
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવત મણિપુરની મુલાકાતે છે. શુક્રવારે પોતાના સંબોધનમાં તેમણે સભ્યતા, સમાજ અને રાષ્ટ્રની શક્તિનો ઉલ્લેખ કર્યો. આ દરમિયાન મોહન ભાગવતે કહ્યું કે આપણે સમાજનું એક બેઝિક નેટવર્ક બનાવ્યું છે અને તેના કારણે હિન્દુ સમાજ રહેશે. જો હિન્દુઓ નહીં રહે તો દુનિયા નહીં રહે. દરેક વ્યક્તિએ પરિસ્થિતિઓનો વિચાર કરવો પડે છે. પરિસ્થિતિઓ આવે છે અને જાય છે. વિશ્વના બધા દેશો પર વિવિધ પરિસ્થિતિઓ આવી અને ગઈ. તેમાં કેટલાક દેશો નષ્ટ થઈ ગયા. ગ્રીસ, ઇજિપ્ત અને રોમ બધા મટી ગયા, પરંતુ કંઈક વાત છે કે આપણું અસ્તિત્વ અખંડ છે.’

તેમણે કહ્યું કે, ‘ભારત એક અમર સમાજ, અમર સભ્યતાનું નામ છે. બાકી બધા આવ્યા, ચમક્યા અને જતા રહ્યા. પરંતુ આપણે તે બધાના ઉદય અને પતન જોયા છે. આપણે હજુ પણ અસ્તિત્વમાં છીએ અને અસ્તિત્વમાં રહીશું કારણ કે આપણે સમાજનું એક બેઝિક નેટવર્ક બનાવ્યું છે. તેના કારણે, હિન્દુ સમાજ રહેશે. જો હિન્દુઓ અસ્તિત્વમાં નહીં રહે, તો દુનિયા નહીં. કારણ કે હિન્દુ સમાજ જ સમય સમય પર વિશ્વને ધર્મનો સાચો અર્થ અને માર્ગદર્શન પૂરું પાડે છે. આ આપણી ભગવાન દ્વારા આપવામાં આવેલી ફરજ છે.’
ભાગવતે કહ્યું કે, દરેક સમસ્યાનો અંત સંભાવ છે.બ્રિટિશ સામ્રાજ્યનો સૂર્ય ક્યારેય આથમ્યો નહીં. પરંતુ ભારતમાં તેના સૂર્યાસ્તની શરૂઆત થઈ. તેના માટે આપણે 90 વર્ષ સુધી પ્રયાસ કર્યા. 1857 થી 1947 સુધી, આપણે બધા આટલા લાંબા સમય સુધી સ્વતંત્રતા માટે લડ્યા. આપણે ક્યારેય તે અવાજને દબાવા ન દીધો. ક્યારેક ઓછો થઇ ગયો, ક્યારેક વધી ગયો, પરંતુ ક્યારેય દબાવા ન દીધો.

તેમણે આત્મનિર્ભર અર્થતંત્ર પર ભાર મૂકતા કહ્યું કે દેશ એવો હોવો જોઈએ, જે કોઈ પર નિર્ભર ન રહે. આપણી અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે આત્મનિર્ભર હોવી જોઈએ. આપણે કોઈના પર નિર્ભર ન હોવા જોઈએ. આપણી પાસે આર્થિક ક્ષમતા, લશ્કરી ક્ષમતા અને જ્ઞાન ક્ષમતા હોવી જોઈએ. તે વધાવી જોઈએ. આપણું લક્ષ્ય હોવું જોઈએ કે, દેશ સુરક્ષિત રહે, સમૃદ્ધ રહે અને કોઈ પણ નાગરિક દુઃખી, ગરીબ કે બેરોજગાર ન રહે. બધા લોકો દેશ માટે કામ કરે અને સુખી જીવન જીવે.

