જુન મોઢવડિયાએ તેને “ઐતિહાસિક ક્ષણ” ગણાવી છે. તેમણે કહ્યું કે હવે ગુજરાત એકમાત્ર રાજ્ય છે જ્યાં સિંહ, દીપડો અને વાઘ – ત્રણેય બિગ કેટ્સ એકસાથે છે.
-ભવિષ્ય શું હશે
જો માદા વાઘ આવે તો એક દાયકામાં 10થી 20 વાઘની વસ્તી શક્ય છે. કેન્દ્ર સરકાર રતનમહાલને “ટાઈગર આઉટસાઇડ ટાઇગર રિઝર્વ ” યોજનામાં સામેલ કરવાનું વિચારી રહી છે. પરંતુ પાણીની અછત, માનવ-વન્યજીવ સંઘર્ષ અને અનિયંત્રિત પર્યટન મોટા પડકારો છે.
ગુજરાતે શું કરવું જોઈએ?
ખોરાકની સંખ્યા વધારવી – ગિરથી ચિત્તલ, મધ્યપ્રદેશથી સાંભર લાવવા.
કોરિડોર સુરક્ષિત કરવા – મધ્યપ્રદેશ સાથે મળીને વિંધ્યાચલ કોરિડોર વિસ્તારવો.
માનવ-વાઘ સંઘર્ષ ઘટાડવો – ગ્રામજનોને વૈકલ્પિક આજીવિકા અને પશુઓનું વળતર આપવું.
રતનમહાલને રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો આપીને સુરક્ષા અને નાણાકીય સહાય મેળવવી.

