
મહારાષ્ટ્રના મંત્રી ગિરીશ મહાજનના પત્ની સાધના મહાજન જામનેર નગરપાલિકાના મેયર તરીકે બિનહરીફ ચૂંટાયા છે. મંત્રીના પત્ની સાધના મહાજન 8 કાઉન્સિલરો સાથે બિનહરીફ મેયર તરીકે ચૂંટાયા હતા. રાષ્ટ્રવાદી શરદ પવાર (NCP SP) જૂથ, કોંગ્રેસ અને શિવસેના શિંદે જૂથના ઉમેદવારોએ તેમની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી, જેના કારણે તેમની બિનહરીફ ચૂંટણી થઈ હતી.
જામનેર નગરપાલિકા જલગાંવ જિલ્લાની પહેલી નગરપાલિકા છે, જ્યાં વિરોધ વિના મેયર ચૂંટાયા છે. જલગાંવ જિલ્લાની જામનેર નગરપાલિકા ઘણા વર્ષોથી ગિરીશ મહાજનના એકલાના નિયંત્રણમાં છે. જામનેર શહેર મંત્રી ગિરીશ મહાજનનો ગઢ છે, જ્યાંથી તેઓ 8 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.

તો, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)એ શનિવારે ભાજપ પર આરોપ લગાવ્યો કે, મહારાષ્ટ્રમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ‘પરિવાર પહેલા’નો મામલો બનાવી દીધો છે અને ભાજપના નેતાઓના સંબંધીઓની બિનહરીફ જીત સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. તેમના વિરોધીઓને મેદાનમાંથી ખસી જવા મજબૂર કરવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા વિજય વાડેટ્ટીવારે આરોપ લગાવ્યો કે સત્તાધારી મહાયુતિ ગઠબંધન દ્વારા દબાણની રણનીતિ અને સરકારી મશીનરીના દુરુપયોગ દ્વારા લોકશાહીને કચડી નાખવામાં આવી રહી છે. તો, ભાજપે કોંગ્રેસ અને શરદ પવારની આગેવાની હેઠળની NCP પર વળતો પ્રહાર કર્યો અને તેમને વંશવાદની પાર્ટીઓ ગણાવી અને આરોપોને નકારી કાઢ્યા. વાડેટ્ટીવારે આરોપ લગાવ્યો કે ભાજપના નેતાઓના સંબંધીઓ નગર પરિષદો અને નગર પંચાયતોમાં બિનહરીફ ચૂંટાયા છે, જ્યાં 2 ડિસેમ્બરે ચૂંટણી થવાની છે.

તો રાજ્ય ભાજપ અધ્યક્ષ રવિન્દ્ર ચવ્હાણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અગાઉ રાજ્યભરમાં નગર પરિષદો અને નગર પંચાયતોમાં શાસક પક્ષના 100 કાઉન્સિલરો બિનહરીફ ચૂંટાયા હોવાનો દાવો કર્યો છે. ભાજપે કોંગ્રેસ અને NCP (શરદચંદ્ર પવાર) દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ફગાવી દીધા છે.

