
શું તમે ક્યારેય કલ્પના કરી છે કે તમામ સુરક્ષા ઉપાયો અપનાવવા છતા પણ ચોર તમારા ઘરમાંથી સ્પાઇડર-મેન સ્ટાઇલમાં ચોરી કરી શકે છે? દિલ્હીના ભજનપુરામાં એક એવી ઘટના સામે આવી છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. ચોર ઇલેક્ટ્રિક વાયરનો ઉપયોગ કરીને ઘરમાં ઘૂસ્યો અને ચોરી કરી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ.

શું છે આખો મામલો?
ભજનપુરામાં, એક ચોરે સ્પાઇડર-મેન સ્ટાઇલ અપનાવીને ચોરીની ઘટનાને અંજામ આપી. ઘોંડા વિસ્તારમાં એક ચોર ઇલેક્ટ્રિક વાયરનો ઉપયોગ કરીને બાલ્કનીમાંથી ઘરમાં ઘૂસી ગયો અને 43 લાખથી વધુ કિંમતના સોનાના દાગીના, 1.5 લાખ રોકડા અને મોબાઇલ ફોન લઈને ફરાર થઈ ગયો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ. CCTVની સમીક્ષા કર્યા બાદ એવું જાણવા મળ્યું કે ચોર ઇલેક્ટ્રિક વાયર પર ઝૂલતા બાલ્કનીમાંથી અંદર ઘૂસ્યો પરિવારને શંકા છે કે ચોરે નશીલા સ્પ્રેનો ઉપયોગ કર્યો હતો, કારણ કે ઘરમાં કોઈ સભ્ય ન જાગ્યો. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.
દિલ્હીના શાહદરામાં કૃષ્ણ નગર વિસ્તારમાં પણ 1.5 કરોડ રૂપિયાની સનસનાટીભરી ચોરીની થઈ છે. જોકે, પોલીસે આ ચોરીનો પર્દાફાશ કર્યો અને આંતરરાજ્ય તાળાં-ચાવી ગેંગના બે કુખ્યાત સભ્યોની ધરપકડ કરી. પૂછપરછમાં જાણવા મળ્યું કે ગેંગના સભ્યો દિવસ દરમિયાન ચાવી વાળા બનીને કોલોનીઓમાં રેકી કરતા હતા અને રાત્રે ચોરીઓ કરતા હતા.

આ કેસમાં DCPએ જણાવ્યું હતું કે, દોઢ કરોડ રૂપિયાના સોનાના દાગીના અને ચાંદી સહિત તમામ કિંમતી સામાન ચોરી કર્યો હતો. આ મામલે કૃષ્ણા નગર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. ચોરોની વધતી જતી હિંમતને જોતા પોલીસે કડક કાર્યવાહી કરવાની જરૂર છે.

